મુંબઈઃ છેલ્લાં કેટલાય દિવસથી મુંબઈગરાની ચિંતાનું કારણ બની છે હવા. એ હવા કે જ્યાં તેઓ શ્વાસ લઈ રહ્યા છે, કારણ દિવસે દિવસે આ હવાની ગુણવત્તા કથળતી જ જઈ રહી છે. મુંબઈમાં હવા પ્રદૂષિત થતી જઈ રહી છે અને એ મુંબઈગરાની ચિંતાનું કારણ બની ગયું છે.
મળી રહેલી માહિતી મુજબ, મુંબઇ, નવી મુંબઈ, થાણે અને કલ્યાણ એમ ચારેય ઔદ્યોગિક ક્ષેત્રમાં જાન્યુઆરી મહિનામાં હવાની ગુણવત્તા કથળેલી જોવા મળી હતી. આ સમસ્યાના ઉકેલ લાવવા માટે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અને એ માટેના આવશ્યક આદેશ પણ તેમણે બીએમસી કમિશનરને આપ્યા છે.


મુંબઈમાં હવાની ગુણવત્તા સુધારવા માટે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મોટો નિર્ણય લીધો છે. તેમણે બીએમસી કમિશનરને દિલ્હી, ગુડગાંવ, લખનઉની જેમ જ મુંબઈમાં એર પ્યુરિફાયર ટાવર ઊભા કરવાના આદેશ આપ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે મુંબઈ મહાનગર પાલિકાનું બજેટ ચાર ફેબ્રુઆરીએ શનિવારના રજૂ કરવામાં આવશે.
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ બીએમસી કમિશનરને આ વર્ષના બજેટની તૈયારીમાં મુંબઈગરાના આરોગ્યની કાળજી લેવાની સાથે સાથે જ તેમને સરકારના સુશાસનનો અનુભવ આવે એ માટે મુંબઈગરાની વિવિધ સમસ્યાઓ અને ઉપાય યોજનાઓનો સમાવેશ કરવાની ભલામણ કરી છે.
મુખ્ય પ્રધાન શિંદેએ જણાવ્યું હતું કે મુંબઈમાં પ્રદૂષણ અને હવાની ગુણવત્તા પર નિયંત્રણ મેળવવા માટે દિલ્હી, ગુડગાંવ, લખનઉની જેમ જ મુંબઈમાં પણ એર પ્યુરિફાયર ટાવર્સ લગાવવા જોઈએ. શહેરીકરણ વધી રહ્યું છે ત્યારે આપણે શહેરમાં બની શકે એટલી વધુ હરિયાળી હોય એ તરફ પણ ધ્યાન આપવું જોઈએ અને એ દિશામાં પગલાં લેવા જોઈએ.
મુંબઈમાં પ્રદૂષિત હવાને શુદ્ધ કરવા માટે એર પ્યુરિફાયર બેસાડવામાં આવે. ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશરવાળા લોકોની ઘરે તપાસ કરવી જોઈએ. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આગામી બજેટમાં મ્યુનિસિપલ સ્કૂલોમાં કૌશલ્ય વિકાસ કેન્દ્રો, મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશનમાં પારદર્શિતા અને શહેરના બ્યુટિફિકેશન સ્થાપવા માટે બીએમસીને નિર્દેશ આપ્યા હોવાનું, બીએમસી કમિશનર ઈકબાલ સિંહ ચહલે જણાવ્યું હતું.