અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં લાઈન ઓફ એક્ચુઅલ કંટ્રોલ(LAC) પર ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે અથડામણ બાદ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણ અને ત્રણેય સેના પ્રમુખો સાથે રક્ષાપ્રધાન રાજનાથ સિંહે આ ઘટના અંગે વિગતવાર ચર્ચા કરી હતી. આ મુદ્દે સંસદમાં પણ હોબાળો થવાની સંભાવના છે. કોંગ્રેસ વડાપ્રધાન મોદી પાસે જવાબ માંગી રહી છે. રાજનાથ સિંહ બપોરે સંસદમાં જવાબ આપશે.
સૂત્રોએ આપેલા અહેવાલ મુજબ રક્ષા પ્રધાન રાજનાથ સિંહ બપોરે 12 વાગ્યે લોકસભામાં અને 2 વાગ્યે રાજ્યસભામાં ભારત-ચીન સૈનિકો વચ્ચે અથડામણના મુદ્દે જવાબ રજુ કરશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA)ના સૈનિકો 9 ડિસેમ્બરે LAC પર જોવા મળ્યા હતા. ભારતીય સૈન્યના જવાનોએ ચીની સેનાને પીછેહઠ કરવા કહ્યું અને તેમને આગળ વધતા અટકાવ્યા. ત્યાર બાદ અથડામણ થતા બંને પક્ષોના સૈનિકોને ઈજાઓ થઈ હતી. અથડામણ બાદ તરત જ બંને પક્ષો પોતપોતાના વિસ્તારમાં પરત ફર્યા હતા. ભારતીય સૈન્યના 20 સૈનિકો ઘાયલ થયા છે.
આ ઘટના બાદ ભારતીય સ્થાનિક કમાન્ડરે ચીનીના કમાન્ડર સાથે ફ્લેગ મીટિંગ કરી હતી અને પૂર્વ-આયોજિત વ્યવસ્થા હેઠળ શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત કરવા પર ચર્ચા કરી હતી.