પ્રતિકાત્મક તસ્વીર

અમદાવાદમાં સરોગસીનો પેચીદા કિસ્સો: સરોગેટ માતાએ જેલવાસ દરમિયાન બાળકીને જન્મ આપ્યો, બાળકીને બાયોલોજિકલ માતા પિતાને સોંપવાનો પોલીસનો ઇનકાર

આપણું ગુજરાત

અમદાવાદમાં સરોગસીનો એક પેચીદા કિસ્સો સામે આવ્યો છે. જેલવાસ ભોગવી રહેલી સરોગેટ માતાએ સિવિલ હોસ્પિટલમાં બાળકીને જન્મ આપતા બાળકીની કસ્ટડી અંગે મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો છે. સરોગસીથી જન્મેલી દીકરીની કસ્ટડી મેળવવા માટે જેનેટિક પિતાએ ગુજરાત હાઇકોર્ટમાં હેબિયસ કૉર્પસ દાખલ કરી છે. આ મામલે હાઇકોર્ટે અરજન્ટ નોટિસ ઇસ્યૂ કરી છે. સરોગેટ માતા પોતાની બાળકીની કસ્ટડી બાયોલોજીકલ માતા-પિતાને સોંપવા માટે તૈયાર છે, પરંતુ પોલીસ બાળકીની કસ્ટડી માતા-પિતાને સોંપવાથી રોકી રહી હોવાની ગુજરાત હાઇકોર્ટમાં રજૂઆત કરવામાં આવી છે.
મળતી માહિતી પ્રમાણે અરજદાર પિતા રાજસ્થાનના રહેવાસી છે, સંતાન ન હોવાથી સેરોગસીનો માટે તેઓ સપ્ટેમ્બર 2021માં અમદાવાદ આવ્યા હતા. અહી સરોગસી માટે એક મહિલા પોતાની કુખ આપવા તૈયાર થઇ હતી. ડોક્ટરના માર્ગદર્શન હેઠળ સરોગેસી માટેની પ્રક્રિયા હાથ ધરાઈ હતી ત્યાર બાદ મહિલા ગર્ભવતી બની હતી, આ દરમિયાન મહિલા સામે અમદાવાદના ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં બાળકના અપહરણના આરોપ સર ફેબ્રુઆરી 2022માં મહિલા સામે ફરિયાદ થતા પોલીસે તેની ધરપકડ કરી હતી. ત્યાર બાદ મહિલાને જેલમાં રાખવામાં આવી હતી. બે દિવસ પહેલા મહિલાને પ્રસુતિ પીડા ઉપાડતા સિવિલ હોસ્પિટલ લઇ જવાઈ હતી. ત્યાર બાદ મહિલાએ સિવિલ હોસ્પિટલમાં જ બાળકીને જન્મ આપ્યો હતો.
હવે કાયદેસર રીતે બાળકના જન્મ બાદ તેને તેના બાયોલોજીકલ માતા પિતાને સોંપવું જોઈ પરંતુ આ કેસમાં સરોગેટ માતા જેલવાસમાં હોવાથી પોલીસે કસ્ટડી માતા પિતાને આપવાથી ઇનકાર કર્યો છે. જેને લઈને પિતાએ હાઈકોર્ટમાં અરજી કરી છે. અરજદારના વકીલે હાઇકોર્ટમાં રજૂઆત કરી કે સરોગેસી કરાર દરમિયાન બાળકીના જન્મ બાદ તુરંત જ તેની કસ્ટડી પિતાને સોંપવા માટેની શરત પણ મુકાઈ હતી. બાળકીને જેલમાં મોકલાશે તો સવાલ એ છે કે નવજાત બાળકી તેની સરોગેટ માતાએ કરેલા ગુનાની સજા ભોગવવા શા માટે જેલમાં જાય?આ મામલાની ગંભીરતા જોતા હાઇકોર્ટે અમદાવાદ સેન્ટ્રલ જેલને અરજન્ટ નોટિસ ઇશ્યુ કરી છે. સાથે સાથે માતા તેની દીકરીની કસ્ટડી સોંપવા માટે તૈયાર છે, તેવું સોગંદનામું રજૂ કરવા માટે પણ નિર્દેશ આપ્યા છે.
નોંધનીય છે કે સંસદે સરોગસી રેગ્યુલેશન એક્ટ 2021 પસાર કરી કોમર્શિયલ સરોગસી પર પણ પ્રતિબંધ મૂક્યો હતો. આ કાયદો 25 જાન્યુઆરી 2022થી અમલમાં આવ્યો છે. સરોગેટ માતા કપલમાંથી કોઈ એક સાથેની સંબંધી હોવી જોઈએ. જો કોઈ વ્યક્તિ પૈસાની આપલે કરી સરોગસી કરાવે તો તેને 10 વર્ષની જેલ અને 10 લાખ રૂપિયા સુધીના દંડની સજાની જોગવાઈ આ કાયદામાં કરવામાં આવી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.