Homeઆમચી મુંબઈકોસ્ટલ રોડમાં બીજી ટનલનું કામ ડિસેમ્બર અંત સુધીમાં પૂરું થશે

કોસ્ટલ રોડમાં બીજી ટનલનું કામ ડિસેમ્બર અંત સુધીમાં પૂરું થશે

પૂરા પ્રોજેક્ટનું ૬૬ ટકા કામ પૂરું

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાનો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ ગણાતા કોસ્ટલ રોડનું લગભગ ૬૬ ટકા કામ પૂરું થયું છે. તો કોસ્ટલ રોડમાં રહેલી બીજી ટનલનું કામ ડિસેમ્બર અંત સુધીમાં પૂરું કરવામાં આવવાનું છે, જેમાં અત્યાર સુધી ૧૮૦૦ મીટરથી વધુ કામ પૂરું થઈ ગયું છે.
હાલ બીજી ટનલને ખોદવાનું કામ ચાલી રહ્યું છે. આ ટનલ ૨.૦૭૦ કિલોમીટર લાંબી છે. અહીં પ્રતિદિન સાતથી આઠ કિલોમીટરનું ખોદકામ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી ૧૮૦૦ મીટરથી વધુ કામ થઈ ગયું છે અને બાકીનું લગભગ ૨૦૦ મીટરનું ખોદકામ ડિસેમ્બર અંત સુધીમાં પૂરું કરવામાં આવવાનું હોવાનું કોસ્ટલ રોડના ચીફ એન્જિનિયર મતૈયા સ્વામીએ જણાવ્યું હતું.
કોસ્ટલ રોડમાં બે ટનલ બનાવવામાં આવી રહી છે, જેમાંથી પહેલી ટનલનું કામ ૧૦ જાન્યુઆરી, ૨૦૨૨ના પૂરું થયું હતું. પ્રિયદર્શની પાર્કથી ગિરગાંવ ચોપાટી સુધીની બંને ટનલમાં ત્રણ-ત્રણ લેન હશે. જમીનની ૧૦થી ૭૦ મીટર નીચે આ ટનલ બનાવવામાં આવી રહી છે. ટનલમાં હવાની અવરજવર રહે તે માટે ‘સકાર્ડો યંત્રણા’ વાપરવામાં આવવાની છે. તેથી આપાતકાલીન પરિસ્થિતિમાં પાલિકાના કંટ્રોલરૂમ, પોલીસ, ટ્રાફિક પોલીસ, ફાયર બ્રિગેડને તાત્કાલિક મેસેજ મળી શકશે. દેશમાં પહેલી વખત આ યંત્રણાનો ઉપયોગ કરવામાં આવવાનો છે. ટનલ ખોદવા માટે ‘માવળા ટનલ બોરિંગ’ મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેનું વજન લગભગ ૨૩૦૦ ટન છે.
કોસ્ટલ રોડ મુંબઈ મહાનગરપાલિકાની સાથે જ શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેનો પણ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ ગણાય છે. લગભગ ૧૦.૫૮ કિલોમીટરના કોસ્ટલ રોડને કારણે મુંબઈની ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ આવશે એવો દાવો કરવામાં આવે છે.
કોસ્ટલ રોડનું કામ ૨૦૧૮માં ચાલુ થયું હતું. જોકે કોરોના મહામારી દરમિયાન કામમાં થોડી અડચણ આવી હતી. જોકે અટકયા વગર કામ ચાલતુ રહ્યું હતું. પાલિકાએ નવેમ્બર, ૨૦૨૩ સુધી કોસ્ટલ રોડનું કામ પૂરું કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે.
કોસ્ટલ રોડમાં ૮૫૬ વાહનોના પાર્કિંગ સહિત શૌચાલય, જોગિંગ ટ્રેક, સાઈકલ ટ્રેક, બટરફ્લાય ગાર્ડન, કોસ્ટલ ફૂટપાથ, ઓપન નાટ્યગૃહ, નાનાં બાળકો માટે ઉદ્યાન અને રમતગમતનાં મેદાન, પોલીસચોકી, બસસ્ટોપ, રસ્તો ક્રોસ કરવા માટે અંડરગ્રાઉન્ડ ફૂટપાથ, જેટ્ટી વગેરેનાં કામ ચાલી રહ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular