(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં જાન્યુઆરી મહિનાના છેલ્લા અઠવાડિયામાં માવઠાં પહેલાના દિવસોમાં પ્રસરી ગયેલી શીત લહેરે ગુજરાતીઓને ધ્રુજાવ્યા બાદ હવે ફેબ્રુઆરીના પ્રારંભે ઠંડી ધીમે ધીમે ઘટી રહી છે. હવામાન ખાતાએ પણ હવે આગામી ચાર પાંચ દિવસમાં મહત્તમ તાપમાનનો પારો ચાર ડિગ્રી સુધી ઊંચે જવાનો વર્તારો આપતા ઠંડીએ વિદાયનો રસ્તો પકડ્યો છે. બીજી બાજુ હવામાન શાસ્ત્રીઓએ માર્ચ મહિનાથી ગરમીનો પારો ઉંચકાવાની સાથે આકરી ગરમી શરૂ થવાની આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે હવે લોકોને ઠંડીમાંથી રાહત મળશે. રાજ્યમાં કડકડતી ઠંડીનો ચમકારો ઘટશે. તાપમાનમાં ૩થી ૪ ડિગ્રીનો વધારો થઈ શકે છે. પવનની ગતિ ધીમી પડતા ઠંડી ઘટશે. હાલ વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તાપમાનમાં વધારો નોંધાશે.
બીજી બાજુ ગુરુવારે નલિયા ૪.૨ ડિગ્રી સે. લઘુતમ તાપમાન સાથે ઠંડુગાર બન્યું હતું. અમદાવાદમાં ૧૩ અને ગાંધીનગરમાં ૧૧ ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયું હતું.
દરમિયાન હવામાન નિષ્ણાતોએ અનુમાન જાહેર કર્યું છે. ફેબ્રુઆરીની શરૂઆતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. તેમજ દક્ષિણ ગુજરાતમાં લઘુતમ તાપમાન થોડું વધુ રહી શકે છે. ફેબ્રુઆરીના બીજા સપ્તાહથી ગરમી જોર પકડશે અને મહત્તમ તાપમાન ૩૬ ડિગ્રી આસપાસ પહોંચી જશે.૧૯થી ૨૦ ફેબ્રુઆરીએ મહત્તમ તાપમાન વધતું જશે. ફેબ્રુઆરીના અંત સુધીમાં મહત્તમ તાપમાન ૩૮ ડિગ્રી થઈ થવાની શકયતા રહેશે. આ વર્ષે ઉનાળો આકરો રહેશે અને માર્ચ મહિનામાં આકરી ગરમી રહેશે. ૪ માર્ચથી ગરમી વધશે. માર્ચ મહિનામાં ૪૦ ડિગ્રી તાપમાન પહોંચી જશે. ૨૫ થી ૨૬ માર્ચના દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે.