આપણી શિક્ષમ પ્રણાલીમાં જ કંઇક ગંભીર ખોટું છે એમ લાગી રહ્યું છે. આજે આપણે કેવા વિદ્યાર્થીઓ પેદા કરી રહ્યા છીએ? એક સમય હતો જ્યારે શિક્ષક ગુરુ કહેવાતા અને તેમની તુલના ભગવાન સાથએ થતી અને આજનો વિદ્યાર્થી ગુરુને માન-સન્માન આપવાનું તો બાજુએ રહ્યું, પણ એના લોહીનો તરસ્યો થઇ ગયો છે. ગુરુ-શિષ્યની પરંપરાને લાંછન લગાવતો આવો જ કિસ્સો ઇન્દોરમાં તાજેતરમાં બનવા પામ્યો છે, જેમાં માર્કશીટ આપવામાં વિલંબ થતા ગુસ્સે ભરાયેલા વિદ્યાર્થીએ પ્રિન્સિપાલ પર પેટ્રોલ છાંટી તેમને આગના હવાલે કરી દીધા હતા.
ઇન્દોરની બીએમ ફાર્મસી કોલેજમાં આ ઘટના બની હતી. પોલીસના જણાવ્યા મુજબ શનિવારે સાંજે ચાર વાગે કૉલેજના પ્રિન્સિપાલ, વિમુક્તા શર્મા તેમના ઘરે જવા નીકળ્યા હતા. તેઓ રસ્તામાં બિલિ પત્ર તોડવા ઊભા હતા. તેસમયે આરોપી આશુતોષ શર્મા ભાગતો ભાગતો આવ્યો હતો અને વિમુક્તા શર્મા પર પેટ્રોલ ભરેલો ડબ્બો છાંટી દઇ તેમને દિવાસળી ચાંપી દીધી હતી. પ્રિન્સિપાલને આગને હવાલે કરી ાશુતોષ ભાગી ગયો હતો ત્યાં રસ્તામાં પોલીસે તેને પકડ્યો હતો. આરોપીએ જુલાઇ મહિનામાં સેમિસ્ટર-8ની પરીક્ષા આપી હતી, પરંતુ તેને માર્કશીટ મળી ના હોવાથી ગુસ્સે ભરાયો હતો અને આ ઘટનાને અંજામ આપ્યો હતો.
પ્રિન્સિપાલ, વિમુક્તા શર્માને તાત્કાલિક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં આજે વહેલી સવારે તેમનું મૃત્યુ થયું હતું. ઈન્દોર પ્રશાસને આરોપી આશુતોષ શ્રીવાસ્તવ સામે રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ (NSA)ની કાર્યવાહી શરૂ કરી છે.
પ્નિન્સિપાલ વિમુક્તા શર્માના પરિવારના સભ્યો અને BM કૉલેજના સ્ટાફે આક્ષેપ કર્યો છે કે પોલીસની નિષ્ક્રિયતાને કારણે આ દુ:ખદ ઘટના બની હતી કારણ કે ભૂતકાળમાં આરોપી વિરુદ્ધ અનેક ફરિયાદો કરવામાં આવી હતી , પરંતુ તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. આરોપીએ ભૂતકાળમાં કોલેજના પ્રોફેસરને માર માર્યો હતો અને અનેકવાર કેમ્પસમાં હંગામો મચાવ્યો હતો. તેણે ભૂતકાળમાં અનેકવાર કોલેજના પ્રિન્સિપાલને ધમકીભર્યા મેસેજ પણ મોકલ્યા હતા.