બારમા ધોરણનું ગણિતનું પ્રશ્ર્નપત્ર લીક

30

અહમદનગરની કૉલેજના પ્રિન્સિપાલ, શિક્ષક સહિત પાંચની ધરપકડ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બારમા ધોરણનું ગણિતનું પ્રશ્ર્નપત્ર લીક કરવા પ્રકરણે મુંબઇ ક્રાઇમ બ્રાન્ચે અહમદનગરની કોલેજના પ્રિન્સિપાલ અને બે શિક્ષક સહિત પાંચની ધરપકડ કરી હતી.
આરોપીઓ અહમદનગરની માતોશ્રી ભાગોબાઇ ભાંબરે એગ્રિકલ્ચર એન્ડ સાયન્સ કોલેજ સાથે સંકળાયેલા હોઇ તેમની ઓળખ પ્રિન્સિપાલ ભાઉસાહેબ લોભાજી અમૃતે (૫૪), શિક્ષિકા કિરણ સંદીપ દીઘે (૨૮), શિક્ષક સચિન દત્તાત્રય મહાનોર (૨૩), અર્ચના બાબાસાહેબ ભાંબરે (૨૩) અને ચાલક વૈભવ સંજય તરટે (૨૯) તરીકે થઇ હતી. પાંચેયને કોર્ટમાં હાજર કરાતાં તેમને ૧૩ માર્ચ સુધીની પોલીસ કસ્ટડી ફટકારાઇ હતી.
દાદર પશ્ર્ચિમમાં આવેલી ડો. એન્ટિનિઓ ડાસિલ્વા હાઇસ્કૂલ એન્ડ જુનિયર કોલેજમાં પરીક્ષા કેન્દ્ર ૩૩૦૨માં ૩ માર્ચના રોજ પરીક્ષા દરમિયાન એક વિદ્યાર્થી પાસે મોબાઇલ મળી આવ્યો હતો. આથી તપાસ કરતાં પરીક્ષા શરૂ થવા પૂર્વે અને પ્રશ્ર્નપત્ર વહેંચવા અગાઉ તેના વ્હૉટ્સઍપ પર ગણિતનું પ્રશ્ર્નપત્ર અને તેના ઉત્તરો મળી આવતાં એક્ઝામ સેન્ટરના સુપરવાઇઝરે શિવાજી પાર્ક પોલીસનો સંપર્ક સાધ્યો હતો. પોલીસે આ પ્રકરણે ગુનો દાખલ કર્યો હતો અને તેની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી.
પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે અહમદનગરથી વ્હૉટ્સઍપ દ્વારા પેપર મોકલાયું છે. આથી વરિષ્ઠ અધિકારીના માર્ગદર્શન હેઠળ પોલીસની બે ટીમ તૈયાર કરીને તેને અહમદનગર મોકલવામાં આવી હતી. પોલીસે ત્યાં પ્રશ્ર્નપત્રું મેન્યુઅલી રિવર્સ સર્ચ લઇ બારમા ધોરણના અનેક વિદ્યાર્થીઓની પૂછપરછ કરી હતી અને તેમના મોબાઇલ તપાસ્યા હતા. બાદમાં ત્યાંની કોલેજમાં જઇને તપાસ કરી હતી અને ગુનામાં સંડોવાયેલા પાંચ જણની ધરપકડ કરવામાં આવી હતી, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું
પોલીસના જણાવ્યા મુજબ કોલેજ દ્વારા કસ્ટડી કેન્દ્રમાંથી પ્રશ્ર્નપત્ર લાવવાની જવાબદારી આરોપી કિરણ દીઘે, વૈભવ તરટે અને સચિન મહાનોરને સોંપવામાં આવી હતી. આરોપીઓએ પ્રશ્ર્નપત્ર લાવવા સમયે વાહનમાં પેકેટ્સ ફોડીને તેમાંથી પ્રશ્ર્નપત્રના ફોટા પાડી પાડ્યા હતા અને તે અર્ચના અર્ચના ભાંબરેને મોકલ્યા હતા. અર્ચના પ્રશ્ર્નોના ઉત્તરો તૈયાર કરીને વિદ્યાર્થીઓને માહિતી આપતી અને પૈસા આપનારા વિદ્યાર્થીઓને મોબાઇલ પર ફોટા મોકલી દેતી હતી. જેમાં પ્રત્યેકી રૂ. ૧૦ હજાર લેવામાં આવતા હતા. પ્રિન્સિપાલ પ્રશ્ર્નપત્રનું પેકેટ ફોડેલું હોવા છતાં તે વ્યવસ્થિત છે એવું બતાવવા માટે તેની પર સહી કરી દેતો હતો.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!