મુંબઈઃ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનો જન્મદિવસ મહારાષ્ટ્રમાં તો ઉજવાઈ જ રહ્યો છે, પણ સાત સમંદર પાર પણ લાડકા મુખ્ય પ્રધાનનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. અમેરિકાના ન્યૂ યોર્કમાં આવેલા ટાઈમ્સ સ્ક્વેર ખાતે પણ મુખ્ય પ્રધાન શિંદેનો જન્મદિવસ જોર-શોરથી ઊજવવામાં આવ્યો હતો અને યુવકોએ કેક કટ કરીને ઉત્સાહ અને ઉમંગથી સેલિબ્રેટ કર્યો હતો અને વીડિયોના માધ્યમથી તેમણે મુખ્ય પ્રધાનને શુભેચ્છાઓ પણ પાઠવી હતી.
મહારાષ્ટ્રના ખૂણે ખૂણે સીએમ શિંદેના અસંખ્ય સમર્થકો છે. પરંતુ કામકાજ માટે વિદેશોમાં વસી રહેલાં યુવાનોમાં પણ તેમનો ક્રેઝ યથાવત છે, આ જ કારણસર ન્યૂ યોર્કમાં કામકાજ અર્થે સ્થાયી થયેલાં કેટલાક યુવાનોએ ન્યૂ યોર્કના ટાઈમ્સ સ્ક્વેયર ખાતે કેક કટ કરીને જન્મ દિવસની ઊજવણી કરીને વીડિયોના માધ્યમથી શુભેચ્છાઓ આપી હતી. આ યુવાનો થાણેના યુવાસેનાના કોર કમિટીના સભ્ય નીતિન લાંડગેના મિત્ર હોઈ તેમની પાસેથી કાયમ જ સીએમ શિંદે વિશેની વાતો સાંભળતા જ હોય છે. તેમની કામ કરવાની પદ્ધતિ, સંવેદનશીલતા અને કર્તવ્ય નિષ્ઠાને કારણે પહેલી જ વખત મિત્રોએ મળીને મુખ્ય પ્રધાનનો જન્મ દિવસ ટાઈમ્સ સ્ક્વેર ખાતે સેલિબ્રેટ કરવાનો નિર્ણય લીધો હતો.
અભિનવ જૈન, રાજીવ પંડ્યા, રૂચિતા જૈને સાત સમંદર પાર મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેનો જન્મ દિવસ ઊજવીને લોકોને ચોંકાવી દીધા હતા. એટલું જ નહીં પણ આ યુવાનોએ જન્મદિવસની શુભેચ્છા આપવા માટે બેનર્સ તૈયાર કરીને તે બેનર્સ ટાઈમ્સ સ્ક્વેર અને ગ્રાન્ડ સેન્ટ્રલ પર આ બેનર્સ પણ ચમકાવ્યા હતા.
આ સાથે જ સુમન દાભોલકર નામના આર્ટિસ્ટે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના જન્મદિવસ નિમિત્તે સ્ટોન આર્ટની મદદથી તેમના પ્રત્યેનો પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. સુમને પથ્થર પર કારિગરી દેખાડતા સીએમ એકનાથ શિંદેનો ચહેરો બનાવ્યો હતો.