દ્રૌપદી રાષ્ટ્રપતિ છે, તો પછી કૌરવો અને પાંડવો કોણ છે?’ રામ ગોપાલ વર્માની વિવાદાસ્પદ ટ્વીટ સામે ભાજપે ફરિયાદ નોંધાવી

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

પોતાના નિવેદનો અને ટિપ્પણીઓને કારણે અવારનવાર વિવાદોમાં રહેનાર પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક રામ ગોપાલ વર્મા ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે ફિલ્મ નિર્માતા તેના એક ટ્વિટને લઈને કાયદાકીય મુશ્કેલીમાં ફસાયા છે. વર્માએ તાજેતરમાં જ એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કરાયેલા દ્રૌપદી મુર્મુ પર એક વિવાદાસ્પદ ટ્વીટ કર્યું હતું. હવે ફિલ્મ નિર્માતા તેના ટ્વિટ્સથી વિવાદોમાં ઘેરાયા છે. વર્માના નિવેદન પર ભાજપના નેતાઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

બોલીવૂડ ફિલ્મ નિર્દેશક રામ ગોપાલ વર્માએ NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ વિરુદ્ધ વિવાદાસ્પદ ટ્વીટ કર્યા બાદ ભાજપના નેતાએ હૈદરાબાદમાં ફરિયાદ નોંધાવી છે. ‘રંગીલા’ અને ‘સત્યા’ જેવી ફિલ્મોનું દિગ્દર્શન કરનાર રામ ગોપાલ વર્માએ ટ્વિટર પર એક પોસ્ટ શેર કરતા લખ્યું, “જો દ્રૌપદી રાષ્ટ્રપતિ છે તો પાંડવો કોણ છે? અને સૌથી અગત્યનું, કૌરવો કોણ છે?” તેમની આ ટ્વીટ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ હવે નેતાઓની સાથે જનતાએ પણ તેમની આકરી ટીકા કરવા લાગ્યા અને આ મામલે વાંધો ઉઠાવ્યો હતો.

આ મામલામાં બીજેપી નેતા ગુદુર રેડ્ડી અને ટી. નંદેશ્વર ગૌરે રામ ગોપાલ વર્મા વિરુદ્ધ હૈદરાબાદના એબિડ્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે વર્મા પર NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર મુર્મુ પર અપમાનજનક ટિપ્પણી કરવાનો આરોપ લગાવ્યો છે. આ સાથે આંધ્ર પ્રદેશ બીજેપી ચીફ સોમુ વીરરાજુએ પણ રામ ગોપાલ વર્માના આ ટ્વીટની આકરી ટીકા કરી હતી અને કડક કાર્યવાહીની માંગ કરી હતી.
પોતાની ટ્વીટ પર વિવાદોમાં ફસાયા બાદ રામ ગોપાલ વર્માએ આ સમગ્ર મામલે પોતાનો ખુલાસો કર્યો છે. તેણે અન્ય એક ટ્વિટમાં લખ્યું, “આ સંપૂર્ણ પ્રમાણિકતાની વક્રોક્તિમાં કહેવામાં આવ્યું છે અને તેનો અન્ય કોઈ હેતુ નથી. મહાભારતમાં દ્રૌપદી મારું પ્રિય પાત્ર છે પરંતુ આ નામ ખૂબ જ વિરલ હોવાથી મને તેની સાથે સંકળાયેલા પાત્રો યાદ આવી ગયા અને તે જ મેં વ્યક્ત કર્યું. મારો મતલબ કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નથી.”

જોકે, આ પહેલીવાર નથી જ્યારે રામ ગોપાલ વર્મા સોશિયલ મીડિયા પર વિવાદોનો ભાગ બન્યા હોય. એપ્રિલમાં, હિન્દી રાષ્ટ્રભાષા હોવાને લઈને અજય દેવગણ અને કિચ્ચા સુદીપ વચ્ચેના ટ્વિટર યુદ્ધની વચ્ચે, દિગ્દર્શક રામ ગોપાલ વર્માએ આ વિવાદમાં ઝંપલાવ્યું હતું કે “ઉત્તરના સ્ટાર્સો (બોલીવૂડ) અસુરક્ષિત છે અને દક્ષિણના સ્ટાર્સની ઈર્ષ્યા કરે છે.”

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.