મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સોમવારે રાત્રે વિલે પાર્લે ખાતે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર ફ્લાયઓવર બ્રિજ પર ફોર્ચ્યુનર કારને આગ લાગતી જોઈ ત્યારે મુંબઈ એરપોર્ટથી અંધેરી જતા તેમના કાફલાને અટકાવ્યો હતો. મુંબઈના વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર મુખ્ય પ્રધાનનો આ નાઈટ હોલ્ટ પીડિતોની મદદ માટે હતો. બહાર વરસાદ પડી રહ્યો હોવા છતાં, સીએમ શિંદે તેમની કારમાંથી બહાર નીકળ્યા અને પીડિતોને મળ્યા જેમની કારમાં આગ લાગી હતી. શિંદે પીડિતોને શાંત કરતા અને તેમને તમામ મદદની ખાતરી આપતા જોવા મળ્યા હતા. ત્યાંથી પસાર થતા અન્ય લોકો પણ કાર ડ્રાઇવરને મદદ કરતા જોવા મળ્યા હતા. પોલીસ અને ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી.

સીએમ શિંદેનો આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઇ રહ્યો છે અને લોકો તેમના માનવીય અભિગમની પ્રશંસા કરી રહ્યા છે.

YouTube player

આ ઘટના રાતે 12.15 કલાકે બની હતી. પોલીસના ડેપ્યુટી કમિશનર (ટ્રાફિક વેસ્ટ) નીતીન પવારના જણાવ્યા અનુસાર, આ ઘટના મુખ્ય પ્રધાને જોઈ હતી જેઓ ઉત્તર તરફના કેરેજવે પર હતા અને અંધેરી તરફ જઈ રહ્યા હતા. અધિકારીએ કહ્યું કે મુખ્ય પ્રધાને તેમના કાફલાને રોક્યો, તેમના વાહનમાંથી ઉતર્યા અને ફોર્ચ્યુનર કારના ડ્રાઇવરને મદદ મળે એની ખાતરી કરી હતી.

મુખ્ય પ્રધાને ડ્રાઇવરને તેનું નામ પૂછ્યું, જેણે પોતાની ઓળખ વિક્રાંત શિંદે તરીકે આપી હતી. પ્રસ્થાન કરતા પહેલા, મુખ્ય પ્રધાને ડ્રાઇવરને તમામ મદદનું વચન આપ્યું હતું અને જીવનના મહત્વ પર ભાર મૂકતા, આગથી ક્ષતિગ્રસ્ત કારની નજીક ન જવા જણાવ્યું હતું.

દેખીતી રીતે જ ધોધમાર વરસાદમાં શોર્ટ સર્કિટને કારણે કારમાં આગ લાગી હતી. આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. અડધા કલાકમાં આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો અને બાદમાં વાહનને સ્થળ પરથી ખસેડવામાં આવ્યું હતું. આગનું ચોક્કસ કારણ જાણવા વિલેપાર્લે પોલીસે ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.

Google search engine