કલાઉડ બર્સ્ટ: વાદળ ફાટવાની વસમી વેળા

વીક એન્ડ

કવર સ્ટોરી-મુકેશ પંડ્યા

કમનસીબી એ છે કે થોડા સમયમાં મોટી ખુવારી સર્જી જતી આ ઘટનાની આગાહી થઇ શકતી નથી. જોકે આગામી વર્ષોમાં એ શક્ય બનશે ખરું
——————

૬ જુલાઈ ને બુધવારે હિમાચલ પ્રદેશના કુલુ જિલ્લામાં વાદળ ફાટવાથી ભારે વરસાદ આવતાં નવેસરથી પૂર આવ્યાં હતાં, જેમાં ઓછામાં ઓછા ૧૫ જણ તણાઇ ગયા હોવાનું કહેવાય છે. ગયા વર્ષે પણ હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટવાથી તારાજી સર્જાઇ હતી. વાદળ ફાટવાની કોઇ આગોતરી જાણ ન થતાં વધુ નુકસાન વેઠવાનો વારો આવતો હોય છે. શું છે આ વાદળ ફાટવાની ઘટના અને આગામી દિવસોમાં તેની આગાહી કેવી રીતે શક્ય બનશે એ આપણે જોઇએ.
અંગ્રેજીમાં જેને ક્લાઉડ બર્સ્ટ કહેવાય છે એ વાદળ ફાટવું એક ટેક્નિકલ શબ્દ છે. મોસમ વૈજ્ઞાનિકોના કહેવા અનુસાર જ્યારે એક જ જગ્યા પર એક જ સાથે અચાનક ખૂબ વરસાદ વરસી જાય તેને વાદળ ફાટ્યું એમ કહેવાય છે. આ વાતને સમજવા પાણીથી ભરેલા એક ફુગ્ગાનું ઉદાહરણ લઇ શકાય. જે રીતે પાણીથી ભરેલા ફુગ્ગાને કોઇ ટાંચણી મારે કે બીજા કોઇ પણ અવરોધથી એ ફૂટી જાય તો એક સાથે એક જ જગ્યા પર ઝડપથી પાણી પડવા લાગે છે એ જ રીતે ભેજથી ભરેલા વાદળ કોઇ અવરોધને કારણે એક જ જગ્યાએ રોકાય તો એમાં મોજૂદ પાણીનાં ઝીણાં ઝીણાં ટીપાં એકમેકમાં ભળી જાય છે. આનાથી વાદળનું ઘનત્વ (અર્થાત્ ગીચતા) વધી જાય છે. વાદળનું વજન પણ અચાનક આને કારણે વધી જતાં એ સ્થળ પર જ ફાટી પડે છે અને બધું પાણી અલગ અલગ જગ્યાએ વરસવાને બદલે એક જ જગ્યાએ વરસી પડે છે. જે જગ્યાએ વાદળ ફાટે છે ત્યાં તો પૂર જવી પરિસ્થિતિ નિર્માણ થાય છે.
પર્વતો પર કેમ ફાટે છે વાદળ? કેદારનાથની ઘટના યાદ છે?
બુધવારે હિમાચલ પ્રદેશમાં આવી ઘટના બની, કારણ કે પાણીથી ભરેલાં વાદળ પહાડોમાં ફસાઇ જાય છે. આ જ જગ્યા પર અચાનક જોરદાર વરસાદ વરસવા લાગે છે. હવે પર્વતો પર તો પાણી રોકાઇ ન રહે એટલે એ ઝડપથી નીચે તરફ વહેવા લાગે છે. રસ્તામાં જે આવે તેને વહાવીને લઇ જાય છે. આને કારણે જ મોટી તબાહી પણ જોવા મળે છે. વર્ષ ૨૦૧૩માં ઉત્તરાખંડના કેદારનાથમાં મચેલી તબાહીને તો કોઇ ભૂલી નહીં શકે. એ વખતે વાદળ ફાટવાથી કેદારનાથ ધામમાં જે ભારે વરસાદ પડ્યો હતો તેનાથી મંદાકિની નદીએ જાણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને જાનમાલની ખૂબ જ તારાજી થઇ હતી.
ગરમ હવાથી ટકરાય તો પણ વાદળ ફાટે, મુંબઈની ૨૬ જુલાઈની ઘટના યાદ છે?
હવે તમે ૨૬ જુલાઈ, ૨૦૦૫માં મુંબઈમાં વરસાદને લીધે જે ખાનાખરાબી સર્જાઇ હતી એ યાદ કરો. મુંબઈમાં તો કોઇ પર્વતો નથી છતાં આ શહેર પર વાદળ ફાટી પડ્યું હતું. વૈજ્ઞાનિકો કહે છે કે કોઇ પાણી ભરેલું વાદળ ગરમ હવાનો સ્પર્શ થાય તો પણ ફાટી પડે છે. જ્યારે મુંબઈમાં ૨૬ જુલાઇ, ૨૦૦૫માં વરસાદ પડ્યો ત્યારે વાદળ કોઇ નક્કર વસ્તુ કે પર્વત સાથે નહીં, પણ મુંબઈની ગરમ હવા સાથે ટકરાયાં હતાં.
ભારત અને વિશ્ર્વમાં બનેલી વાદળ ફાટવાની ઘટનાઓ
ભારતમાં બંગાળની ખાડી અને અરબી સમુદ્રથી ઊઠેલાં વાદળો જ્યારે ઉત્તર દિશા તરફ વધે છે તો તેમનું હિમાલયના ક્ષેત્રમાં ફાટવાનું જોખમ સૌથી વધુ રહેતું હોય છે. જ્યારે આ વાદળ હિમાલયથી ટકરાઇને ફાટે છે ત્યારે એક કલાકમાં ૭૫ મિ.મી.ના હિસાબે વરસાદ પડે છે. મતલબ કે લગભગ ત્રણ ઇંચ જેટલો વરસાદ એક કલાકમાં પડી જાય છે. ભારતમાં વાદળ ફાટવાની સૌથી વધુ ઘટનાઓ હિમાચલ પ્રદેશમાં બને છે. બુધવાર, ૬ જુલાઈએ પણ ફરી એક વાર આ ઘટના બની. આવી જ ઘટના ૨૬ જુલાઈએ મુંબઈમાં બની ત્યારે પૂરું શહેર જળબંબાકાર બની ગયું હતું. એક જ દિવસમાં ૯૪૪ મિ.મી. અર્થાત્ લગભગ ૩૭ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો જે મુંબઈ માટે વિશ્ર્વ વિક્રમ છે. વિચાર કરો મુંબઈમાં ચોમાસાના ચાર મહિના દરમ્યાન કુલ વરસાદ સરેરાશ ૨,૨૦૦ મિ.મી. પડે છે. હવે એના અડધાથી થોડો ઓછો મતલબ ૪૨ ટકા જેટલો વરસાદ માત્ર એક જ દિવસમાં પડ્યો હતો. આવી જ ઘટના પાકિસ્તાનના કરાચી શહેરમાં પણ ૧૮ જુલાઈ, ૨૦૦૫માં બની હતી, જ્યાં ફક્ત બે કલાકમાં ૨૫૦ મિ.મી. વરસાદ પડ્યો હતો. ૬ ઓગસ્ટ, ૨૦૧૦માં ભારતના લદાખ ક્ષેત્રના લેહ શહેરમાં પણ વાદળો ફાટવાથી પૂરું લેહ શહેર બરબાદ થઈ ગયું હતું. આ ઘટનામાં ૧૧૫ લોકો મૃત્યુ પામ્યા હતા તો ૩૦૦થી વધુ ઇજાગ્રસ્ત થયા હતા.
માત્ર ભારત જ નહીં, વિશ્ર્વમાં ઘણી જગ્યાએ આવી ઘટનાઓ ઘટી છે. ૨૯ નવેમ્બર, ૧૯૧૧માં પાંચ મિનિટમાં ૬૧.૭૨ મિ.મી. તો ૧૨ મે, ૧૯૧૬ના દિને પ્લમ્બ પોઇન્ટ, જમૈકામાં ૧૫ મિનિટમાં ૧૯૮.૧૨ મિ.મી. વરસાદ પડ્યો હતો. ૭ જુલાઈ, ૧૯૪૭માં રોમાનિયામાં ૨૦ મિનિટમાં ૨૦૫.૭૪ મિ.મી. તો વર્જિનિયા, અમેરિકામાં ૪૦ મિનિટમાં ૨૩૪.૯૫ મિ.મી. વરસાદ નોંધાયો હતો.
વાદળ ફાટવાની આગાહી થઇ શકે?
નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે આ એક એવી કુદરતી આપત્તિ છે જેની આગાહી હાલના સંજોગોમાં તો શક્ય નથી બની. આનાં કારણો આપતાં તેઓ કહે છે કે દેશના કોઇ ખૂણે મોટે ભાગે પર્વતીય વિસ્તારોમાં આવી ઘટનાઓ બનતી હોય છે. બહુ જ નાના વિસ્તારોમાં થોડી ક્ષણોમાં જ આ ઘટના ઘટી જતી હોય છે. જો એક જ કલાકની અંદર ૧૦૦ મિ.મી. જેટલો વરસાદ વરસી જાય તો આવી ઘટનાને વાદળ ફાટવાની ઘટના કહી શકાય, પણ વાદળ ફાટ્યા પછીનું ડહાપણ શું કામનું? જો વાદળ ફાટ્યા પહેલાં તેની જાણ થઇ શકે તો જાનમાલની ખુવારી રોકી શકાય. કાશ! વાવાઝોડા કે ભારે-હળવા વરસાદની આગાહીની જેમ ક્લાઉડ બર્સ્ટની આગાહી પણ થઇ શકતી હોત તો કેવું સારું એ સહુ વિચારતા હતા, પરંતુ અત્યાર સુધી અશક્ય રહેલી આ બાબત હવે શક્ય બનશે ખરી. ભારતની મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સે એવી બાંયધરી આપી છે કે આગામી વર્ષોમાં વાદળ ફાટવાની આગાહી ૪૮ કલાક અગાઉ કરી શકાશે. હાલ ભારતના હવામાન ખાતા પાસે ૧૦ પેટાફ્લોપ્સની ક્ષમતાવાળી હાઇ પર્ફોર્મન્સ કોમ્પ્યુટિંગ સિસ્ટમ છે તે ૨૦૨૨ના અંત સુધીમાં ૪૦ પેટાફ્લોપ્સ થશે અને ૨૦૨૪ના અંત સુધીમાં ૧૦૦ પેટાફ્લોપ્સની ક્ષમતા થઇ જશે. આ ક્ષમતા વધતાં કમસે કમ બે દિવસ અગાઉ વાદળ ફાટવાની આગાહી પણ થઇ શકશે. જો આ શક્ય બને તો આપણે આગોતરાં પગલાં લઇ શકીએ અને થોડી જ ક્ષણોમાં મોટી ખુવારી સર્જાઇ જાય છે એને રોકી શકાય કે ઓછી તો જરૂર કરી શકાય.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.