મુંબઈ: આજે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનો જન્મ દિવસ છે, તેમના જન્મ દિવસ નિમિત્તે રાજ્યભરમાં અલગ અલગ જગ્યાએ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાઈ રહ્યું છે. શિંદેના જન્મદિવસ નિમિત્તે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે થાણે ખાતેના તેમના નિવાસસ્થાને પહોંચીને તેમને જન્મદિવસની શુભેચ્છાઓ આપી હતી.
આજે એકનાથ શિંદે ભલે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બની ગયા હોય પણ એક સમય હતો કે તેમણે થાણેના રસ્તાઓ પર રિક્ષા ચલાવતા હતા. 9મી ફેબ્રુઆરી, 1964ના મહારાષ્ટ્રમાં જ જન્મેલા એકનાથ શિંદે સાતારાના પહાડી જવાલા તાલુકાના છે. 11મા ધોરણ સુધી થાણેમાં જ ભણતર લીધા બાદ વાગળે એસ્ટેટમાં જ તેમણે ઓટો રિક્ષા ચલાવવાનું શરું કરી દીધું. ઓટો રિક્ષા ચલાવતા ચલાવતા જ 80ના દાયકામાં તેઓ શિવસેના સાથે જોડાયા અને પાર્ટીના એક સામાન્ય કાર્યકર્તા બનીને તેમણે તેમના રાજકીય કારકિર્દીની શરુઆત કરી હતી.
મહારાષ્ટ્રની રાજધાની અને દેશની આર્થિક રાજધાની મુંબઈની નજીક આવેલા થાણે જિલ્લાના સૌથી શક્તિશાળી અને પ્રભાવશાળી નેતાઓમાં એકનાથ શિંદેની ગણતરી કરવામાં આવે છે. લોકસભાની ચૂંટણી હોય કે બીજી કોઈ પણ ચૂંટણી જિતવા માટે એકનાથ શિંદેનો સાથ હોવો ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. એકનાથ શિંદેએ શિવસેનામાં એક અદના કાર્યકર્તા બનીને શરૂઆત કરી અને થાણેના પ્રભાવશાળી નેતા આનંદ દીઘેની આંગળી પકડીને રાજકારણમાં પોતાનો પગ જમાવ્યો હતો.
એક અકસ્માતમાં એકનાથ શિંદેએ પોતાના બે બાળકોને ગુમાવી દીધા હતા. તેમનો એક દીકરો અને એક દીકરી સાતારા ખાતે તેમની નજર સામે જ ડૂબી ગયા હતા. આ ઘટના બાદ એકનાથ શિંદે એકાંતપ્રિય થઈ ગયા હતા અને તેમણે રાજકારણ છોડી દીધું હતું. ત્યારે તેઓ શિવસેનાના કાઉન્સિલર હતા. પરંતુ આનંદ દીઘે તેમને ફરી વખત સાર્વજનિક જીવનમાં પાછા લાવ્યા અને તેમને સભાગૃહના અધ્યક્ષ બનાવી દીધા હતા.
સીએમ શિંદેની રાજકીય કારકિર્દીની વાત કરીએ તો 1997માં તેમણે થાણે મહાનગર પાલિકામાંથી કાઉન્સિલર તરીકે ચૂંટાઈ આવ્યા. 2001માં તેઓ થાણે મહાનગર પાલિકામાં વિપક્ષના નેતા બનીને ઊભરી આવ્યા. ત્યાર 2002માં ફરી એક વખત તેઓ કાઉન્સિલર તરીકે ચૂંટાઈ આવ્યા. આ સિવાય ત્રણ વર્ષ સુધી તેઓ પાવરફૂલ સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય પણ રહી ચૂક્યા છે. જોકે, 2000ની સાલમાં જ તેમણે રાજકીય બુલંદીને સ્પર્શ કરી લીધો હતો, કારણ કે 2000ની સાલમાં જ આનંદ દીધેનું નિધન થયું અને તેમના નિધન બાદ જ એકનાથ શિંદે થાણેમાં આગળ વધવા લાગ્યા.
આ બધા વચ્ચે 2005માં નારાયણ રાણેએ શિવસેના છોડી દીધી અને એને કારણે પણ શિવસેનામાં એકનાથ શિંદેનો દબદબો વધતો જ ગયો. રાજ ઠાકરેએ શિવસેના છોડી એ બાદ તો એકનાથ શિંદેનો ગ્રાફ શિવસેનામાં તો વધ્યો જ. પણ તેની સાથે સાથે તેઓ ઠાકરે પરિવારની એકદમ નજીક આવી ગયા. ઠાકરે પરિવાર સિવાય એકનાથ શિંદે આનંદ દીઘેની પણ ખૂબ જ નજીક હતા…વાઢ દિવસાચ્યા હાર્દિક શુભેચ્છા સીએમ સાહેબ!!