ભારતમાં સામ્યવાદીઓ અને એમની વિચારસરણીના અંતનો આરંભ?

ઉત્સવ

ત્રિકોણનો ચોથો ખૂણો -વિક્રમ વકીલ

આશરે દોઢ દાયકા પહેલાંના દિવસો યાદ કરો. ભારતમાં સામ્યવાદીઓનો કેવો દબદબો હતો. અમેરિકા સાથેની ન્યૂક્લિયર સંધીના મામલે સામ્યવાદીઓએ દેશ આખો માથે લીધો હતો. તત્કાલીન વડા પ્રધાન મનમોહનસિંહે સામ્યવાદીઓના સહકાર વગર સરકાર બચાવવા માટે કેવા કેવા સમાધાનો કરવા પડ્યા હતા એ પણ યાદ હશે જ. ૨૦૦૪ના વર્ષમાં ભારતના બે સામ્યવાદી પક્ષોએ લોકસભામાં કુલ ૫૩ બેઠકો જીતી હતી. ૨૦૧૪માં સામ્યવાદીઓ બધુ મળીને ફક્ત ૧૦ બેઠકો જીતી શક્યા હતા. કુલ રાષ્ટ્રીય મતના આ ફક્ત ૪ ટકા મત હતા. છેલ્લી લોકસભાની ચૂંટણીમાં સામ્યવાદીઓએ કુલ પાંચ બેઠકો જીતી છે અને કુલ મતોના ફક્ત બે ટકા મત મેળવ્યા છે.
કેરળ સિવાયના રાજ્યોમાં આપણે જોઇએ તો સામ્યવાદીઓની હાલત ખૂબ કફોડી થતી જાય છે. બંગાળમાં ત્રણ દાયકા સુધી બેદખલ સત્તા ભોગવ્યા પછી બંગાળમાંથી પણ સામ્યવાદીઓ ધીમે ધીમે નેસ્તનાબૂદ થઈ રહ્યા છે. ભારતમાં સામ્યવાદીઓનો કેવો ઇતિહાસ રહ્યો છે એ ટૂંકમાં જાણી લઈએ.
સ્વતંત્રતા પછી ભારતના દરેક રાજ્યોમાં ડાબેરી પક્ષોનું ઠીક ઠીક કહી શકાય એવું વર્ચસ્વ હતું. એ વખતની એક માત્ર સંયુક્ત સામ્યવાદી પાર્ટી (સીપીઆઇ)એ ૧૯૫૧-૫૨ની લોકસભાની ચૂંટણીમાં ૧૬ બેઠકો મેળવી હતી. ૧૯૬૨માં આ સંખ્યા વધીને ૨૯ બેઠકોની થઈ.
સામ્યવાદીઓને દેશના કુલ મતમાંથી ૯ ટકાનો હિસ્સો મળ્યો હતો. એ પછી સામ્યવાદી પક્ષના બે ફાડચા થયા. સીપીઆઇ અને સીપીઆઇ(એમ). ૧૯૬૭માં આ બંને પક્ષોને ૪૨ બેઠકો મળી હતી. જોકે, એમના મતના હિસ્સામાં ૯ ટકા જેવો વધારો થયો હતો. ત્રણ દાયકાઓ સુધી દેશના રાજકારણમાં લાલભાઇઓનું વર્ચસ્વ ઠીક ઠીક રહ્યું હતું. ૨૦૦૪માં બંને સામ્યવાદી પક્ષોએ ૫૩ જેટલી બેઠકો મેળવી અને યુપીએ સરકારને ટેકો આપી રાષ્ટ્રીય રાજકારણમાં પગદંડો જમાવવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે, ત્યાર પછી એમના માઠા દિવસો શરૂ થયા.
વિશ્ર્વના કેટલાક દેશોમાં નવી દુનિયા સાથે તાલમેલ મેળવવા માટે સામ્યવાદી પક્ષોએ પોતાની વિચારધારામાં ઘણા સુધારા કરવા પડ્યા. જેમણે સુધારા નહીં કર્યા એમને પ્રજાએ જાકારો આપ્યો. ભારતમાં સીપીઆઇ અને સીપીઆઇ(એમ) જડની જેમ નારાબાજી અને એજ રદ્દી વિચારસરણીને વળગી રહ્યા. મૂડીવાદ અને કામદારો તેમ જ ગરીબી વિશેની તેમની સડી ગયેલી વિચારસરણીને કારણે તેઓ લોકોની નજરમાંથી ઊતરતા જ ગયા. બંગાળમાં લોકસભાની ચૂંટણી દરમિયાન લાલભાઇઓ ચૂંટણી સભામાં ‘ઇનકલાબ ઝિંદાબાદ’ના નારા લગાવતા હતા, ત્યારે ખૂબ બેહુદા લાગતા હતા. આજે વિશ્ર્વ આખાના ગરીબોને આગળ આવી પગભર થવું છે. ટૂ વ્હિલર વાહન રાખતા મધ્યમ વર્ગને ચાર વ્હિલર લેવાનો ધ્યેય હોય છે અને પૈસાદારોને વધુ પૈસાદાર થવું છે, ત્યારે ગરીબાઇને પંપાળ્યા કરવાની ડાબેરીઓની આર્થિક નીતિ કઈ રીતે કોઈને પસંદ આવે? છેલ્લા પાંચ વર્ષ દરમિયાન સરકારની પ્રધાનમંત્રી મુદ્રા યોજના, પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના અને જન-ધન યોજના મારફતે ગરીબોને જે સીધો લાભ મળ્યો એનો સ્વીકાર કરવામાં કે એ તરફ ધ્યાન આપવામાં પણ સામ્યવાદી ઉણાં ઊતર્યા અને એમણે ચૂંટણીમાં માર ખાધો.
દેશના કચડાયેલા વર્ગને પણ સાહસ કરી વેપારી – ઉદ્યોગપતિ બનવું છે. જેમની પાસે આ માટેના આર્થિક સાધનો નથી એમને મુદ્રા યોજનાથી ખૂબ ફાયદો થયો. આ યોજનાનો લાભ લેનારાઓને ભવિષ્યમાં આર્થિક સમુદ્ધિ દેખાય એ સ્વાભાવિક છે. બીજી તરફ દંભી સામ્યવાદીઓ પોતે ફાઇવસ્ટાર જલસા કરતા રહ્યા, પરંતુ ગરીબો એમની સમકક્ષ થઈને બેહતર જીવન પદ્ધતિ અપનાવી શકે એ માટે કોઈ ચિંતા કરી નહીં. નવાઈ લાગે એવી વાત છે, પરંતુ મુદ્રા યોજના હેઠળ લોન મેળવનારાઓમાં ૭૦ ટકા પ્રમાણ મહિલાઓનું છે. કેટલાક રાજકીય નિષ્ણાતોનું માનવું હતું કે સરકારની વિવિધ યોજનાઓનો લાભ ઉઠાવી રહેલા ગરીબો તરફ લાલભાઇઓનું ધ્યાન હશે, પરંતુ તેઓ તો પોતાની દુનિયામાં જ મસ્ત રહ્યા. હિન્દુ ધર્મ અને સંસ્કૃતિને વારંવાર ઉતારી પાડતા નિવેદનો અને કાર્યક્રમો આપીને જ એમણે માન્યું કે પ્રજા એમને ખોબલે ખોબલે મત આપશે. હજી પણ આ લાલભાઇઓ સુધરતા નથી, જ્યારે જ્યારે હિન્દુ શ્રદ્ધાળુઓ કોઈક દુર્ઘટનાનો ભોગ બને છે ત્યારે ત્યારે લાલભાઈઓ હમદર્દી બતાવવાને બદલે એમની મજાક ઉડાવે છે.
