Homeઉત્સવબોલચાલ

બોલચાલ

મધુ રાયની વાર્તા -મધુ રાય

નિરંજન વ્યાસે સેફટીરેઝર બ્લેડથી પેન્સિલ છોલવી શરૂ કરી. પેન્સિલ છોલવામાં નિરંજનને ખૂબ રસ પડતો. લાકડાના છોતાને કુશળતાથી માપસર એકદમ સંચાથી છોલી હોય એવી લીસી ગુલાબી લાકડાની સપાટી ઉપર વળી ધીરે ધીરે જાળવીને બ્લેડ સરકાવી સીસાની અણીને તેજ તીણી બનાવતો. બરાબર તેની અણી થઈ ગયા પછી રફ પેપર ઉપર એકવાર પોતાની સહી કરી ફરી પાછો કામે વળગી જતો.
નિરંજનને આંકડા સાથે બહુ ફાવતું. હજારો રકમના આંકડાઓના સરવાળા-બાદબાકી, કમિશનની ટકાવારી, પાઉન્ડના રૂપિયા આના પાઈ અથવા પૈસા, અવમૂલ્યાંકનને લીધે સાડા સત્તાવન ટકાના લાંબા પહોળા ગુણાકાર નિરંજન બરાબર ચોકસાઈથી કરતો. લોકો કહેતા, નિરંજન વ્યાસને આંકડા વગેરે બહુ ફાવી ગયા છે, પણ નિરંજન માનતો કે જ્યાં જ્યાં કંઈક નિયમ છે એ બધામાં પોતે ફાવે છે.
દાખલા તરીકે શતરંજની રમત. નિરંજન વ્યાસ એની ક્લબનો ચેમ્પિઅન હતો, અને ઘોડાની ચાલનો એક જબરદસ્ત ખેલાડી હતો. રમતની શરૂઆતમાં જ દસબાર ચાલ થતા થતા, નિરંજન વ્યાસ તમને વઝીર તમારા હાથમાં આપી દે. અને તમારું કંઈ મરતું પણ ન હોય, એ રીતે એનો વજીર મરે, અને તેમ છતાં તે પછીની છઠ્ઠી સાતમી ચાલે ઘોડાની શેહ આવે તમારા વજીર અને રાજા ઉપર, તે પછી બીજા ઘોડાને ચાલથી તમારું આખું બોર્ડ સર કરી લે. પછી રહે તમારો રાજા, અને સાહેબ, તમારા રાજાને ચલાવી ચલાવીને ફરીથી એની અસલી જગ્યાએ લાવી બરોબર ત્યાં જ મહાત કરે. તમે પૂછો તો મિલનસાર રીતે સમજાવે કે એણે કંઈ ગણતરીથી તમારી પાસે તમારા મોહરાં ચલાવ્યાં હતાં.
નિરંજન વ્યાસને પત્તાની રમતો એકદમ ન ગમતી.
રોજ મુજબ સવાર પડતી, શેવ થતી, ટાઇ પહેરાતી, પેન્સિલ છોલાતી, સાંજ પડતી, શતરંજ મંડાતી અને રાત પડતી. નિરંજન વ્યાસ પરણ્યો નહોતો અને સવાર પડતી.
પેન્સિલ છોલાવાની પૂરી થઈ અને નિરંજન વ્યાજનું આત્મનિરીક્ષણ પૂરું થયું. એને થયું કે એ પોતે આદર્શ યુવક છે, અને એક દિવસ કંઈક કરીને રહેશે.
નિરંજન વ્યાસની કેબિનની દીવાલો લીસા બ્લેકબોર્ડની હતી. અડધેથી ઉપર ફ્રોસ્ટેડ ગ્લાસવાળી. જતા આવતા માણસોના માથા દેખાતા. રામદયાલના
ખભ્ભા પણ દેખાતા. નિરંજન વ્યાસે નિરીક્ષણ કર્યું હતું કે, રામદયાલ એની કેબિનમાં આવતો હોય ત્યારે એના ખભ્ભામાં એક ખેંચ આવી જતી, અને ફ્રોસ્ટેડ ગ્લાસની બહાર દેખાતા ઓળાઓમાંથી રામદયાલ એકદમ સહેલાઈથી ઓળખી શકાતો.
નિરંજન વ્યાસ, એન. વ્યાસ, એન. વી., એનનું પહેલું પાંખડું એકદમ કાટખૂણે નીચે આવતું… રામદયાલે આસ્તેથી બારણું ઉઘાડયું, ડાબો હાથ જમણા હાથની કોણીને અડાડી, જમણા હાથે એક વાળેલો કાગળ રાખેલી પ્લેટ ટેબલ ઉપર મૂકી. વડાસાહેબનો સ્પેશ્યલ નોટ પેપર જોતાંવેંત જ ઓળખાઈ જાય એવો હતો. નિરંજન હસી પડયો. વડાસાહેબની એવી કેટલીક ખાસિયતો ઉપર એને ઘણીવાર રમુજ થતી. ઊંટ આપીને ઘોડો મળતો હોય, ઘોડો આપીને હાથી મળતો હોય, દેખીતી રીતે પ્યાદું આપ્યા વગર પ્યાદું મળતું હોય, તો વડાસાહેબ લીધા વગર રહી ન શકતા. અને અંતે, અથવા બીજી ત્રીજી ચાલે એમની હારની શરૂઆત થતી ત્યારે એકદમ બેકાબુ ગુસ્સે થઈ જતા. એમ કરીને રમત જલ્દી હારતા. પછી વડા સાહેબ અને નિરંજનની વચ્ચે બોલચાલનો સંબંધ થોડા દિવસ બંધ રહેતો અને થોડા દિવસ પછી રામસિંહ પ્લેટમાં એમનું નોટપેપર લઈને આવતો.
