sanjay Raut

બળવાખોરો ધારાસભ્યો પાસે હજુ સમય છે ભાનમાં આવી જાય, જો શિવસૈનિકો ભડકી જશે તો મહારાષ્ટ્ર ભડકે બળશેઃ સંજય રાઉત

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

Mumbai: મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે રાજ્યમાં અનેક જગ્યાએ હિંસાઓ થઈ રહી છે છે. શિવસેનાના કાર્યકર્તાઓએ અનેક જગ્યાએ તોડફોડ કરી છે ત્યારે બીજી બાજુ પાર્ટીના સાંસદ સંજય રાઉતે બળવાખોર ધારાસભ્યોને ફરી એકવાર ચેતવણી આપી છે.

તેમણે કહ્યું હતું કે શિવસસૈનિકોએ અત્યાર સુધી સંયમ રાખેલો છે. તેઓ અમને પૂછી રહ્યા છે કે શું કરીએ? અમે તેમને શાંત રહેવા માટે કહ્યું છે. જો તેઓ ભડકી જશે તો મહારાષ્ટ્ર ભડકે બળશે.

આજે શનિવારે શિવસેનાના સાંસદ સંજય રાઉતે છેલ્લા પાંચ દિવસથી મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ અંગે આકરી પ્રતિક્રિયા આપી હતી. એમણે કહ્યું હતું કે એકનાથ શિંદે જૂથના બળવાખોર વિધાનસભ્યો પાસે હજુ સમય છે. સમય રહેતા તેઓ હોશમાં આવી જાય.

સંજય રાઉતે ભાજપ અને ખાસ કરીને દેવેન્દ્ર ફડણવીસને આ મામલાથી દૂર રહેવાની ચેતવણી આપી છે. તેમણે જણાવ્યું હતું કે તેઓ આ મામલે હસ્તક્ષેપ કરશે તો સારું નહીં થાય. શિવસેનાના બળવાખોર વિધાનસભ્યોની સુરક્ષા હટાવીને સિદ્ધૂ મુસેવાલાની જેમ હત્યા કરવાના ષડ્યંત્ર રચવાના આરોપના જવાબમાં સંજય રાઉતે કહ્યું હતું કે આ આરોપમાં કોઇ તથ્ય નથી.

બળવાખોર વિધાનસભ્યોને ચેતવણી આપતા સંજય રાઉતે કહ્યું હતું કે એકનાથ શિંદેના બળવાખોર ધારાસભ્યોને મારે એટલું જ કહેવુ છે કે મહારાષ્ટ્રમાં આવો પછી જોઇએ કોનામાં કેટલો દમ છે. હજુ પણ સમય છે મુંબઈ આવી જાવ. શિવસેનાને અહીં સુધી લાવવામાં અમે લોહી-પરસેવો એક કર્યો છે. શિવસેના કોઇ આમ હાઇજેક કરીને નહીં લઇ જઇ શકે. પૈસા આપીને કોઇ પાર્ટી ખરીદી નહીં શકે. હજારો શિવસૈનિકો આજે ઉદ્ધવ ઠાકરેની પાછળ ઊભા છે. મહારાષ્ટ્રના ખૂણે ખૂણેથી શિવસૈનિક આજે પાર્ટીની સાથે છે. NCP અને કોંગ્રેસ પૂરી મજબૂતી સાથે શિવસેનાની સાથે છે.

નોંધનીય છે કે આજે રાજ્યમાં અનેક જગ્યાએ શિવસૈનિકોનુ આક્રમક વલણ જોવા મળ્યું છે. અનેક જગ્યાએ શિવસૈનિકો રસ્તા પર ઉતરી આવ્યા છે. પુણેમાં બળવાખોર ધારાસભ્ય તાનાજી સાવંતની ઓફિસમાં ઘૂસીને શિવસેનાના કાર્યકર્તાઓએ તોડફોડ કરી હતી. ઔરંગાબાદમાં પણ બળવાખોર વિધાનસભ્ય સંદીપ ભૂમરેના પોસ્ટર પર કાળી સ્યાહી લગાવવામાં આવી હતી. કેટલાક વિસ્તારોમાં શિવસૈનિકોએ ઉદ્ધવ ઠાકરેના સમર્થનમાં રેલીઓ કાઢી હતી. મહારાષ્ટ્રમાં ઘણી જગ્યાએ શિવસેનાના કાર્યકરોએ બળવાખોર નેતાઓના ઠેકાણાઓ પર હુમલો કર્યો છે.

 

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.