થોડા સમય પહેલા રાજસ્થાનમાં રામ કથા દરમિયાન મંડપ તૂટી પડ્યો અને ૧૪ થી વધુ વ્યક્તિઓના મૃત્યુ થયા ત્યારે દુ:ખ વ્યક્ત કરવાને બદલે ગુજરાત સહિત દેશના કેટલાક ડાબેરીઓએ મૃત્યુ પામેલાઓની ભદ્દી મજાક એટલા માટે જ ઉડાવી કે તેઓ રામ કથા સાંભળવા ગયા હતા. લાલભાઇઓ પોતે અડધી રાતે આતંકવાદીઓને બચાવવા જાય એને યોગ્ય માને છે અને હંમેશાં હિંસક નક્સલવાદીઓ તરફ કૂંણું વલણ રાખતા રહે છે, પરંતુ ભગવાનમાં શ્રદ્ધા રાખનાર ભક્તોને સતત ચીડવતા રહે છે. એમને માટે અફઝલ ગુરુ જેવા આતંકવાદીઓ ભગવાન છે અને ‘જયશ્રી રામ’ના નારા લગાડનારાઓ વિલન છે. આ જડ અને જાડી બુદ્ધિના લાલભાઇઓ ચૂંટણી પરિણામમાંથી પણ કંઈ શીખ્યા નથી. એમની ઓફિસની દિવાલો ઉપર હજી પણ કાર્લ માર્કસ, માઓ અને લેનીનની તસવીરો લટકતી જોવા મળે છે. કરોડો નિર્દોષોને નિર્દયતાપૂર્વક મારી નાખનાર ઉપરના ત્રણે કહેવાતા મહાનુભાવો એમના દેવતા છે. રોમિલા થાપર અને રામચંદ્ર ગૃહા જેવા ડાબેરી ઇતિહાસકારોએ વર્ષો સુધી જે વિકૃત ઇતિહાસ લખીને લોકોને ઊઠા ભણાવ્યા હતા તેઓ પણ સુધરવાનું નામ લેતા નથી. હવે આ નવા ભારતમાં નવી પેઢી ધીરે ધીરે સાચો ઇતિહાસ જાણી રહી છે અને લાલભાઇઓ અને એમના ચમચા ઇતિહાસકારો કપડા વગરના થઈ ર
હ્યા છે.
બિનસાંપ્રદાયિકતાની જે ગંદી વ્યાખ્યા સામ્યવાદીઓએ કરી અને બહુમતી પ્રજાને જ હંમેશાં કઠેરામાં ઊભા રાખવાનો પ્રયત્ન કર્યો એ વિશે પણ તેઓ ઉઘાડા પડી ગયા છે. આજે સામ્યવાદીઓ પાસે નથી સોમનાથ ચેટરજી જેવા વિદ્વાન નેતા કે નથી સૈફુદ્દીન ચૌધરી જેવા પ્રોગ્રેસીવ નેતા, કે જેઓ કડવી પણ સાચી વાત સરકારને કહી શકે. આજે દેશની બહુમતી પ્રજા સેક્યુલર શબ્દને ગાળ સમજતી હોય તો એ માટે સૌથી વધુ જવાબદાર આ દંભી ડાબેરીઓ છે. દક્ષિણમાં આવેલા સબરીમાલા મંદિર બાબતે લાલભાઇઓએ જે નાટક કર્યું હતું ત્યારથી હિન્દુ શ્રદ્ધાળુઓની નજરમાં તેઓ વધુ ઉતરી ગયા છે.
ભારતના સામ્યવાદીઓએ જો રાજકીય રીતે ટકી રહેવું હશે તો એમની વિચારધારામાં ધરમૂળથી ફેરફાર કરવો આવશ્યક છે. જોકે, એમની મેલી મથરાવટી જોતા આ અશક્ય લાગે છે. અને એટલે જ, હમણા તો એમ લાગી રહ્યું છે કે રાજકીય રીતે ભારતમાં સામ્યવાદી પક્ષોનો સફાયો પૂરો થઈ
ગયો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.