મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરની ચૂંટણી પંચમાં કેવી રીતે નિમણૂક કરવામાં આવે છે? આ અંગે સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે CBI ચીફની તર્જ પર મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરની નિમણૂક થવી જોઇએ. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે એક સમિતિની રચના કરવામાં આવે, જેમાં વડા પ્રધાન, લોકસભાના વિપક્ષના નેતા અને ભારતના મુખ્ય ન્યાયાધીશને સામેલ કરવામાં આવે. આ સમિતિએ રાષ્ટ્રપતિને મુખ્ય ચૂંટણી કમિશનરના નામની ભલામણ કરવી જોઇએ અને રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક થવી જોઈએ. કોર્ટે એમ પણ જણાવ્યું હતું કે જો લોકસભામાં વિપક્ષનો કોઇ નેતા નથી તો સૌથી મોટા વિપક્ષી દળના નેતાને સમિતિમાં સામેલ કરવામાં આવવા જોઇએ. મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરની નિમણૂક માટે કોલેજિયમ જેવી સિસ્ટમ બનાવવાની માગ કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી, જેની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ઉપરોક્ત નિર્ણય આપ્યો હતો. જસ્ટિસ કેએમ જોસેફ, જસ્ટિસ અજય રસ્તોગી, જસ્ટિસ અનિરુદ્ધ બોઝ, જસ્ટિસ હૃષિકેશ રોય અને જસ્ટિસ સીટી રવિકુમાર – એમ સુપ્રીમ કોર્ટના પાંચ જજોની બેન્ચે આ ચૂકાદો આપ્યો છે. ખંડપીઠે ગયા વર્ષે 24 નવેમ્બરે આ મામલે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.