વર્ષા બંગલાના ખર્ચવાળા વિધાન પર શિંદેએ અજીતદાદાને અરીસો બતાવ્યો
વર્ષા બંગલાના જમવાના બે કરોડથી વધુના બિલ માટે ટીકા કરનારા વિરોધ પક્ષનાનેતા અજીત પવારને મુખ્ય પ્રધાન શિંદેએ અરીસો બતાવતા જણાવ્યું છે કે તેમણે પોતાને સોશિયલ મીડિયા પર પ્રમોટ કરવા માટે એક વર્ષમાં 6 કરોડની ફાળવણી કરવામાં આવી હતી. પરંતુ વિરોધ બાદ તેમણે આ નિર્ણય પાછો ખેંચી લીધો હતો. રાજ્ય વિધાનસભાનું બજેટ સત્ર આજથી શરૂ થયું છે. આજે સવારે મુખ્ય પ્રધાન શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન ફડણવીસે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધી હતી. આ સમયે તેઓ વાત કરી રહ્યા હતા. એકનાથ શિંદેએ કહ્યું હતું કે, પૃથ્વીરાજ ચવ્હાણ અને અશોક ચવ્હાણે પણ મોટી જાહેરાતો કરી હતી. તેની સરખામણીએ અમે ઓછો ખર્ચ કર્યો છે. 7 મહિનામાં અમે જાહેરાતો પાછળ 50 કરોડ રૂપિયા ખર્ચ્યા, પણ દિલ્હી, પંજાબ, તેલંગાણા કેટલી જાહેરાતો આપે છે, તેની ગણતરી તો કરો. તેની સરખામણીમાં મહારાષ્ટ્ર કંઈ ખર્ચ કરતું નથી. શું લોકો સુધી કામ પહોંચાડવું ખોટું છે?” એવો સવાલ શિંદેએ ઉઠાવ્યો હતો. વર્ષા બંગલો અઢી વર્ષથી બંધ હતો. હવે છ-સાત મહિનાથી લોકો અહીં આવે છે. લોકોને આવ્યા પછી ચા-પાણી પણ ન આપવું જોઈએ? અમે તેમને બિરયાની ખવડાવતા નથી, ચા-પાણી પણ ના આપી શકીએ? તમે સિંચાઈ માટે 70 હજાર કરોડ પાણીમાં નાખ્યા અને તસુભર જમીન સિંચાઇ હેઠળ આવી નથી. આ હું નથી કહી રહ્યો, પૃથ્વીરાજ ચવ્હાણ અને કેગે કહ્યું છે. તમારે પણ તેનો હિસાબ આપવો પડશે. તમે ક્યાં છો તે વિશે વિચારો. સાત મહિનામાં દર મહિને 40 લાખનો ખર્ચ થયો હતો. ફેસબુક લાઈવ શરૂ થયું ત્યારે વર્ષા બંગલાનો માસિક ખર્ચ ત્રીસથી પાંત્રીસ લાખ હતો. શિંદેએ એમ પણ કહ્યું કે અજિત પવારે આ માહિતી લેવી જોઈતી હતી.