મુંબઈઃ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મહાવિકાસ આઘાડી પર આજે ફરી હલ્લાબોલ કર્યું હતું, એટલું જ નહીં પણ તેમણે એક ચેનલ દ્વારા કરવામાં આવેલા સર્વે પર પણ સવાલ ઉઠાવતા ટિપ્પણી કરી હતી કે જો આ પોલને કારણે અનેક લોકોને લાફિંગ ગેસ જેવી અનુભૂતિ થઈ હોય તો એ થવા દો, આપણે તો કામ કરતા રહીશું. પણ એમને દોઢ વર્ષ બાદ ચારથી છ જગ્યાઓ પણ મેળવવામાં મુશ્કેલી પડશે, એવું તેમણે જણાવ્યું હતું.
શિંદેએ જણાવ્યું હતું કે મુઠ્ઠીભર માણસોને મળીને અંદાજ ના બાંધ શકાય. રાજ્યના ત્રણ-ચાર હજાર લોકોની મુલાકાત લઈને આ અંદાજો વ્યક્ત કરાઈ રહ્યો હોય તો તે શક્ય નથી. ગ્રામપંચાયતની ચૂંટણીમાં જે સફળતા બાળાસાહેબાંચી શિવસેના અને ભાજપને મળી છે તેનો આધાર લેવો જોઈતો હતો. એ સેમ્પલ સર્વેમાંથી સાચા આંકડાઓ મળી શક્યા હોત. યુતિ થશે જ એવું ધારીને અંદાજ લગાવવું એ સદંતર ખોટું છે, કારણ કે રાજકારણમાં 2+2=4 ક્યારેય ના થાય. એમાંથી કેટલા બાદ થાય છે એ તો આવનાર સમય જ કહેશે, એ બાબત ધ્યાનમાં લેવી જોઈએ. પણ મહાવિકાસ આઘાડી જો ચારથી છ જગ્યા પણ સાચવી શકે તો પણ એ ખૂબ મોટી વાત હશે.
મહાવિકાસ આઘાડી 2024ની લોકસભાની ચૂંટણીમાં હવે જેટલા સંસદ સભ્યો છે એટલી જગ્યા પણ નહીં બચાવી શકે. મહારાષ્ટ્રમાં અમે જે કામ કરી રહ્યા છે તે લોકો જોઈ રહ્યા છે. છેલ્લાં અઢી વર્ષમાં કામ થયા જ નહોતા, બધા પ્રકલ્પો સ્થગિત હતા. હવે બધા પ્રકલ્પનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. એટલે લોકો પ્રકલ્પ અટકાવનારા લોકોને કે કામ કરનારા લોકોને પસંદ કરશે, એવો સવાલ પણ તેમણે ઉપસ્થિત કર્યો હતો.
દેશમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીની લોકપ્રિયતા ખૂબ જ છે એટલે આવનારી લોકસભાની ચૂંટણીમાં બધા વિક્રમો તૂટશે અને મોદીસાહેબના નેતૃત્ત્વ હેઠળ મોટી સફળતા મળશે.