Homeએકસ્ટ્રા અફેરસાવરકર સાથે સરખામણી શિવાજીનું મહાઅપમાન

સાવરકર સાથે સરખામણી શિવાજીનું મહાઅપમાન

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

આપણે ત્યાં રાજકારણીઓ બોલવા બેસે ત્યારે તેમને શું બોલે છે કે કેવા શબ્દો વાપરે છે તેનું ભાન રહેતું નથી. જે જીભે ચડે એ ભરડી નાંખે છે ને તેના કારણે વણજોઈતા વિવાદ ઊભા થઈ જાય છે. એક રીતે કહીએ તો કશું હોય નહીં ને પેટ ચોળીને શૂળ ઊભું કરી દેવાય છે. મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ છત્રપતિ શિવાજી મહારાજ વિશે આવો જ બકવાસ કરીને પેટ ચોળીને શૂળ ઊભું કરી દીધું છે. ભગતસિંહ કોશ્યારીએ છત્રપતિ શિવાજી મહારાજને જૂના હીરો ગણાવ્યા તેમાં તમામ રાજકીય પક્ષના નેતા ભડકી ગયા છે. કોશ્યારીને મહારાષ્ટ્રના રાજ્યપાલપદેથી હટાવવાની ઉગ્ર માંગ શરૂ થઈ છે.
કોશિયારી ભાજપના નેતા છે ને ઉત્તરાખંડના મુખ્યમંત્રી હતા તેથી દેવેન્દ્ર ફડણવીસ જેવા કેટલાક નેતા તેમનો બચાવ કરવા ગયા તેમાં એ પણ અડફેટે ચડી ગયા છે. ભગતસિંહ કોશ્યારીએ જે વાત કરી એ હાસ્યાસ્પદ અને આઘાતજનક છે જ. છત્રપતિ શિવાજી મહારાજ જેવા યુગપ્રવર્તકને પોતાની ટૂંકી બુદ્ધિથી માપવા જતા તેમણે છત્રપતિ શિવાજી મહારાજનું અપમાન કર્યું જ છે એ જોતાં મહારાષ્ટ્રના નેતાઓનો આક્રોશ સમજી શકાય છે. આ આક્રોશને સમજવા માટે કોશિયારીએ શું હોંશિયારી મારી એ જાણવું જરૂરી છે.
ઔરંગાબાદમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર મરાઠવાડા વિદ્યાપીઠના દિક્ષાંત સમારંભમાં કોશિયારીએ ડહાપણ ડહોળેલું કે, અમે શાળામાં હતા ત્યારે અમને શિક્ષક પૂછતા કે તમારા મનગમતા હીરો કોણ છે. અમે સુભાષચંદ્ર બોસ, મહાત્મા ગાંધીજી, પંડિત જવાહરલાલ નેહરુ વગેરે નામ ગણાવતા હતા. જો કે મને એવું લાગે છે કે, અત્યારે તમારા મનગમતા હીરો કોણ છે એવું કોઈ પૂછે તો એ શોધવા તમારે બહાર જવાની જરૂર નથી કેમ કે મહારાષ્ટ્રમાં જ તમને તમારા હીરો મળી જશે. શિવાજી મહારાજ જૂના યુગની વાત છે અને હું નવા યુગની વાત કરી રહ્યો છું. ડૉ. આંબેડકરથી ડૉ. નીતિન ગડકરી સુધીના હીરો તમને અહીં મહારાષ્ટ્રમાં જ મળી જશે.
કોશિયારીના આ લવારા સામે મહારાષ્ટ્રના નેતા ભડકેલા હતા ત્યાં રાહુલ ગાંધીએ વિનાયક દામોદર સાવરકરે અંગ્રેજોની માફી માગી તેનો પત્ર જાહેર કર્યો. ભાજપવાળા અત્યારે વિનાયક દામોદર સાવરકરની પાલખી ઉંચકીને ફરે છે તેથી રાહુલ ગાંધીની વાતથી તેમને મરચાં લાગી ગયાં. ભાજપના નેતા વિનાયક દામોદર સાવરકરનો બચાવ કરવા ઉતરી પડ્યા. વિનાયક દામોદર સાવરકરે મહાન હતા એ સાબિત કરવા વાહિયાત લાગે એવી દલીલો શરૂ થઈ ને તેમાં ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ શિવાજી મહારાજનું નામ લઈને નવો ડખો ઉભો કરી દીધો.
પોતાને ઈતિહાસના મહાન જ્ઞાતા માનતા સુધાંશું ત્રિવેદીએ એક ટીવી ચેનલની ડિબેટમાં એવો લવારો કર્યો કે, છત્રપતિ શિવાજી મહારાજે ઔરંગઝેબને પાંચ વખત પત્ર લખીને માફી માગી હતી. સુધાંશું ત્રિવેદીના લવારાના કારણે મહારાષ્ટ્રના ભાજપના સાથી એકનાથ શિંદેની શિવસેનાના નેતા જ ઉકળી ઉઠ્યા છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેના, એનસીપીની સાથે ભાજપના સાથી એકનાથ શિંદેની શિવસેનાએ પણ સુધાંશુ ત્રિવેદી અને રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીને તગેડી મૂકવાની માગ કરી છે.
છત્રપતિ શિવાજી મહારાજના વંશજ ઉદયન રાજ ભોંસલે હાલમાં મહારાષ્ટ્રમાંથી ભાજપના રાજ્યસભા સાંસદ છે. ભોંસલેએ ચીમકી આપી છે કે, ભાજપ ત્રિવેદી અને કોશિયારીને નહીં હટાવે તો પોતે આકરો નિર્ણય લેવો પડશે. શિંદે જૂથના વિધાનસભ્ય સંજય ગાયકવાડે તો રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી અને ભાજપના નેતા સુધાંશુ ત્રિવેદી પર સીધો હુમલો કરીને ચીમકી આપી છે કે, છત્રપતિ શિવાજી મહારાજનું વારંવાર અપમાન થાય એ સારું નથી. ભાજપ આ બઘું બંધ નહીં કરાવે તો એક દિવસ બંને પક્ષના સંબંધ બગડશે અને તેને લીધે બંનેને ભોગવવું પડશે. ભાજપના હાઈકમાન્ડને વિનંતી છે કે, રાજ્યના ઈતિહાસ વિશે માહિતી ના હોય એવી વ્યક્તિને રાજ્યપાલની ખુરશી પર ના બેસાડો. મરાઠી માટીના માણસને જ આ પદ પર મૂકો ને આ રાજ્યપાલને જ્યાં પણ લઈ જઈને મૂકવા હોય ત્યાં મૂકો પણ મહારાષ્ટ્રમાં ના જોઈએ.
બીજા નેતાઓએ પણ ત્રિવેદી અને કોશિયારીની ઝાટકણી કાઢી છે. કોણે શું કહ્યું તેની વાત નથી કરતા પણ આ તમામ નેતાઓની એ વાત સાચી છે કે, શિવાજી મહારાજને જૂનો ઈતિહાસ ગણવો કે જૂના જમાનાના હીરો કહેવા તેનાથી મોટી મૂર્ખામી બીજી કોઈ નથી. શિવાજી મહારાજના યોગદાન વિશે વાત કરવી એ સૂરજ સામે દીવો ધરવા જેવું કહેવાય પણ એક લીટીમાં કહીએ તો કહી શકાય કે, શિવાજી મહારાજે આ દેશમાં હિંદઓને ફરી ગૌરવ અપાવ્યું. બાકી આપણા નપાણિયા રાજાઓના કારણે આ દેશ મુસ્લિમોનો ગુલામ બનીને રહી ગયેલો. ભાજપ જેવાના નામ ચરી ખાય છે ને કોશિયારી કે ત્રિવેદી જેવા નેતા જેના જોરે મોટા ભા થઈને ફરે છે એ હિંદુત્વ આ દેશમાં ફરી પ્રભાવી બન્યું તેનો યશ શિવાજી મહારાજને જાય છે. આ યોગદાનના કારણે શિવાજી કદી જૂના ના થાય. શિવાજી હંમેશાં ભારતીયોના હીરો હતા ને હીરો રહેશે.
હવે ત્રિવેદીના લવારાની વાત કરી લઈએ. શિવાજી મહારાજે ઔરંગઝેબને પત્ર લખેલો ને તેમાં માફી માગેલી એ સાચી વાત છે પણ ત્રિવેદી કહે છે તેમ માફી માગતા પાંચ પત્ર નહોતા લખ્યા. સૌથી મોટી વાત એ છે કે, સાવરકરે આખી જીંદગી અંગ્રેજોએ ફેંકેલા ટુકડા ખાધા જ્યારે શિવાજી મહારાજ કદી ઔરંગઝેબના પાલતું બનીને રહ્યા નહોતા. શિવાજી રાજા હતા ને તેમણે ઔરંગઝેબની માફી એક વ્યૂહરચનાના ભાગરૂપ માંગી હતી, સાવરકરની જેમ જીવ બચાવવા કે દેશ સાથે ગદ્દારી કરવા નહોતી માંગી.
સાવરકરની સરખામણી શિવાજી મહારાજ સાથે કરવાથી મોટું શિવાજી મહારાજનું બીજું કોઈ અપમાન ના કહેવાય. શિવાજી મહારાજ એ માફી પછી આખી જીંદગી મોગલો સામે લડ્યા, હિંદુપત પાદશાહી સ્થાપી ને આ દેશના હિંદુઓને ફરી ગૌરવભેર જીવતા કર્યા. સાવરકરે માફી માગીને જેલમાંથી છૂટ્યા, અંગ્રેજોના ઈશારે આઝાદીની લડત લડનારા લોકોને ગાળો આપી ને અંગ્રેજોએ ફેંકેલા ટુકડા પર જીંદગી જીવતા રહ્યા.
ભાજપના નેતાઓને આ વાત ના સમજાતી હોય તો તેમને શિવાજીનું નામ લેવાનો પણ અધિકાર નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular