Homeધર્મતેજ‘સરદાર’ને સ્મરણાંજલિ

‘સરદાર’ને સ્મરણાંજલિ

પ્રમુખ ચિંતન -સાધુ આદર્શજીવનદાસ

પ્રિય વાચકો ! આજે ૩૧મી ઑક્ટોબર. ‘સરદાર’ વલ્લભભાઈ પટેલનો ૧૪૭મો જન્મદિન. ભારતમાતાના આ મહાન સપૂતને અંજલિ આપતાં પ્રમુખસ્વામી મહારાજે તા. ૩૧/૧૦/૧૯૯૦ના રોજ લંડન મુકામે જણાવેલું કે ‘સરદાર ભારતના એક મહાન રાષ્ટ્રીય સેવક થઈ ગયા. તેઓએ સેવક થઈને જ કાર્ય કર્યું છે. એમનું કાર્ય ભુલાય તેમ નથી. તેઓ હૃદયના, મનના મજબૂત હતા, તેમ જ કાર્યના પણ મજબૂત હતા, કારણ કે ચારિત્ર્ય દૃઢ હતું. જરા પણ સ્વાર્થ નહીં. સગાં-સંબંધી વિષે પણ પક્ષપાતનો ભાવ નહીં. એમની નિર્ણયશક્તિ પણ અલૌકિક હતી. એમણે દેશની અખંડિતતા કરી છે. તેઓ સત્સંગી હતા. શાસ્ત્રીજી મહારાજે આશીર્વાદ આપેલા કે સરદાર સારું કાર્ય કરી શકશે અને બેતાજ બાદશાહ થશે. એ આશીર્વાદ સરદારે પચાવ્યા. એવા સરદારને યાદ કરીને તેમનું ઋણ અદા કરીએ.’
અહીં પ્રમુખસ્વામી મહારાજે વર્ણવેલી સરદાર પટેલની વિશેષતાઓમાં એક છે – સરદારનો સેવકભાવ. તેઓ માટે ગાંધીજીએ કહ્યું છે કે ‘વલ્લભભાઈ મને ન મળ્યા હોત તો જે કામ થયું છે તે ન જ થાત. એટલો બધો શુભ અનુભવ મને એમનાથી થયો છે.’ છતાં બારડોલીના સત્યાગ્રહ વખતે મેળવેલા વિજય પછી સરદાર પટેલ તો એટલું જ બોલેલા કે બાપુએ નાહક ચઢાવી માર્યા. બાકી આપણે કર્યું શું ?’
આ સાથે તેઓ મનના મજબૂત હતા. તેથી જ તેઓને ‘લોખંડી પુરુષ’નું બિરુદ મળ્યું છે. તેઓ વિના એક અને અખંડ ભારતનું નિર્માણ જ શક્ય ન બનત. ભારતનો ભાગ હોવા છતાં ભારતમાં ભળવા માટે આનાકાની કરનારા શાસકો સામે સરદારે કરેલી કડક કાર્યવાહીઓ ઇતિહાસના ચોપડે અંકિત છે. તે વાંચતાં જ તેઓના હૃદયની મજબૂતાઈનો ચિતાર મળી રહે છે.
અલબત્ત, સરદાર તો હતા – કઠોરતા અને કોમળતાનો સંગમ. તેનો સ્વાનુભવ વાગોળતાં ગાંધીજી બોલ્યા છે : ‘યરવડા જેલમાં સરદાર સાથે રહેવા મળ્યું તે લહાવો. તેમણે મને જે પ્રેમથી તરબોળ કર્યો તેથી વહાલી માતાનું સ્મરણ થઈ આવ્યું. તેમનામાં માતાના ગુણો છે તે હું જાણતો જ નહોતો.’
આવા સ્નેહસભર સરદાર એટલા જ સાદગીસભર હતા. એકવાર તેઓનાં પુત્રી મણિબહેનના સાડલા પર રહેલું થીગડું જોઈ મહાવીર ત્યાગીએ કહ્યું : ‘મણિબહેન ! રામ-કૃષ્ણનું, અશોક-અકબરનું કે અંગ્રેજનુંય નહિ હોય તેવું ચક્રવર્તી રાજ્ય જેણે સ્થાપી દીધું છે તેવા સરદારની પુત્રી થઈ આવી સાડલો પહેરો તેમાં શરમ નથી લાગતી ?’
આ સમયે ત્યાં ઉપસ્થિત સુશીલા નય્યરે ટાપશી પૂરેલી કે ‘મહાવીરજી ! મણિબહેન નિયમિત ચરખો ચલાવે છે. તેમાંથી જે સૂતર નીપજે તેનાં ધોતિયાં અને પહેરણ ‘સરદાર’ માટે બને છે. તમારી જેમ તેઓ ખાદીભંડારમાંથી કાપડ નથી લેતા અને મણિબહેન સરદારનાં ઊતરેલાં કપડાંમાંથી પોતાનાં કપડાં બનાવી લે છે.’
આ સાંભળી ‘સરદાર’ બોલેલા : ‘એ ગરીબ માણસની દીકરી છે. તે સારાં કપડાં ક્યાંથી લાવે ? એના બાપ ક્યાં કશું કમાય છે ?’
દેશના નાયબ વડા પ્રધાન અને ગૃહ પ્રધાન હોવા છતાં ‘સરદાર’ના ચશ્માંનું ખોખું વીસેક વર્ષ જૂનું હતું! ચશ્માંની એક તરફ જ દાંડી હતી. બીજી
બાજુ તો દોરો બાંધી ચલાવતા! તેઓની ઘડિયાળ ત્રીસ વર્ષ જૂની હતી. આ બધું જ્યારે મહાવીર ત્યાગીએ જોયું ત્યારે તેઓના મુખેથી ‘સરદાર’ માટે અહોભાવ સરી પડેલો કે ‘કેવો પવિત્ર આત્મા હતો ! અમારો કેવો નેતા હતો ! એ ત્યાગ-તપસ્યાની કમાણી અમે બધાં નવાં નવાં ઘડિયાળ બાંધનારા દેશભક્તો ખાઈ રહ્યા છીએ.’
આમ, દેશ માટે સંપૂર્ણ સમર્પિત ‘સરદાર’ પક્ષાપક્ષીથી જોજનો દૂર હતા. એકવાર તેઓએ એક રાજાને વજનદાર હોદ્દો આપવાનો નિર્ણય કર્યો ત્યારે સચિવે ચેતવતાં કહેલું કે ‘આ વ્યક્તિ તો આપની વિરોધી છે.’
‘ભલે તે મારો વિરોધી હોય, પણ તેને દેશ માટે સારો ભાવ છે. તેથી આ હોદ્દા પર તે સારું કામ કરશે.’ સરદારે જણાવેલું.
આ રીતે તેઓ દેશહિત સામે અંગત રાગ-દ્વેષને ભૂલીને વર્તતા. તેઓમાં જોવા મળતી સદ્ગુણોની આવી સમૃદ્ધિના એક કારણરૂપે તેઓને મળેલા શાસ્ત્રીજી મહારાજના આશીર્વાદને અવશ્ય સ્થાન આપવું પડે. હા, ‘સરદાર’ના પિતા શ્રી ઝવેરભાઈ બી.એ.પી.એસ. સંસ્થાના સ્થાપક બ્રહ્મસ્વરૂપ શ્રી શાસ્ત્રીજી મહારાજના અનન્ય અનુયાયી હતા. તેઓ પોતાના પુત્રોને આશીર્વાદ અપાવવા લઈ આવેલા ત્યારે શાસ્ત્રીજી મહારાજે વલ્લભભાઈના શિરે વરદહસ્ત મૂકતાં કહેલું: ‘આ તો હિન્દુસ્તાનના બેતાજ બાદશાહ બનશે.’
શાસ્ત્રીજી મહારાજની આ આર્ષવાણી આજે સત્ય પુરવાર થયેલી જણાય છે. એક સાચા સંતના આશીર્વાદનો શું પ્રભાવ પથરાય છે તે સમજાવતો એક દાખલો એટલે સરદાર પટેલનું જીવન અને કાર્ય.

RELATED ARTICLES

Most Popular