બોલીવૂડના જાણીતા અભિનેતા અને દિગ્દર્શક સતીશ કૌશિકનું ગુરવારે વહેલી સવારે નિધન થયું હતું. સમાચારને પગલે બોલીવૂડ શોકાતૂર બન્યુ છે. 66માં વર્ષે અંતિમ શ્વાસ લેનાર સતીશ કૌશિકે મંગળવારે જ સોશિયલ મિડયા પરથી પોતાના ફેન્સ માટે હોળીનું ટ્વીટ કર્યું હતું. ત્યારે કદાચ તેમને પોતાને નહીં ખબર હોય કે એ એમના જીવનનું છેલ્લું ટ્વીટ બની રહેશે. જાવેદ અખ્તર અને શબાના આઝમી દ્વારા રાખવામાં આવેલ હોળી પાર્ટીમાં સતીશ કૌશિકે પણ હાજરી આપી હતી. અને આ હોળી સેલિબ્રેશન અંગે તેમણે ટ્વીટર પર બોલીવૂડના વિવિધ સેલીબ્રટી સાથે ફોટો પોસ્ટ કરી ‘Colorful happy’ ટેગ લાઇન આપી હતી.
સતીશ કૌશિકે અલી ફઝલ, રિચા ચઢ્ઢા, મહિમા ચૌધરી અને જાવેદ અખ્તર સાથેના ફોટો શેર કર્યા હતા. આ ફોટોમાં સતીશ કૌશિક કેસરી રંગની ટી-શર્ટ અને સફેદ પેન્ટમાં જોવા મળે છે. તેમણે ડાર્ક સનગ્લાસીસ પણ પહેર્યા છે. ફોટોમાં તેઓ અહલાદક સ્મિત આપતા નજરે ચઢે છે તેમના ચહેરા પર હોળીના રંગો સાથે મિત્રોના મિલાપની ખૂશી પણ દેખાઇ રહી હતી.
સતીશ કૌશિકે પોતાની પોસ્ટની કેપ્શન ‘Colorful happy fun #Holi party at janki kutir juhu by @javedakhtarjadu @babaazmi @Azmishabana @tanviazmi આપ્યું હતું અને આ તમામ સેલીબ્રીટિને ટેગ કર્યા હતા. સાથે સાથે તેમણે નવપરણીત યુગલ અલીફઝલ અને રીચા ચઢ્ઢાને મળ્યા હોવાની વાત પણ પોતાના ટ્વીટમાં કરી હતી. એમણે પોતાની પોસ્ટમાં Fiendship, festival, Holi 2023, and colors એવો હેશટેગ પણ ઉમેર્યો હતો.
સતીશ કૌશિકના નિધનના સમાચાર સાંભળ્યા બાદ બોલીવૂડના અનેક કલાકારોએ ટ્વીટ કરી તેમને શ્રદ્ધાંજલી આપી હતી. અભિનેત્રી કંગના રનૌતે સતીશ કૌશિક સાથેનો જૂનો ફોટો શેર કરતા ખૂબ જ દુ:ખદ સમાચાર સાથે આજે સવારની શરુઆત થઇ છે, એ મારા સૌથી મોટા ચીઅર લીડર હતા, જાણીતા અભિનેતા-દિગ્દર્શક સતીશ કૌશીક એક ખૂબ જ સારા અને દયાળુ માણસ હતાં. એ અમારી યાદોમાં રહેશે. ઓમ શાંતિ. એવું ટ્વીટ કર્યું હતું.
આ ઉપરાંત અભિનેતા મનોજ બાજપાઇ એ પણ ટ્વીટ કરી કહ્યું હતું કે આ સમાચાર ખૂબ જ દુ:ખદ છે. આ વાંચીને હું શોક્ડ છું. અમારા બધા માટે અને એમના પરિવાર માટે આ ખૂબ મોટું નૂકસાન છે. આ દુ:ખની ઘડીએ તેમના પરિવાર અને મિત્રોને શક્તી પ્રદાન થાય. રેસ્ટ ઇન પીસ સતીશ ભાઇ.