મેટ્રો-૩ના સ્ટેશનથી મંત્રાલય-વિધાનભવનને જોડનારા સબ-વે સામે પોલીસનો વિરોધ

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

આતંકવાદી હુમલા અને દેખાવકારોનું સંકટ હોવાનું તારણ

યોગેશ સી. પટેલ

મુંબઈ: દક્ષિણ મુંબઈમાં બનનારા મેટ્રો-૩ના સ્ટેશનથી મંત્રાલય-વિધાનભવન અને નરીમાન પોઈન્ટને જોડતા પ્રસ્તાવિત સબ-વે સામે મુંબઈ પોલીસે જ વિરોધ દર્શાવ્યો છે. મંત્રાલય-વિધાનભવનની સુરક્ષાને ધ્યાનમાં લઈ મુંબઈ પોલીસે તૈયાર કરેલો સિક્યોરિટી ઓડિટ રિપોર્ટ સંબંધિત વિભાગમાં રજૂ કરાયો હતો, જેમાં આતંકવાદી હુમલા અને દેખાવકારોના સંકટને પગલે પ્રસ્તાવિત સબ-વેની સુરક્ષા સામે સવાલ ઉઠાવવામાં આવ્યા હતા.
આધારભૂત સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સ્થાનિક પોલીસ અને ઝોનલ ડીસીપી દ્વારા તૈયાર કરાયેલો ઓડિટ રિપોર્ટ બુધવારે મુંબઈ પોલીસ અને એમએમઆરસીએલ (મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ)ને સોંપવામાં આવ્યો હતો. આ અહેવાલમાં પ્રસ્તાવિત સબ-વે સામે વિરોધ દર્શાવવા માટે પોલીસ દ્વારા કેટલાંક કારણો રજૂ કરવામાં આવ્યાં છે.
મેટ્રો-૩ના મંત્રાલય પાસેના સ્ટેશનથી અંદાજે ૧૦૦ કરોડ રૂપિયાના ખર્ચે મંત્રાલય-વિધાનભવન અને નરીમાન પોઈન્ટને જોડતો સબ-વે બનાવવાનું પ્રસ્તાવિત છે. આ સબ-વે માટે તાજેતરમાં મુંબઈ પોલીસ દ્વારા સિક્યોરિટી ઓડિટ કરવામાં આવ્યું હતું. રિપોર્ટમાં જણાવાયું છે કે વિદેશના સબ-વેમાં પણ આતંકવાદી હુમલા થયાની ઘટનાઓ બની છે. એ સિવાય અગાઉ પણ દક્ષિણ મુંબઈમાં આતંકવાદી હુમલા થઈ ચૂક્યા છે. વળી, મંત્રાલય, વિધાનભવન આતંકવાદીઓના હિટ લિસ્ટમાં વર્ષોથી છે. આ બાબતોને ધ્યાનમાં લેતાં સુરક્ષાની દૃષ્ટિએ મેટ્રો સ્ટેશન સાથે મંત્રાલય અને વિધાનભવનની હાઈ સેન્સિટિવ ઈમારતોને સાંકળતો સબ-વે જોખમી બની શકે છે.
સબ-વેના વિરોધ માટે એક કારણ દેખાવકારોનું પણ રજૂ કરાયું છે. મોટી સંખ્યામાં દેખાવકારો મંત્રાલય તરફ ધસી આવે તો આવા સંજોગોમાં સુરક્ષા જાળવવી મુશ્કેલ બની શકે છે, એવું મુંબઈ પોલીસનું કહેવું છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.