વિશ્વ બજાર પાછળ શુદ્ધ સોનાએ રૂ. 248ના ઘટાડા સાથે રૂ. 57,000ની સપાટી ગુમાવી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકા ખાતે ગઈકાલે જાહેર થયેલા ફુગાવામાં અપેક્ષા કરતાં વધુ ઝડપી વૃદ્ધિ જોવા મળી હોવાથી અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં આક્રમક ધોરણે વધારો કરે તેવી ચિંતા સપાટી પર આવતા આજે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહ્યું હતું અને લંડન ખાતે હાજરમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હતું. આમ વિશ્વિક નિરુત્સાહી અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 247થી 248નો ઘટાડો આવ્યો હતો, જેમાં શુદ્ધ સોનાએ રૂ. 57,000ની સપાટી ગુમાવી હતી. જોકે, ગઈકાલે સ્થાનિકમાં ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો આવી ગયા બાદ આજે મધ્યસત્ર દરમિયાન વિશ્વ બજારથી વિપરીત ઘટ્યા મથાળેથી ઔદ્યોગિક વપરાશકારોની માગ ખૂલતાં ભાવ કિલોદીઠ રૂ. 213 વધી આવ્યા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર ગઈકાલે સ્થાનિકમાં ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 213નો ઘટાડો આવ્યા બાદ આજે મધ્યસત્ર દરમિયાન નીચા મથાળેથી ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની લેવાલીને ટેકે ભાવ કિલોદીઠ રૂ. 213ના સુધારા સાથે ફરી રૂ. 66,000ની સપાટી પાર કરીને રૂ. 66,055ના મથાળે રહ્યા હતા. જોકે, સોનામાં વિશ્વિક નિરુત્સાહી અહેવાલ ઉપરાંત વધુ ઘટાડાના આશાવાદે રોકાણકારો અને સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ રહેતાં મધ્યસત્ર દરમિયાન 99.5 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 247 ઘટીને રૂ. 56,543 અને 99.9 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 248 ઘટીને રૂ. 56,770ના મથાળે રહ્યા હતા. નોંધનીય બાબત એ છે કે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો વધુ છ પૈસા ઘટ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતર વધવાને કારણે વિશ્વ બજારની સરખામણીમાં ભાવઘટાડો મર્યાદિત રહ્યો હતો.
દરમિયાન ગઈકાલે જાહેર થયેલા અમેરિકાના જાન્યુઆરી મહિનાના ક્ધઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સમાં ઑક્ટોબર પછીનો સૌથી ઓછો 0.5 ટકાનો વધારો થયો હતો અને ગત ડિસેમ્બર મહિનાના 6.5 ટકા સામે સાધારણ ઘટીને 6.4 ટકાની સપાટીએ રહ્યો હોવાથી અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં આક્રમક ધોરણે વધારો કરવાનો અભિગમ જાળવી રાખે તેવી ભીતિ સપાટી પર આવતા આજે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતાં લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ઔંસદીઠ ભાવ ગઈકાલના બંધથી વધુ 0.6 ટકા ઘટીને 1843.79 ડૉલર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધથી 0.7 ટકા ઘટીને 1852.40 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધથી 0.6 ટકા ઘટીને ઔંસદીઠ 21.71 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
દરમિયાન ડલાસ ફેડના પ્રેસિડૅન્ટ લૉરી લૉગાને જણાવ્યું હતું કે ફુગાવાની સપાટીને ધ્યાનમાં લેતાં અમારે લાંબા સમયગાળા સુધી વ્યાજદરમાં વધારો કરવા માટે સજ્જ રહેવું પડે તેમ જણાય છે. જોકે, નાણાં બજારનાં નિષ્ણાતોનું માનવુ છે કે હાલ ફેડરલના વ્યાજદર જે 4.50થી 4.75 ટકા છે તે જુલાઈ સુધીમાં વધારીને 5.263 ટકા સુધીની ટોચ પર રાખે તેવી શક્યતા નકારી ન શકાય.