ઝારખંડના પલામુના પંકીમાં બે સમુદાયો વચ્ચે અથડામણ થતાં વાતાવરણ ગરમાયું છે. પંકી બ્લોકમાં જ્યાં આ ઘટના બની હતી ત્યાં કલમ 144 લાગુ કરીને પરિસ્થિતિને કાબુમાં લાવવામાં આવી છે. ઘટનાને કારણે થયેલા નુકસાનની તસવીરો સામે આવી છે. પંકીની મસ્જિદને અડીને આવેલા ચોકમાં તોરણ લગાવવાને લઈને થયેલા વિવાદ વચ્ચે બે ઘરોને આગ ચાંપી દેવામાં આવી હતી, જ્યારે અડધો ડઝન દુકાનોમાં તોડફોડ કરવામાં આવી હતી.
અથડામણ દરમિયાન વાહનોને પણ નુકસાન થયું છે. ઘટના બાદ પોલીસે સમગ્ર વિસ્તારને છાવણીમાં ફેરવી દીધો છે. બંને પક્ષના લોકો ઉપરાંત પોલીસ જવાનો પણ ઘાયલ થયા છે. જેની સારવાર પલામુ મેડિકલ કોલેજમાં થઈ રહી છે.
પોલીસે બંને પક્ષના કેટલાક ઉપદ્રવીઓને કસ્ટડીમાં લીધા છે, લોકોની પૂછપરછ ચાલી રહી છે. સાથે જ મામલાની તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે. પોલીસ અધિકારીઓએ લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે.
પોલીસ અધિકારીએ કહ્યું કે, ઉપદ્રવીઓએ પથ્થરમારો કર્યો, આગ લગાવી અને 2-3 ઘરોને આંશિક રીતે સળગાવી દીધા. પોલીસના 2 વાહનોને નુકસાન થયું છે. 4 પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા છે. આ વિસ્તારમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે અને ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી છે. લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ કરવામાં આવી છે.