(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં છેલ્લા બે દિવસથી વાતાવરણ એકદમ ઠંડું થઈ ગયું છે અને લોકોને કબાટમાંથી સ્વેટર-શાલ બહાર કાઢવાની ફરજ પડી છે. હવામાન ખાતાના કહેવા મુજબ આગામી બે-ત્રણ દિવસ મુંબઈમાં આવું ઠંડું વાતાવરણ રહેશે.
મુંબઈ સહિત રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી શિયાળાની મોસમ બરોબર જામી છે. વિદર્ભ સહિત મધ્ય મહારાષ્ટ્રમાં તો ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. રાજ્યમાં તાપમાનનો પારો 3 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. તો મુંબઈમાં પણ બે-ચાર દિવસથી વાતાવરણમાં ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે. ગુરુવારે તાપમાનનો પારો 16 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. શુક્રવારે જોકે લઘુતમ તાપમાનનો પારો થોડો ઊંચો 19.4 ડિગ્રી નોંધાયો હતો. જોકે મહત્તમ તાપમાનમાં પણ ઘટાડો થયો હતો. ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા હોવાને કારણે વાતાવરણ એકદમ ઠંડું થઈ ગયું હતું.
શુક્રવારે દિવસ દરમિયાન કોલાબામાં મહત્તમ તાપમાન 27.6 ડિગ્રી તો લઘુતમ 20.8 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે સાંતાક્રુઝમાં મહત્તમ 29 ડિગ્રી અને લઘુતમ તાપમાન 19.0 ડિગ્રી નોંધાયું હતું.
સમગ્ર રાજ્યમાં પણ ઠંડીનું જોર રહ્યું હતું. રાજ્યમાં સૌથી નીચું તાપમાન પુણેમાં 9.2 ડિગ્રી નોંધાયું હતું. ઓસ્માનાબાદમાં 9.4 ડિગ્રી, ઔરંગાબાદમાં 9.8 ડિગ્રી, સાતારામાં 10.4 ડિગી, હિલસ્ટેશન મહાબળેશ્ર્વરમાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તો વિદર્ભના મોટા ભાગના જિલ્લામાં 11થી 14 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયું હતું.
હવામાન ખાતાના કહેવા મુજબ હિમાલય સહિત ઉત્તરી રાજ્યોમાં થઈ રહેલી હિમવર્ષા અને વરસાદ પડી રહ્યો છે અને ત્યાંથી ઠંડા પવનો મુંબઈ સહિત મહારાષ્ટ્ર તરફ ફૂંકાઈ રહ્યા છે. તેથી મુંંબઈ અને આજુબાજુના વિસ્તારમાં શિયાળાની ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. મુંબઈમાં આગામી બે-ત્રણ દિવસ વાતાવરણ હજી ઠંડું થશે અને તાપમાનનો પારો હજી નીચે ઊતરી શકે છે.
મુંબઈમાં ઠંડા ઠંડા કૂલ-કૂલ
RELATED ARTICLES