Homeઆમચી મુંબઈસાવરકર અંગે ટિપ્પણી: મુખ્ય પ્રધાને ઉદ્ધવ ઠાકરેને ફેંકયો પડકાર

સાવરકર અંગે ટિપ્પણી: મુખ્ય પ્રધાને ઉદ્ધવ ઠાકરેને ફેંકયો પડકાર

બાળાસાહેબે ચપ્પલ માર્યાં હતા, ઉદ્ધવ રાહુલને મારશે?

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સાવરકર સંબંધી ટિપ્પણી માટે ઠાકરેજૂથના નેતા ઉદ્ધવ ઠાકરેને મોટો પડકાર ફેંક્યો છે. શિંદેએ કહ્યું હતું કે શિવસેના અને ભાજપ સંયુક્ત રીતે મહારાષ્ટ્રમાં સાવરકર ગૌરવ યાત્રાનું આયોજન કરશે.
માલેગાંવની સભામાં રવિવારે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે તેમનો પક્ષ મહાવિકાસ આઘાડીમાં લોકશાહી અને સંવિધાનને બચાવવા માટે સામેલ થયો હોવા છતાં સાવરકરનું અપમાન સહન કરવામાં આવશે નહીં. આ મુદ્દે સોમવારે ફડણવીસ સાથે સહ્યાદ્રી ગેસ્ટ હાઉસમાં સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધિત કરતાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સવાલ કર્યો હતો કે સાવરકરનું અપમાન સહન નહીં કરો એટલે શું કરશો?
આ પ્રસંગે એકનાથ શિંદેએ બાળાસાહેબ ઠાકરેનો એક ફોટો દેખાડીને ઉદ્ધવ ઠાકરેને પડકાર ફેંક્યો હતો કે સાવરકરનું અપમાન કરનારા મણિશંકર ઐયરને બાળ ઠાકરેએ જોડા માર્યા હતા. ઉદ્ધવ ઠાકરે આવી હિંમત દાખવી શકશે? રાહુલ ગાંધીને તમાચો કે પછી તેના ફોટાને જોડા મારી શકશે? ૨૦૦૪માં બાળ ઠાકરે દ્વારા મણિશંકર ઐયરના વિરોધમાં જોડા મારો અભિયાન છેડવામાં આવ્યું હતું. જે લોકો હિન્દુત્વની વાત કરી રહ્યા છે તેમના વિધાનસભ્યો કહી રહ્યા છે કે અમે સાવરકરનું અપમાન સહન કરીશું નહીં. પરંતુ જ્યારે સાવરકરનું અપમાન થઈ રહ્યું હતું ત્યારે તેઓ ચુપ હતા. આ તેમનાં બેવડાં ધોરણ છે.
તેમણે આદિત્ય ઠાકરેના એક નિવેદનનો ઉલ્લેખ કર્યો હતો જેમાં તેમણે કહ્યું હતું કે બંને પક્ષો અલગ અલગ છે અને બંનેની વિચારધારા અલગ છે. આ બાબતનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે ઠાકરે જૂથ દ્વારા ‘તમે મારવા જેવું કરો અમે રડવા જેવું કરીએ’ એવા નાટક કરવામાં આવી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધીને ગેરલાયક ઠેરવવામાં આવ્યા તેના વિરોધમાં જોડાઈને ઠાકરે જૂથે બધી જ મર્યાદા પાર કરી નાખી હતી. શિંદેએ કહ્યું હતું કે
સાવરકર બનવા માટે હિંમત જોઈએ. તમારી લાયકાત પણ નથી સાવરકર બનવાની, એને માટે ત્યાગ કરવો પડે. તમે તો પરદેશમાં જઈને દેશની નિંદા કરો છો. રાહુલ ગાંધીના નિવેદનની હું જાહેરમાં નિંદા કરું છું. તમારામાં તાકાત હોય તો સાવરકરની કોઠડીમાં જઈને એક દિવસ રહીને દેખાડો.
એકનાથ શિંદેએ સોમવારે સોશ્યલ મીડિયા પર પોતાનો પ્રોફાઈલ ફોટો બદલીને સાવરકરનો ફોટો લગાવ્યો હતો અને તેમાં લખ્યું હતું કે ‘આમ્હી સારે સાવરકર.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -