થિયેટરથી ‘રિસાઈ’ ગયેલા દર્શકને ફરી ખેંચી લાવવા માટેનો નેશનલ સિનેમા ડેનો નુસખો કેવાં પરિણામ લાવે છે એ જાણવું રસપ્રદ રહેશે

કવર સ્ટોરી -હેન્રી શાસ્ત્રી

આજે ૨૩ સપ્ટેમ્બર. મલ્ટીપ્લેક્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયા (એમએઆઈ) દ્વારા આજના દિવસની ઘોષણા નેશનલ સિનેમા ડે ઉજવણી તરીકે કરવામાં આવી છે.
આજના દિવસે થિયેટરોમાં દર્શકો માત્ર ૭૫ રૂપિયા ખર્ચી ફિલ્મ જોઈ શકશે. અલબત્ત આજના દિવસની ઘોષણા ભલે રાષ્ટ્રીય ચિત્રપટ દિન તરીકે થઈ હોય, ટેકનિકલ કારણોસર દક્ષિણ ભારતના થિયેટર્સ આ ઉજવણીમાં સામેલ નહીં થાય. ત્યાં ટિકિટના દર જે છે એ જ રહેશે. યુએસએ અને યુકેમાં ત્રીજી સપ્ટેમ્બરે યોજાયેલ નેશનલ
સિનેમા ડે વખતે ટિકિટ ૩૩ ટકાના હિસાબે રાહતના દરે વેચવામાં આવી હતી. અલબત્ત લાખ રૂપિયાનો સવાલ એ છે કે ઓટીટી પ્લેટફોર્મનો નવો વિકલ્પ હાથવગો બની ગયો હોવાથી અને હાલ બની રહેલી હિન્દી ફિલ્મો જોઈ રોમાંચનો અનુભવ ન થતો હોવાથી થિયેટરથી રિસાઈ ગયેલો દર્શક આવા પ્રયાસથી ફરી થિયેટર તરફ ખેંચાઈ આવશે? ત્રણ આંકડાની તગડી રકમ ચૂકવી મલ્ટીપ્લેક્સમાં ફિલ્મ જોવાનું જેમને પોસાતું નથી એ ’રિસાઈ’ ગયેલા દર્શકને થિયેટર તરફ પાછો ખેંચી લાવવા માટે આ નુસખો કામિયાબ સાબિત થઈ શકે એવું તારણ યુએસએ અને યુકેના અહેવાલ (જુઓ બોક્સ) પરથી નીકળે છે.અગાઉ આ દિવસ ૧૬ સપ્ટેમ્બરે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જોકે, વધુમાં વધુ લોકો આ ઉજવણીમાં સામેલ થાય એ માટે દિવસ ૧૬ સપ્ટેમ્બરથી બદલી ૨૩ સપ્ટેમ્બર કરવામાં આવ્યો છે.
‘પેજ થ્રી’ અને ‘ફેશન’ જેવી ફિલ્મોના ફિલ્મમેકર મધુર ભંડારકર આ પ્રયાસથી ખુશ છે. તેમની દલીલ એ છે કે મારા મતે આ સારી વાત છે. મલ્ટીપ્લેક્સમાં ટિકિટના ભાવ તોતિંગ હોય છે જે સામાન્ય માણસની પહોંચની બહાર હોય છે. રાહતના દરે (૭૫ રૂપિયા) ટિકિટના વેચાણથી અનેક દર્શકો થિયેટર તરફ પાછા વળી શકે છે
જેમણે આજની તારીખમાં પીઠ ફેરવી લીધી છે. અલબત્ત આવો નુસખો કાયમી ફળ ન આપી શકે. અંતે તો દર્શકને ફિલ્મ પસંદ પડે એ બાબત વધુ મહત્ત્વની છે. ક્ધટેન્ટ ઇઝ કિંગ!
મધુર ભંડારકરની દલીલમાં દમ છે એ સ્વીકારીએ પણ આપણે ત્યાં પ્રાઈસ ફેક્ટર – કેટલા દામ ચૂકવવા પડે છે એ વાત ગ્રાહકના દિમાગમાં સૌથી પહેલા સળવળાટ કરતી હોય છે. ડિટર્જન્ટના બોક્સ સાથે બાલદી ફ્રી કે પછી એક પર એક ફ્રી અથવા ૩૦ ટકા ડિસ્કાઉન્ટ જેવા આકર્ષણ ગ્રાહકના ખિસ્સા ખુલ્લા કરી દેતા હોવાના અનેક
ઉદાહરણ છે. ૧૦૦૦ રૂપિયામાં મળતી ૪ ટિકિટ જો ૩૦૦ રૂપિયામાં મળતી હોય તો વધુ દર્શકો અને એ પણ પરિવારવાળા દર્શક થિયેટરમાં ફિલ્મ જોવા ખેંચાઈ આવે એવી સંભાવના બળવત્તર ખરી. પતિ – પત્ની અને બે બાળકોના પરિવારને ઘરની બહારના મનોરંજનમાં વિશેષ રુચિ હોય છે, પછી એ ફિલ્મ કેમ ન હોય.
જેવી વાત એ છે કે ત્રીજી સપ્ટેમ્બરના નેશનલ સિનેમા ડેની ઉજવણી વખતે ટિકિટના વેચાણમાં યુએસ અને યુકેમાં વોર્નર બ્રધર્સનીDC League of Super Pets (બાળકોને ગમે એવી ફિલ્મ) બીજા ક્રમે રહી હતી. આનો અર્થ એ થયો કે ટિકિટના રાહતના દરનો લાભ ઉઠાવી અનેક પરિવાર બાળકોને લઈ ફિલ્મ જોવા ગયા હતા.
આ વાત ધ્યાનમાં રાખવી જરૂરી છે.
હિન્દીની સરખામણીએ પ્રાંતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીની હાલત વધુ ખરાબ છે. મરાઠી અને બંગાળી ફિલ્મોના દર્શકો પીઠ ફેરવીને બેઠા છે એવી પરિસ્થિતિ છે. આપણી પ્રજામાં આમેય કલા રૂચિ ઓછી અને ટર્બનમાંથી અર્બન બનેલી ગુજરાતી ફિલ્મો માટે દર્શકની એકંદર લાગણી કેવી છે એ વાત જાણીતી છે. શું ૭૫ રૂપિયામાં ટિકિટનો નુસખો કમ સે કમ એક દિવસ માટે ગુજરાતી ફિલ્મ ચાલતી હોય એ થિયેટરની બહાર ‘હાઉસ ફૂલ’ના પાટિયા દેખાડી શકશે? અલબત્ત આ નેશનલ સિનેમા ડેની ઉજવણી આ વર્ષ પૂરતી મર્યાદિત રહે છે કે દર વર્ષે થાય છે એ જોવું રસપ્રદ રહેશે. વાતમાં દમ લાગતો હોય તો બિઝનેસ વધારવા દર ત્રણ કે છ મહિને (સીઝન સેલની માફક) એક દિવસ ‘રાહતના દરે સિનેમા’ માટે ફાળવવાની દિશામાં કમ સે કમ વિચાર તો કરવો જ જોઈએ. કેટલાક લોકોની દલીલ છે કે આ વર્ષ એકંદરે હિન્દી ફિલ્મો માટે માઠું રહ્યું હોવાથી અને દર્શકોને પાછા થિયેટર તરફ દોડતા કરવા જરૂરી હોવાથી આવો નુસખો અજમાવાઈ રહ્યો છે. જો ૨૦૨૩માં ઈન્ડસ્ટ્રી ધણધણવા લાગી હશે તો સેલનું પાટિયું મૂકવું કોણ પસંદ કરશે? અલબત્ત ૨૦૨૩માં જો રાષ્ટ્રીય સિનેમા દિન નહીં ઉજવાય તો… તો આપણા
નસીબ, બીજું શું? દુકાન ખોલી એ લોકો બેઠા છે, જવું ન જવું આપણા ખિસ્સાની વાત છે. રાઈટ?
———-
યુએસ – યુકેમાં આવકાર
શનિવાર, ત્રીજી સપ્ટેમ્બરના દિવસને યુએસએ અને યુકેમાં નેશનલ સિનેમા ડે તરીકે ઉજવવામાં આવ્યો હતો. હરખની વાત એ છે કે આ દિવસની ઉજવણીમાં સહભાગી થયેલા ચાર વિદેશી માર્કેટ યુએસએ, કેનેડા, યુકે અને રિપબ્લિક ઓફ આયર્લેન્ડમાં આ પ્રયોગને અસાધારણ આવકાર મળ્યો અને એક દિવસમાં ૯૫ લાખ લોકો રાહતના દરે ફિલ્મ જોવા આવ્યા હતા. મળેલી માહિતી અનુસાર યુએસમાં ૭૨,૮૦,૦૦૦ ટિકિટનું વેચાણ થયું હતું (૨૧.૮ મિલ્યન અમેરિકન ડોલરનો બોક્સ ઓફિસ પર વકરો), કેનેડામાં ૮,૨૦,૦૦૦ ટિકિટ વેચાઈ હતી જેને પગલે ૩.૨૯ મિલ્યન કે નેડિયન ડોલર ( ૨.૫ અમેરિકન ડોલર)નો વકરો થયો હતો. નોર્થ અમેરિકામાં ૮૧ લાખ ટિકિટના વેચાણ સામે ૨૪.૩ મિલ્યન અમેરિકન ડોલરનો વકરો થયો હતો.
આધારભૂત માહિતી અનુસાર આ આંકડા અગાઉના શનિવાર કરતા ૯ ટકા વધારે હતા. યુકેની વાત કરીએ તો ૧૪ લાખ ૬૦ હજાર ટિકિટનું વેચાણ થયું હતું જ્યારે રિપબ્લિક ઓફ આયર્લેન્ડમાં ૧,૫૩,૦૦૦ ટિકિટ અને નોર્ધન આયર્લેન્ડમાં ૫૩૦૦૦ ટિકિટનું વેચાણ થતા સમગ્ર આયર્લેન્ડમાં વેચાણ બે લાખ ટિકિટને ટપી ગયું હતું.
આમ યુકે અને આયર્લેન્ડમાં કુલ ૧૬ લાખ ૧૦ હજાર જેટલી ટિકિટનું વેચાણ થયું હતું. ચાર માર્કેટમાં બધું મળીને ૯૭ લાખથી વધુ ટિકિટની ખપત થઈ હતી. સિનેમા ફાઉન્ડેશન આ સફળતા જોઈ હરખાઈ ગયું છે

Google search engine