કોંગ્રેસમાં ગૃહ યુદ્ધ: ગુલામ નબી આઝાદ સાથે મુલાકાત કરવા બદલ ભુપેન્દ્ર સિંહ હુડ્ડા પર પાર્ટી વિરોધી ગતિવિધિઓના આરોપ

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

અંગેજ શાસનની બેડીઓમાંથી દેશને આઝાદ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર અને વર્ષો સુધી આઝાદ ભારત પર સત્તામાં રહેલી કોંગ્રેસ પાર્ટી હાલ અસ્તિત્વનો જંગ લડતી હોય એવું લાગે છે. પાર્ટીમાં જ ગૃહ યુદ્ધની શરૂઆત થઇ ગઈ છે. રાષ્ટ્રીય કોંગ્રેસના(Indian Nationa Congress) વરિષ્ઠ નેતા કુમારી સેલજાએ(Jumari Selja) હરિયાણામાં વિપક્ષના નેતા અને પૂર્વ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર સિંહ હુડ્ડા(Bhupinder Hooda) પર પાર્ટી વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થવાનો આરોપ લગાવ્યો છે. તેમણે પાર્ટીમાંથી રાજીનામું આપનાર વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદને(Ghulam Nabi Azad) મળવા અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે જે વ્યક્તિ પાર્ટીમાંથી બહાર થયા પછી પાર્ટીના નેતાઓની ટીકા કરે છે, આખરે હુડ્ડાના તેમની સાથે શું સંબંધ છે. કુમારી સેલજાએ હુડ્ડા પર પાર્ટી નેતૃત્વને ગેરમાર્ગે દોરવાનો આરોપ પણ લગાવ્યો છે.
નોંધનીય છે કે બે દિવસ પહેલા કોંગ્રેસ નેતા ભુપેન્દ્ર સિંહ હુડ્ડા ગુલામ નબી આઝાદને મળવા ગયા હતા. હુડ્ડા ઉપરાંત G-23માં રહેલા આનંદ શર્મા અને પૃથ્વીરાજ ચવ્હાણ પણ આઝાદને મળવા આવ્યા હતા. હરિયાણા કોંગ્રેસના અધ્યક્ષ રહી ચૂકેલા કુમારી સેલજાએ આ મુદ્દે ભુપેન્દ્ર સિંહ હુડ્ડા પર પ્રહારો કર્યા છે. તેમણે આ મામલે પાર્ટી હાઈકમાન્ડને પત્ર પણ લખ્યો છે અને હુડ્ડા પાસેથી આ મામલે જવાબ માંગ્યો છે.
કુમારી સેલજાએ આ મામલે ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી હરિયાણાના પ્રભારી વિવેક વાંસલ સામે પણ આ મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે હુડ્ડાનું આ કાર્ય તેમની પ્રોફાઇલ પ્રમાણે યોગ્ય નથી અને તેઓ પાર્ટી કાર્યકર્તાઓને નિરાશ કરશે.
તાજેતરમાં કોંગ્રેસ પાર્ટી છોડનાર વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે હવે પોતાની અલગ પાર્ટી બનાવવાની જાહેરાત કરી છે. તેમણે પાર્ટી છોડતી વખતે કોંગ્રેસ નેતૃત્વ પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધીના તમામ નિર્ણયો તેમના સુરક્ષાકર્મીઓ દ્વારા લેવામાં આવે છે. ત્યારથી કોંગ્રેસ પાર્ટીના તમામ નેતાઓ ગુલામ નબી આઝાદ પર પ્રહારો કરી રહ્યા છે અને તેમના પર અલગ અલગ પ્રકારના આરોપો લગાવવામાં આવી રહ્યા છે.
હરિયાણાના પૂર્વ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર સિંહ હુડ્ડા પણ G-23 જૂથના સભ્ય છે. અન્ય નેતાઓ સાથે મળીને તેમણે વર્ષ 2020માં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખીને સંગઠનની ચૂંટણી કરવાની માંગ કરી હતી. એટલું જ નહીં, હુડ્ડાએ આનંદ શર્મા સહિત અન્ય નેતાઓ સાથે મુલાકાત કરીને જી-23ના ભવિષ્ય અંગે પણ ચર્ચા કરી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.