જમ્મુ કાશ્મીરની બદલતી તસવીર, સિનેમા હૉલની વાપસી

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

કલમ 370 અને 35A હટાવ્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં લોકો હવે સિનેમા હૉલમાં ફિલ્મોની મઝા પણ માણી શકશે. જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ રવિવારે પુલવામા અને શોપિંયામાં બે સિનેમા હોલનું ઉદ્ઘાટન કર્યું હતું. હવે ટૂંક સમયમાં અનંતનાગ, શ્રીનગર, બાંદીપોરા, ગાંદરબલ, ડોડા, રાજૌરી, પૂંચ, કિશ્તવાડ અને રિયાસીમાં પણ સિનેમાહોલ ખોલવામાં આવશે. સપ્તાહથી આ બંને મલ્ટિપ્લેક્સમાં લોકો મોટા પડદા પર સિનેમાની મજા માણી શકશે. આ બંને સિનેમાહોલમાં સૌથી પ્રથમ ‘આરઆરઆર’ અને ‘લાલ સિંહ ચઢ્ઢા’ ફિલ્મ પ્રદર્શિત કરવામાં આવશે.
નોંધનીય છે કે આજથી 32 વર્ષ પહેલા ઇસ્લામવાદીઓના ફતવાઓને કારણે જમ્મુ અને કાશ્મીરમાં સિનેમાઘરો બંધ કરી દેવામાં આવ્યા હતા અને ફિલ્મો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ઇસ્લામવાદી ફતવાઓમાં આવા કોઈપણ ઑડિયો-વિઝ્યુઅલ મનોરંજનને “હરામ” ગણાવવામાં આવ્યા હતા.
1990 માં J&K માં ઇસ્લામિક આતંકવાદની શરૂઆત પહેલાં , ખીણમાં શ્રીનગર, અનંતનાગ, બારામુલ્લા, સોપોર, હંદવાડા અને કુપવાડામાં 19 ફિલ્મ હોલ હતા, જે હાલમાં ખંડેર અવસ્થામાં છે અથવા તો અન્ય વ્યાપારી હેતુઓ માટે તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એકલા શ્રીનગરમાં જ બોલીવૂડ ફિલ્મો દર્શાવતા 10 સિનેમાહૉલ હતા.
1999માં, ફારુક અબ્દુલ્લા સરકારે રીગલ, નીલમ અને બ્રોડવેને ફિલ્મોનું શૂટિંગ શરૂ કરવાની મંજૂરી આપીને સિનેમા થિયેટરોને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, રીગલ સિનેમામાં પ્રથમ શો દરમિયાન આતંકવાદી હુમલો થયો હતો, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય 12 લોકો ઘાયલ થયા હતા. આતંકવાદીઓએ ત્રણ શક્તિશાળી હેન્ડ ગ્રેનેડ વડે સિનેમા હોલ પર હુમલો કર્યો હતો અને પરિણામે થિયેટરોને ફરી એકવાર તાળાં લાગી ગયા હતા.
બે વર્ષ પહેલાં BJP-PDP શાસન દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં સિનેમા હૉલને ફરીથી ખોલવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ હુર્રિયત નેતા સૈયદ અલી શાહ ગિલાની અને ખીણના અન્ય ઇસ્લામવાદીઓએ સિનેમાઘરોને ફરીથી ખોલવાના પ્રયાસનો વિરોધ કરતા વાત આગળ વધી શકી નહોતી.
હવે જમ્મુ અને કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી બંધારણની કલમ 370 અને 35A હટી ગઇ છે ત્યારે ફરી એક વાર અહીં લોકો માટે ફિલ્મો જોવાનો માર્ગ મોકળો થયો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.