બ્રહ્માંડ દર્શન -ડો. જે. જે. રાવલ
કોલંબસે ૧૫૦૨થી ૧૫૦૪માં અમેરિકાની તેની છેલ્લી સફર કરી. હજુ પણ તેને એમ હતું કે તે ચીન-જાપાનની ભૂમિની નજીકમાં જ ક્યાંક છે. તેથી તે ચીન-જાપાનને શોધવા પ્રયત્ન કરતો હતો. તેને એમ થયું કે તે ભારત તો શોધી ન શક્યો પણ માર્કો પોલોના પુસ્તકમાં વર્ણવાયેલ ચીન-જાપાનને તો શોધે. માર્કો પોલોએ તેના પુસ્તકમાં ચીન અને જાપાનની જાહોજહાલીનું પણ ભવ્ય વર્ણન કર્યું હતું. ચીનમાં તો કુબસઈખાનના દરબાર સાંગતુમાં માર્કો રહ્યો જ હતો અને ત્યાંનો વૈભવ ખૂબ જ હતો. કોલંબસ પછી ચીન-જાપાન શોધવા લાગ્યો. તે વખતે દરિયાઈ તોફાનમાં તેના વહાણના ૧૦૦ ખલાસીઓનાં કાફલા સાથે જમૈકા પહોંચી ગયો.
તેનાં વહાણો તૂટવાની હાલતમાં હતાં. કાફલાના બધા જ ખલાસીઓ મરી જવાની હાલતમાં હતા. તેઓ હતાશ અને નિરાશ થઈ ગયા હતા અને વહાણોમાં ખાવા માટે એક દાણો ન હતો. પીવા માટે પાણી પણ ન હતું. આવી હાલતમાં કોલંબસ અને તેનો કાફલો તોફાની દરિયામાં સપડાઈ જમૈકાના દરિયાકાંઠે આવી ચડ્યો. કોલંબસને એમ હતું કે ત્યાંના માણસો તેને ખોરાક અને પાણી આપશે. પણ તે તેનો ભ્રમ નીવડ્યો. પછી કોલંબસને થયું કે જમૈકાના માણસોને જીતી શકાશે, તેથી ખોરાક અને પાણી મળશે. પણ જમૈકાના માણસો કોલંબસના માણસો કરતાં દશગણા બળવાન અને બહાદુર નીવડ્યા.
કોલંબસના માણસો દરિયાકાંઠે ઊતર્યાં તો જમૈકાના માણસોએ કોલંબસના એક એક માણસને પકડી પકડી એવા તો માર્યાં કે કોલંબસના માણસો જમૈકાના માણસોને જોઈને ધ્રૂજી ઊઠતાં. હવે કોલંબસ અને તેના માણસોને તેમનું મૃત્યુ નજીક દેખાયું. કારણ કે વહાણો તૂટી ગયાં હતાં અને દરિયામાં ચાલી શકે તેવા રહ્યાં ન હતાં, અને દરિયો ગાંડોતૂર હતો અને બધા જ ૧૦૦ ખલાસીઓ ભૂખે મરતા હતા.
