કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો દબદબો, પાંચ મેડલ અંકે કર્યા

ટૉપ ન્યૂઝ સ્પોર્ટસ

બર્મિંગહામમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે અત્યાર સુધીમાં પાંચ મેડલ અંકે કરી લીધા છે. ભારતના તમામ મેડલ વેઇટલિફ્ટિંગમાં આવ્યા છે. ભારતે બે સુવર્ણ, બે રજત અને એક કાંસ્ય પદક જીત્યો છે.
વેઇટલિફ્ટિંગમાં સંકેત સરગરે 55 કિલો વજનવર્ગમાં રજત પદક જીતી કોમનવેલ્થ ગેમ્સ-2022માં ભારતનું ખાતું ખોલાવ્યું હતું. સંકેતે સ્નેચમાં 113 કિલો અને ક્લીન એન્ડ જર્કમાં 135 કિગ્રા વજન ઉપાડ્યું હતું. આ રીતે કુલ 248 કિલો વજન ઉપાડીને રજત પદક જીતીને પોઇન્ટ ટેબલમાં ભારતનું ખાતું ખોલાવ્યું હતું. દેશ જ્યારે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે સંકેતે તેનું મેડલ આઝાદી મેળવનાર સ્વાતંત્ર્ય સેનાનીઓને સમર્પિત કર્યું હતું.
વેઇટલિફ્ટિંગમાં જ ભારતને બીજો ચંદ્રક મળ્યો હતો. વેઇટલિફ્ટિંગમાં પુરુષોની સ્પર્ધામાં ગુરુરાજા પુજારીએ 61 કિ.ગ્રા ભારવર્ગમાં 269 કિલોગ્રામનું સંયુક્ત વજન ઉઠાવીને કાંસ્ય પદક મેળવ્યો હતો.
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને પહેલો સુવર્ણ પદક મીરાબાઇ ચાનૂએ અપાવ્યો છે. ભારતની સ્ટાર વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનૂએ 49 કિલો વેઈટ કેટેગરીમાં ટોટલ 202 કિલો વજન ઉપાડીને દેશને પહેલો સુવર્ણ પદક અપાવ્યો હતો. ચાનૂએ સ્નેચમાં પોતાના પહેલા પ્રયાસમાં 84 કિ.ગ્રા. વજન ઉપાડ્યું હતું બીજા પ્રયાસમાં તેમણે 88 કિ.ગ્રા. વજન ઉપાડીને પોતાના પર્સનલ બેસ્ટની બરાબરી કરી હતી. ત્રીજા પ્રયાસમાં તેમણે 90 કિ.ગ્રા. વજન ઉઠાવવાનો પ્રયાસ કર્યો, પણ તેમાં તેમને સફળતા મળી નહોતી. ક્લિન એન્ડ જર્કમાં પોતાના પહેલા પ્રયાસમાં મીરાબાઇએ 109 કિગ્રા. વજન ઉઠાવ્યું હતું અને બીજા પ્રયાસમાં 113 કિલોગ્રામ વજન ઉઠાવીને સુવર્ણ પદક અંકે કરી લીધો હતો.
કોમનવેલ્થ ગેમ્સમાં દેશની અન્ય એક દીકરી બિંદિયા રાનીએ વુમન્સ વેઇટલિફ્ટિંગમાં 55 કિંગ્રા. ભારવર્ગમાં ભારતને રજત પદક અપાવ્યો છે. બિંદિયારાનીએ સ્નેચમાં 86નો સ્કોર કર્યો હતો અને ક્લિન એન્ડ જર્કમાં 116નો સ્કોર બનાવ્યો હતો. આમ તેણે કુલ 202 કિલોગ્રામનો સ્કોર નોંધાવી રજત પદક પોતાના નામે કર્યો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.