નિરંજનકુમાર કંચનલાલ વ્યાસ, તીણી અણીવાળી પેન્સિલથી નિરંજને ફરીથી બ્લોટીંગ ઉપર સહી કરી અને ધક્કો મારી ખુરશી પાછળ ઠેલી ઊભો થતાં થતાં વડાસાહેબની નોટ ઉગાડી. અબોલાના દિવસો દરમિયાન વાત કરવાનું બનતું નહીં, અને નિરંજનને કંઈ ઠપકો આપવાનું થાય તોય કંચનલાલ બોલતા નહીં. નિરંજનને બારી પાસે જઈ લીલી વેનેશિયન બ્લાઇન્ડની દોરી સહેજ ખેંચી બંધ બ્લાઇન્ડ્ઝને સહેજ ઉઘાડી. સડકો ઉપર લારીઓ જતી હતી. કંઈ ન હોય તો અમુક વસ્તુ થઈ કે નહીં એ વિશે જાતે આવીને જણાવી જવાની સૂચના- “ઇન્સ્ટ્રકટેડ ટુ સી ધી એમ.ડી. પર્સનલી એટ ધી અર્લીએસ્ટ ક્ધવીનીઅન્સ.
નિરંજન કંચનલાલ વ્યાસે ટાઇની ગાંઠ બરાબર ગોઠવી, અને વાળ બરાબર કરી કેબિનની બહાર નીકળ્યો. વડા સાહેબે અમેરિકન ઓફિસ ઓર્ગેનાઈઝેશનની ચોપડીઓ વાંચી આ કેબીનો બનાવી હતી. એમ.ડી.ની કેબિન કોરિડોરને – નિરંજનને યાદ હતું કે એમ.ડી. હંમેશા કોરિડોર કહેવાનું પસંદ કરતા- એકદમ છેલ્લે છેડે હતી. એમ. ડી. ઉર્ફે વડા સાહેબ, ઉર્ફે દલ્લુભાઈ વ્યાસનો આગ્રહ હતો કે આવતાં પહેલાં ટકોરા મારવા.
ઓફિસ બંધ થવાને હજી એક કલાક હતો. નિરંજન ચૂપચાપ કંચનલાલની સામે ઉભો રહ્યો, અને કંચનલાલે ઠંડી ઉપેક્ષાના ભાવથી એને ઇશારત કરી બેસવા કહ્યું. નિરંજન મનોમન હસવા લાગ્યો. ઉંમર વધવાની સાથે કંચનલાલની ઇડીઓ- સિંક્રસીઝ વધતી જતી હતી. સીધે સીધી રીતે “રમવું?” છે એમ નહીં પૂછે પહેલા અર્થ વગરનું, કારણ વગરનું, વાંક વગરનું ધમકાવશે. અમુક કામ થવાનું હતું, કેમ ન થયું? થયું છે તો મોડું કેમ થયું, મોડું નથી થયું તો કહ્યું કેમ નહીં, જ્યારે થઈ ગયું ત્યારે… નિરંજન વહેવારથી શીખ્યો હતો કે એમના ગુસ્સાને સહી લેવો. ગામમાં અફવા હતી કે કંચનલ વ્યાસ સાથે આખરે એનો દીકરો સવાશેર પાક્યો ખરો. કંચનલાલ અંગ્રેજીમાં ધમકાવવાનું પૂરું કરી લેતા ત્યાં સુધીમાં નિરંજન બે- ત્રણ સંવાદ વિચારી લેતો. પૂરું થયે કહી દેતો. અને કંચનલાલ અંગ્રેજીની ભૂલ કાઢતા અને સાથે સાથે “આઈ સી, ઈટ મીન્સ આઈ વોઝ ઓલ ધ વ્હાઈલ અંડર એ મિસઅન્ડરસ્ટેન્ડિંગ” કહી દેતા.
અને એ રીતે એમના અબોલા ટૂટતા. પણ તે વખતે એક વિકટ ઘડી આવતી. અબોલા ટૂટ્યા છતાં રમવા માટે કંચનલાલ કહી શકતા નહીં. નિરંજને એમની સેક્રેટરીને કહી રાખ્યું હતું કે, આવીને એણે પ્રસ્તાવ મૂકવો કે કામ ખૂબ કર્યું છે, કોપી વગેરે કંઈ પીશો? એમ પૂછવું.
“ઓફિસે અત્યારે વળી કોફી? કંચનલાલે કાંડા ઘડિયાળ તરફ જોઈ કંટાળાના દેખાવ સાથે કહ્યું, પછી એકાએક ટાઈમ ઉપર ધ્યાન ગયું હોય એમ બોલી ઉઠ્યા, “ઓહો હો પોણા ચાર વાગી ગયા?
“એક રમત શતરંજ રમી લેવી હોય તો અંદરની કેબિનમાં બોર્ડ ગોઠવી રાખ્યું છે. સેક્રેટરીને નિરંજનની આવી સૂચના આપી જ રાખી હતી. અને બીજી ત્રીજી મિનિટમાં ઝાઝી વાત કર્યા વિના બંને જણ અંદરની કેબિનમાં રમતમાં ડૂબી જતા.
નિરંજને પ્રવેશ કર્યો, અને કંચન લાલે ઊંચું જોયું… મૂંગા મૂંગા બેસવાની ઇશારત કરી. અબોલા હજી છૂટયા નહોતા.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular