મોદીને ફરી ક્લીન ચીટ, યે તો હોના હી થા

એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ

ગુજરાતમાં ૨૦૦૨માં થયેલાં કોમી રમખાણો ફરી ચર્ચામાં છે પણ આ વખતે કારણ જુદું છે. અત્યાર લગી રમખાણોની ચર્ચા નરેન્દ્ર મોદીના વિરોધીઓ તેમને ભાંડવા માટે કરતા હતા. આ વખતે ગુજરાત રમખાણ કેસમાં સુપ્રીમ કોર્ટે મોદીને ક્લિન ચીટ આપી તેના કારણે આ કેસ ચર્ચામાં છે. ગુજરાતનાં રમખાણોના મામલે મોદીને ગુનેગાર ઠેરવવા ભૂતપૂર્વ સાંસદ ઝાકિયા જાફરી આદુ ખાઈને પડેલાં.
સુપ્રીમ કોર્ટે રચેલી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (સીટ)એ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ક્લીન ચીટ આપી હતી પણ ઝાકિયાએ આ રિપોર્ટ સામે અરજી કરેલી. આ અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે ને કાયમ માટે મોદીને ગુનેગાર ઠેરવવાના ઉધામા પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. ૭૨ વર્ષના અહસાન જાફરી કૉંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ સાંસદ હતા. ૨૦૦૨નાં રમખાણો વખતે અમદાવાદની ગુલબર્ગ સોસાયટીમાં ઉશ્કેરાયેલા લોકોએ જાફરીને તેમના ઘરમાંથી બહાર ખેંચી કાઢીને મોતને ઘાટ ઉતાર્યા હતા તેથી ઝાકિયા બે દાયકાથી લડ્યા
કરે છે.
ઝાકિયા જાફરી વરસોથી રમખાણોના કેસમાં નરેન્દ્ર મોદી દોષિત છે એવી વાતો કર્યા કરે છે. મોદીએ જ મુસ્લિમોની કત્લેઆમ કરાવેલી એવા આક્ષેપ સાથે એ કોર્ટેમાં
અરજીઓ ઠોક્યા કરે છે ને તેના ભાગરૂપે જ આ અરજી કરાયેલી. આ બધું વરસોથી ચાલે છે ને ૨૦૧૭માં ગુજરાત હાઈ કોર્ટે એ બધી અરજીઓનો ડૂચો કરીને મોદીને ક્લીન ચીટ પણ અ
ાપી દીધેલી.
આપણે ત્યાં ન્યાયતંત્રમાં કેસ ઝડપથી થતાં જ નથી કેમ કે એક કોર્ટ ચુકાદો આપે તેની સામે ઉપલી કોર્ટમાં જવાનો રસ્તો ખુલ્લો હોય છે. સુપ્રીમ કોર્ટ ચુકાદો આપે તો તેની સામે પણ અપીલ થઈ શકે છે. આ વ્યવસ્થાનો લાભ લઈને ગુજરાત હાઈ કોર્ટે મોદીને ક્લીન ચીટ આપી પછી ઝાકિયા જાફરી સુપ્રીમ કોર્ટમાં પહોંચીને હાઈ કોર્ટના ચુકાદાને પડકારેલો. સુપ્રીમ કોર્ટમાં અગિયાર મહિના પછી ઝાકિયાબેનની અરજીનો નંબર આવ્યો હતો ને બધી દલીલો સાંભળ્યા પછી ચાર વરસના અંતે એ જ ચુકાદો આવ્યો છે કે જે હાઈ કોર્ટે આપ્યો હતો.
ઝાકિયા જાફરી હવે શું કરશે એ ખબર નથી પણ ઝાકિયાબેને હવે આ કેસને પડતો મૂકવાની જરૂર છે. ઝાકિયાના પતિ હત્યાકાંડમાં માર્યા ગયેલા ને તેમણે પોતાના પરિવારને તેમાં ગુમાવ્યો છે તેથી તેમનો આક્રોશ સમજી શકાય એવો છે.
ગુલબર્ગ હત્યાકાંડ ૨૮ ફેબ્રુઆરી, ૨૦૦૨ના રોજ થયેલો તેમાં ટોળાએ અહેસાન જાફરી સહિત ૩૫ લોકોને જીવતા સળગાવીને મારી નાંખેલા તેમાં તેમનાં બીજા પરિવારજનો પણ હતાં. ગંભીર રીતે ઘાયલ થયેલામાંથી ૪ લોકો હૉસ્પિટલમાં મોતને ભેટેલાં. બીજાં ૩૧ લોકો ગાયબ થયેલાં ને તેમની કદી ભાળ ના મળી. એ રીતે આ હત્યાકાંડમાં મૃત્યુઆંક ૬૯ પર પહોંચેલો.
ઝાકિયાએ જે ગુમાવ્યું તેનું કોઈ રીતે વળતર શક્ય નથી તેથી તેમના માટે સહાનુભૂતિ પણ થાય. તેમને ન્યાયનો હક છે તેમાં પણ શંકા નથી પણ ઝાકિયાબેને ન્યાયની લડતને મોદી સામેની અંગત લડત બનાવી દીધી એ તકલીફ છે. આ રમખાણો માટે નરેન્દ્ર મોદી જ દોષિત છે ને તેના માટે તેમને સજા થવી જોઈએ એવું પૂછડું ઝાલીને એ બેસી ગયાં છે.
આ કાનૂની લડતમાં તેમને વારંવાર પછડાટ પણ મળી છે ને છતાં એ ઝાલેલી વાતનો તંત છોડવા રાજી નથી. આ મામલામાં કશું થઈ શકે તેમ જ નથી એ બહું પહેલાં નક્કી થઈ ગયું છે ને છતાં એ નરેન્દ્ર મોદી સામે મોરચો માંડીને બેસી ગયાં છે. મોદીને બદનામ કરવા માગતાં પરિબળોએ તેમને હાથો
બનાવ્યાં છે.
ઝાકિયા જાફરીએ ૨૦૦૬માં નરેન્દ્ર મોદી તથા બીજા ૬૨ લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. આ ૬૨ લોકોમાં મોદી સરકારના પ્રધાનોથી માંડીને પોલીસ અધિકારીઓ સુધીના ધુરંધરો હતા. પોલીસે મોદી કે બીજા કોઈ સામે એફઆઈઆર ના નોંધી પછી ઝાકિયા કોર્ટમાં ગયાં ને જંગ શરૂ કર્યો. ત્રણ વર્ષની મહેનત પછી ૨૦૦૯માં આ કેસની તપાસ કરવાના આદેશો અપાયા. આ તપાસનો આખો ઈતિહાસ ઉખેળવાનો સમય નથી પણ ૨૦૦૯માં ગુજરાતમાં રમખાણોના ૧૦ કેસોની તપાસ કરવા સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (સીટ) બનાવવા ફરમાન સુપ્રીમ કોર્ટે કર્યું તેના એક વર્ષ પછી સીટે નરેન્દ્ર મોદીની પૂછપરછ કરાઈ હતી. રમખાણોના કેસમાં કોઈ મુખ્યમંત્રીની પૂછપરછ થાય એવું પહેલી વાર બનેલું.
આ સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે બીજાં લોકોની પણ પૂછપરછ કરી હતી. વચ્ચે વચ્ચે જાતજાતના વાંધાવચકા આવ્યા ને છેવટે માર્ચ ૨૦૧૨માં સુપ્રીમ કોર્ટને રિપોર્ટ સોંપ્યો કે જેમાં અહેસાન જાફરીએ ટોળાને ઉશ્કેર્યું હોવાનું તારણ રજૂ કરેલું. મોદીને સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ દ્વારા ક્લિન ચીટ આપવામાં આવી હતી. મોદી સામેના કેસમાં દમ નથી ને તેમાં કશું ફીણવાનું નથી તેવો રિપોર્ટ અપાયેલો. ઝાકિયા જાફરી આ રિપોર્ટ નહીં સ્વીકારવા ને નવેસરથી તપાસ કરાવવા મથ્યા કરે છે પણ મેળ પડતો નથી. હવે સુપ્રીમ કોર્ટે તેમની અરજીને ફગાવીને ફરી સ્પષ્ટ કર્યું છે કે, મોદી પર દોષારોપણ થઈ શકે તેમ જ નથી.
સુપ્રીમ કોર્ટે આ અરજી ફગાવી છે કેમ કે અત્યાર સુધી ઝાકિયા કે બીજું કોઈપણ કોર્ટમાં એવા પૂરાવા જ રજૂ કરી શક્યું નથી કે જેના કારણે આ રમખાણો કાવતરું હતું એવું સાબિત થાય. ગુજરાત પોલીસે આ કેસની તપાસ કરી, મોદીની ઉલટતપાસ થઈ, સુપ્રીમ કોર્ટે નીમેલી સીટ દ્વારા પણ વરસો સુધી તપાસ કરાઈ ને એ પછી દળી દળીને ઢાંકણીમાં જેવો જ ઘાટ થયો છે.
આ તોફાનો મોદીના ઈશારે થયાં હોવાના આક્ષેપો ઝાકિયા કર્યાં કરે છે પણ ઝાકિયા કશું સાબિત કરી શક્યાં નથી, કોઈ નક્કર પુરાવા નથી આપી શક્યા. તેનું કારણ એ કે, એવા કોઈ પૂરાવા જ નથી. ગુજરાતનાં રમખાણો ગોધરામાં સાબરમતી ઍક્સપ્રેસના ડબ્બા સળગાવી દેવાયા તેના રીએક્શન રૂપે ફાટી નિકળેલાં ને તેમાં કાવતરાની વાત જ નથી આવતી.
સુપ્રીમ કોર્ટે સાફ શબ્દોમા કહ્યું છે કે, મુદ્દાને ગરમ રાખવા માટે અરજીઓ કરાય છે, બાકી ગુણવત્તાના ધોરણે આ અરજીઓ ટકે એમ જ નથી. ઝાકિયા આ વાત સમજે તો સારું.

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.