(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: કચ્છના વિશ્ર્વપ્રસિદ્ધ યાત્રાધામ માં આશાપુરા માતાજીના સ્થાનક માતાના મઢ અને ભુજના ઐતિહાસિક આશાપુરા મંદિર ખાતે દર વર્ષે ઉજવાતા ચૈત્ર નવરાત્રી પર્વની પારંપરિક ઉજવણી ઘટસ્થાપનની ધાર્મિક વિધિ બાદ બુઘવારથી શરૂ થશે.
દરમિયાન ચૈત્રી નવરાત્રી પર્વનું સમાપન ચૈત્ર સુદ સાતમ તા.૨૮મી માર્ચ મંગળવારે રાત્રે ૮:૩૦ કલાકે જગદંબા પૂજન બાદ હોમહવનની ધાર્મિક વિધિનો આરંભ થશે. જેના બાદ મોડી રાત્રે એક વાગ્યે શ્રીફળ હોમ સાથે આ પર્વનો સમાપન કરાશે. રાત્રે ૯:૪૫ કલાકે જગદંબા પૂજન બાદ રાત્રે એક કલાકે મઢ જાગીર અધ્યક્ષ યોગેન્દ્રસિંહજી રાજાબાવાના હસ્તે હોમ હવનની વિધિનો પ્રારંભ થશે. ત્યારબાદ શ્રીફળ હોમવા સાથે આ પર્વની પૂર્ણાહુતી થશે.
કચ્છધરાના કુળદેવી માં આશાપુરા માતાજીના સ્થાનક માતાના મઢ ખાતે અશ્ર્વિની નવરાત્રી પર્વની જેમ જ ઉજવાતા ચૈત્રી નવરાત્રી પર્વની ઉજવણી પણ હર્ષોલ્લાસથી કરવામાં આવે છે અને આ વખતે નવરાત્રીના પર્વની ઉજવણી દરમ્યાન ફરી માથું ઊંચકી રહેલા કોરોના વાઇરસના વધી રહેલા સંક્રમણને કારણે રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકાના ચુસ્ત પાલનનું ખાસ ધ્યાન રાખવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આસો નોરતાની જેમ ઉજવાતા આ ચૈત્ર નવરાત્રી દરમ્યાન મોટી સંખ્યામાં માઇભક્તો માતાજીના દર્શને આવે છે તો વળી નવરાત્રી દરમ્યાન મંદિર પરિસરમાં માતાજીના ગરબાની સ્થાપના કરી દરરોજ રાત્રે દુહા અને છંદ સાથે ગ્રામજનો તેમજ ભાવિકો દ્વારા રાસ ગરબાની રમઝટ બોલાવાય છે.