ગીતા મહિમા -સારંગપ્રીત
ગત અંકમાં આપણે બુદ્ધિયોગને સમજ્યા. આ અંકમાં ભગવાન કૃષ્ણ ગીતા દ્વારા અકારણ કરુણાનો નિર્દેશ કરે છે.
ભગવાન કહે છે – અજ્ઞાનજં તમ: નાશયામિ (૧૦/૧૧). ‘મારા જ્ઞાન-પ્રકાશ દ્વારા હું ભક્તોના અજ્ઞાનના અંધકારનો નાશ કરું છું.’ અહીં ભગવાન કૃષ્ણ આપણને ભગવાનની આપણા પ્રત્યેની કરુણાનો નિર્દેશ કરે છે. ભગવાનની કૃપાથી જ જીવોના અનાદિ અજ્ઞાનરૂપી અંધકારનો નાશ થાય છે. જેમ ભગવાનનો કરુણાનો ગુણ છે તેમ જ સંતનો પણ આ આગવો ગુણ છે. જીવ-પ્રાણીમાત્ર પ્રત્યે કરુણા! કોઈ પણ ભેદભાવ વિના!
સરિતા કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર જીવ-પ્રાણીમાત્રનું પોષણ કરે છે. વૃક્ષો અને નદીઓ બીજા માટે જ પોતાનું અસ્તિત્વ જાળવી રાખે છે. તેમ મહાપુરુષો બીજાને સુવાસિત કરે છે અને આધ્યાત્મિક તથા સાંસ્કૃતિક પોષણ કરે છે. જીવનને શીતળતા અર્પે છે, તેમની સહાયતાનો હાથ દરેકને મળે છે. તેમની કરુણાગંગાથી કોઈ વંચિત નથી રહેતું. જીવ-પ્રાણીમાત્ર તેમાં ભીંજાય છે.
‘રામચરિતમાનસ’માં સંતકવિ તુલસીદાસજી લખે છે કે
૮ ૯ઈ/ (૫( ૮.(, *૦અ ખ૦૫ઇં ૮ઊં ૮ *અ( મ
અર્થાત્, સંતનું હૃદય માખણ જેવું નરમ અને કોમળ છે. જેમ માખણને અગ્નિનો સ્પર્શ થતાં તત્કાળ ઓગળવા લાગે છે તેમ મહાપુરુષો જીવ-પ્રાણીમાત્રનું (અન્યનું) દુ:ખ જોઈ તત્ક્ષણ દ્રવિત થઈ જાય છે. તેમના હૃદયકુંડમાંથી સહજમાં કરુણાનો ધોધ વહેવા લાગે છે.
એક વાર એકનાથ રસ્તામાંથી પસાર થતા હતા ત્યારે એક બાળક ઘરનો રસ્તો શોધતો, અટવાતો અને ઉનાળાની ગરમ થયેલી રેતીથી દાઝતો, રડતો આમતેમ ફરતો નજરે પડ્યો. એકનાથના હૃદયમાંથી કરુણાની કંપારી છૂટી ગઈ. તેમણે ચીંથરેહાલ બાળકને ઊંચકી લીધો. ઘર પૂછતાં હરિજનવાસનો જણાયો. પ્રેમથી તેઓ તેને તેના ઘર સુધી મૂકી આવ્યા. આ પ્રસંગથી બ્રાહ્મણો ખૂબ ગુસ્સે થયા. એકનાથને પ્રાયશ્ર્ચિત્ત કરવા તથા શુદ્ધ થવા ગોદાવરીમાં સ્નાન કરવાની આજ્ઞા થઈ. એકનાથ ગોદાવરીના કિનારે પહોંચ્યા ત્યારે ત્યાં એક રક્તપિત્તિયો તેમને મળ્યો. તેણે કહ્યું : જેમ તમે બાળકને રેતીમાંથી તપતું બચાવ્યું તેનું પુણ્ય મને આપી મારો સ્પર્શ કરો. મને આશા છે કે તેથી મારો રોગ દૂર થશે. એકનાથે તે પુણ્ય અર્પણનો સંકલ્પ કરી રોગી પર જળ છાંટ્યું. ખરેખર! તેનો રોગ ગયો. જે કાર્યનું પ્રાયશ્ર્ચિત્ત કરવા એકનાથને દંડ થયો તેનું આવું મોટું ફળ જોઈ બ્રાહ્મણો શરમાઈ ગયા અને એકનાથને નમી પડ્યા. ખરેખર કવિ બાણભટ્ટ સાચું કહે છે કે
ઢ્ઢ(*ૠખ૭?અઊં૭ *૦ઊં*૦ ૮ ૫ખ/૮(.ખમ
અર્થાત્ કોઈના પણ ગુણ-દોષ તરફ ધ્યાન આપ્યા વિના પરોપકાર કરવો એ મહાન પુરુષોનું એક વ્યસન જ છે. તેમની વિશેષતા જ એ છે કે તેઓ કોઈની પણ પીડા ક્યારેય જોઈ શકતા નથી અને જ્યારે કોઈને દુ:ખી જુએ ત્યારે તેમની આંખોમાંથી કરુણાનો ધોધ વહી જાય છે.
કરુણામૂર્તિ ભગવાન સ્વામિનારાયણ પોતાના ભક્ત લાલજી સુથાર સાથે કચ્છનું રણ પસાર કરતા હતા ત્યારે તેઓને રસ્તામાં એક ભૂખ્યો માણસ મળ્યો. ભગવાને પોતાનું ભાથું તેને આપી દીધું. આગળ જતાં તસ્કરો મળ્યા તો ભક્ત પાસે પડેલા રૂપિયા ભગવાને તેઓને અપાવી દીધા. અંતે એક તરસ્યો માણસ મળ્યો. તેને પોતાના માટે રાખેલું પીવાનું પાણી પણ આપી દીધું. પોતાના દેહની ચિંતા કર્યા વિના મહાપુરુષો અન્યનું શ્રેય અને પ્રેય કરે છે.
અહીં ભાગવતમાં કરેલી રંતિદેવ રાજાની માગણી સાર્થક અને સ્મરણીય છે-
હું મારા માટે રાજ્ય કે સ્વર્ગ ઇચ્છતો નથી, પરંતુ હું તો એ જ ઇચ્છું છું કે દુ:ખોથી તપ્ત થયેલાં પ્રાણીઓની પીડાનો નાશ થાય. જેમ સૂર્યની અગનવર્ષાથી તપ્ત થયેલો માનવી ચંદ્રની શીતળ ચાંદનીમાં શીતળતાનો અનુભવ કરે છે તેમ મહાન પુરુષોની કરુણાગંગામાં લાખો લોકોને તૃપ્તિનો અનુભવ થાય છે. તેમના સામીપ્યમાં પોતાનાં અનેક દુ:ખ વીસરાઈ જાય છે.
સંત વિભૂતિ પ્રમુખસ્વામી મહારાજના કરુણાભીના વ્યક્તિત્વને નિરૂપતા છેલ્લા પાંચ પાંચ દાયકાના અનેક પ્રસંગો ઈતિહાસનો ભાગ બની ગયા છે. દુષ્કાળ હોય કે પૂર હોનારત, ભૂકંપ હોય કે સુનામી દુર્ઘટના, વ્યસનમુક્તિ હોય કે માંસાહારમુક્તિ, પારિવારિક કલહ હોય કે સામાજિક દાવાનળ, અરે! સમાજ, રાષ્ટ્ર અને વિશ્ર્વમાં આવતી કુદરતી કે માનવસર્જિત આપત્તિઓમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા અને પૂ. પ્રમુખસ્વામી મહારાજ સૌપ્રથમ લોકદુ:ખમાં ભાગીદાર બન્યાં છે. અસરગ્રસ્તોની સેવામાં હજારો સ્વયંસેવકોને જાગ્રત કરીને, તેમણે વૃદ્ધ વયે પણ સેવાનાં વિરાટ કાર્યોના બોજ ઊંચક્યા છે. ક્યારેક તો પીડિતો માટે તેમના હૈયે કરુણાનો એવો ઉછાળ ઊઠે કે અડધી રાત્રે ઊઠી ઊઠીને પણ દુ:ખી લોકોના દુ:ખ નિવારણ અર્થે પ્રાર્થનાઓ કરી છે.
નમસ્તે
સારંગપ્રિત લેખક દ્વારા લખાયેલ લેખ,ખરેખર અમને ખૂબ ગમે છે. કારણ કે, લખાણની શૈલી ખૂબ જ સરળ અને સચોટ છે. દરેક લેખ ખૂબ જ મર્મ અને મેસેજ આપે છે. જેનાથી વ્યક્તિગત જીવનમાં પણ ખૂબ ઉપયોગી બને છે. આજે હું કોલેજમાં પ્રોસેસર તરીકે સર્વિસ કરુંં છું. ઘણીવાર વિદ્યાર્થી સારી સારી વાત જાણવા ઈચ્છતા હોય છે, ત્યારે હું સારંગપ્રીત લેખક દ્વારા લખાયેલ લેખના કેટલાક અંશ વિદ્યાર્થી સમક્ષ રજૂ કરુ છુ. જેનાથી વિ્દ્યાર્થીને પણ ખૂબ પ્રેરણા પ્રાપ્ત થાય છે.
ધન્યવાદ