એક દિવસ બપોરે હતાશામાં કોલંબસ તેના વહાણ પર બેઠો હતો અને વિચાર કરતો હતો કે હવે બચવાનો આરો નથી. તેના હાથમાં પંચાંગ હતું તે હતાશામાંને હતાશામાં પંચાંગના પાના ફેરવ્યે જતો હતો. તેનું ભાગ્ય તો જુઓ, તેની નજર એ વર્ષે ખગ્રાસ ચંદ્રગ્રહણ ક્યા ક્યા દિવસે થશે તે લખેલાં પાના પર પડી. મૃત્યુના આરે ઊભેલા કોલંબસની આકાશદર્શનની જિજ્ઞાસા કેવી? તેને થયું કે લાવ, જોઉં આ વર્ષે ક્યારે ક્યારે ખગ્રાસ ચંદ્રગ્રહણો થશે. તેણે જોયું આવતી કાલે જ બરાબર ચંદ્રના ઉદય સાથે ચંદ્રનું ખગ્રાસ ગ્રહણ થશે. તેના મગજમાં એક વિચાર ઝબક્યો કે બળવાન જમૈકાનાં માણસોને મૂર્ખ બનાવવા માટે ખગ્રાસ ચંદ્રગ્રહણનો ઉપયોગ થઈ શકે અને બધાને બચવા કદાચ આ એક જ રસ્તો કારગત નીવડે. તેમ વિચારી તે બીજા દિવસે ચંદ્રગ્રહણ થવાનું હતું તે દિવસે સવારે તેના માણસો સાથે જમૈકાનાં દરિયાકાંઠે ઊતર્યો અને ઢોલ વગાડી, બ્યુગલો વગાડી જમૈકાના માણસોને બોલાવ્યા અને તેમને મોટા અવાજે કહ્યું કે જો તેઓ તેમને પાણી અને ખોરાક નહીં આપે તો તેના ચંદ્રને તે છીનવી લેશે.
જો ખાતરી ન થતી હોય તો સાંજે તેઓ જોઈ શકે છે. આમ કહી તે તેના માણસો સાથે તેના વહાણો પર પાછો ફર્યો.
જમૈકાના લોકોએ કોલંબસની વાતને હસી કાઢી. તેઓએ તેની વાતને સદંતર નજરઅંદાજ કરી. કોલંબસને લાગ્યું કે આ તુક્કો જો કારગત નહીં નીવડે તો તેમને બધાંને મરવા સિવાય અન્ય કોઈ માર્ગ નહીં રહે.
સાંજ થઈ ચંદ્રનો ઉદય થયો. ચંદ્રનું ગ્રહણ મેલાણું. જમૈકાના લોકો આ જોવા લાગ્યાં. છેવટે ચંદ્રનું ખગ્રાસ ગ્રહણ થયું અને હિંમતવાન અને બળવાન જમૈકાના લોકો ડરી ગયાં. તેમને થયું કે ખરેખર કોલંબસ દેવદૂત છે. ઈશ્ર્વર તેમના ચંદ્રને છીનવી લેશે. તેઓ તાજો ખોરાક, પાણી, ફળો, માંસ, મદિરાના જબ્બર પુરવઠા સાથે આવી કોલંબસના પગે પડ્યાં.
કોલંબસને તો હવે મઝા પડી ગઈ. જીવનની દરેકે દરેક જરૂરિયાત તેને અને તેના માણસોને મળવા લાગી. તેઓ જાણે જમૈકાના જમાઈ હોય તેમ ત્યાં રહ્યા તેમના વહાણો મજબૂત રીતે રીપેર થઈ ગયાં. હવામાન અને દરિયો શાંત થયા પછી છ મહિના પછી, કોલંબસે જમૈકાના દરિયાકાંઠેથી વિદાય લીધી.
ખગોળવિજ્ઞાનના ઇતિહાસમાં નોંધાયેલી કોલંબસ વિશેની આ સાચી ઘટના છે, જેમાં લોકોને મૂર્ખ બનાવવા માટે ખગોળવિજ્ઞાનનો ચાલાકીપૂર્વક ઉપયોગ થયો હોય. ખગોળવિજ્ઞાન આકાશીપિંડોનું વિજ્ઞાન હોવાથી અને લોકો આકાશીપિંડોને રહસ્યમય અને તેમને જીવનને નક્કી કરનારા માનતા હોઈ તેનો ઉપયોગ લોકોને મૂર્ખ બનાવવામાં થતો આવ્યો છે. જ્યોતિષીઓ આ જ રીતે લોકોને મૂર્ખ બનાવતા આવ્યા છે. જમૈકાના લોકો આકાશીપિંડો શું અને ગ્રહણો કેવી રીતે થાય છે તેના વિષે અજ્ઞાત હતાં. તેથી હિંમતવાન અને બળવાન હોવા છતાં પણ તેઓને કોલંબસના ગુલામ બની જવું પડ્યું. જ્યારે આપણે અજ્ઞાત હોઈએ છીએ ત્યારે જ છેતરાઈએ છીએ. જ્યારે આપણે બહારગામ જઈએ છીએ ત્યારે ઓટો, ટેક્સિવાળા આપણને છેતરે છે.
