ગુજરાતમાં ઉતરાયણના આગલા દિવસથી એટલે કે શુક્રવારથી ઠંડીના તીવ્ર મોજાએ લોકોને ઠુઠવી દીધાં છે. અમદાવાદ સહિતના ઘણા શહેરોમાં ઠંડીનો પારો દસ કે તેનાથી નીચે પહોંચી ગયો છે ત્યારે હજુ વધારે ઠંડી પડવાની શક્યતા હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું.
રવિવારે ગુજરાતમાં દિવસભર ઠંડુ વાતાવરણ રહ્યું હતું. આગામી બે દિવસ કચ્છમાં કોલ્ડ વેવની પણ આગાહી હવમાન વિભાગે કરી છે. ગુજરાતમાં ઉત્તર- પશ્ચિમ ઉત્તરના પવન ફૂંકાતા રાજ્યમાં ઠંડીનું જોર વધશે, તેવી આગાહી કરવામાં આવી છે.
ગુજરાતના મોટા શહેરોમાં સવારે અને સાંજે ઠંડા પવન ફુંકાવાની શરુઆત થઈ ગઈ છે. આ સાથે જ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યના અનેક શહેરોમાં પણ પારો ગગડી જશે અને તાપમાન નીચું જશે. રાજ્યમાં તાપમાન નીચે જતા જ ઠંડીનું જોર વધી જશે. ગુજરાતમાં ઠંડી વધતાની સાતે જનજીવન પર તેની અસર પડી રહી છે. આ સાથે જ કચ્છમાં કડકડતી ઠંડી પડવાની પણ આગાહી કરી છે.
કચ્છમાં આગામી બે દિવસ કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. ગુજરાત રાજ્યના 9 શહેરોમાં તાપમાન 10 ડિગ્રી કરતા પણ ઓછું નોંધાયુ છે. નલિયા 4.4 ડિગ્રી સાથે ઠંડુગાર બન્યુ છે. ગુજરાતની સાથે આબુમાં પણ ઠંડી વધી ગઈ છે. ઉત્તર ભારતમાં ઠંડા પવનને કારણે રાજ્યમાં આગામી દિવસોમાં પણ ઠંડી વધવાની શક્યતાઓ છે.