પોર્ટુગીઝ લોકો પચાસ વર્ષની મહામહેનત પછી અને સતત ગાંડા એટલાંટિક મહાસાગરને ડહોળી, તેની સાથે બાથ ભીડી છેવટે ભારત પહોંચ્યા. પ્રથમવાર પોર્ટુગીઝોનાં વહાણોએ અરબીસમુદ્રમાં હલેસાં માર્યાં. આ સાથે આરબ લોકોની યુરોપ સાથે તેમના તેજાના અને બીજી કિંમતી ચીજ વસ્તુના ભારત સાથેના વેપારની મોનોપોલી તૂટી. તે પછીની ચાર સદીઓ સુધી યુરોપે અરબી મહાસાગર દ્વારા થતા વેપાર પર પોતાની પકડ જમાવી રાખી. ભારતનો ઇતિહાસ બદલાઈ ગયો. આ વાસ્કો-દ-ગામાની ભારતમાં પગ મૂકવાની ઘટનાની વાત છે.
બાર્ટોલોમુ ડાયસ નામના વિખ્યાત હિંમતવાન અને અનુભવી નાખૂદાએ દક્ષિણ આફ્રિકાની ટોચે વળી, કેપ ઑફ ગુડહોપે વળી, દક્ષિણ આફ્રિકાના પૂર્વકિનારે તેનાં વહાણો હકાર્યાં. પણ કાફલાની માગ સામે ઝૂકી જઈ તે લિસ્બન પાછો ફર્યો. તે વખતના પોર્ટુગલના રાજા મેન્યુઅલ પ્રથમને આ બાબતે ડાયસની નબળાઈ દેખાઈ તેથી તેણે ચતુર અને દૃઢનિશ્ર્ચયી વાસ્કો-દ-ગામાની ભારત જવાના અભિયાનનું નેતૃત્વ સંભાળવા નિયુક્તિ કરી.
વાસ્કોનાં ચાર વહાણના કાફલાએ લિસ્બન બંદરેથી જુલાઈ ૧૪૯૭ના દિને પ્રસ્થાન કર્યું અને ૧૮ મે ૧૪૯૮ના દિને ભારતના મલબાર કિનારે કોચીન નજીક કોઝિકાંડ બંદરે આગમન કર્યું. આ દિવસથી ભારત પર પનોતી બેઠી.
વાસ્કો-દ-ગામાના ભારત આગમન સાથે પશ્ર્ચિમ જગતનો પૂર્વ જગત સાથે સીધો વેપાર કરવાનો માર્ગ ખૂલી ગયો. વચેટિયા આરબોને દૃશ્યમાંથી કાઢી નાખવામાં આવ્યા. વાસ્કોના ભારત પહોંચવાના સમાચાર દાવાનળની માફક યુરોપમાં પ્રસરી ગયા. પોર્ટુગીઝો માનવા લાગ્યા કે દુનિયાનો પૂરો ખજાનો તેમના હાથમાં આવી ગયો છે. જો કે પોર્ટુગીઝોને આ સિદ્ધિ રાતોરાત મળી ન હતી. છેલ્લી એક સદીથી તેઓ ભારત આવવાના માર્ગની શોધ ચલાવતા હતા. હવે લિસ્બનનાં ગોદામો ભારતમાંથી આવેલા તેજાના સોપારી, લવિંગ, ઇલાયચી, રેશમી કાપડ, ઝવેરાતથી ઉભરાવા લાગ્યાં.