ચર્ચગેટ સ્ટેશનનું નામ બદલીને જેમનું નામ રાખવાની ચર્ચા થઈ રહી છે તે બહુમુખા દેશમુખ

101

કવર સ્ટોરી -મુકેશ પંડ્યા

ચિંતામણરાવ દ્વારકાનાથ દેશમુખ અર્થાત: સી.ડી. દેશમુખે ખરેખર તેમની બહુમુખી પ્રતિભાને કારણે તેમની કારકિર્દી અને ભારતીય રાજકારણમાં પ્રગતિની સીડીને સડસડાટ આંબી લીધી હતી.
૧૮૯૬માં મકર સંક્રાંતિ (૧૪ જાન્યુઆરી) ના દિને મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં જન્મેલા ચિંતામણરાવ ભણવામાં ખૂબ ખૂબ હોંશિયાર. ૧૯૧૨માં તે વખતની મેટ્રિક (૧૧માધોેરણ) માં વિક્રમજનક માર્કસ સાથે પાસ થનાર દેશમુખને જગન્નાથ શંકર શેટ સ્કોલરશિપથી નવાજવામાં આવ્યા હતા; ૧૯૧૫માં તેઓ ગ્રેજ્યુએટ થવા માટે ઇંગ્લેન્ડ ગયા.
૧૯૧૭માં તેમણે પ્રાકૃતિક વિજ્ઞાનની ડિગ્રી મેળવી’ માત્ર ડિગ્રી નહી પણ બોટનીના વિષયમાં ઍવોર્ડ પણ મેળવ્યો. ૫ણ આટલાથી જ માને એ દેશમુખ શાના?
હાલ સનદી અધિકારી બનવા આઇએએસ (ઇન્ડિયન એડમિનિસ્ટ્રેશન સર્વિસ)ની પરીક્ષાઓ લેવાય છે તેવી પરીક્ષાઓ અંગેજોના સમયમાં માત્ર લંડનમા લેવાતી જે આઇસીએસ (ઇન્ડિયન સિવિલ સર્વિસ)ના નામે ઓળખાતી. ૧૯૧૮માં દેશમુખે આ પરીક્ષા પણ આપી અને પાછી પ્રથમ ક્રમાંકે પાસ કરી.
જીવવિજ્ઞાનથી માંડીને મેનેજમેન્ટ સુધીના દરેક વિષયમાં પારંગત આ બહુમુખી પ્રતિભાએ ૧૯૨૦માં ભારત પરત ફરી દિલ્હી ખાતેના અનેક કેન્દ્રિય મંત્રાલયોમાં વિવિધ સુંદર કામગીરી બજાવી. ૧૯૩૧માં જ્યારે બીજી ગોળમેજી પરિષદ ભરાઈ ત્યારે તેમની નિયુક્તિ આ પરિષદના જનરલના સેક્રેટરી તરીકે થઈ હતી.
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના પ્રથમ ભારતીય ગવર્નર બનવાનું માન તેમને મળ્યું. ૧૯૩૯માં તેમણે સેક્રેટરીપદથી શરૂઆત કરી હતી ત્યાર બાદ ડેપ્યુટી ગવર્નર અને ૧૯૪૩માં ગવર્નર બન્યા. ભારતની સર્વપ્રથમ ૫૦૦ રૂપિયાની નોટ તેમના કાળમાં મુદ્રિત થઈ હતી,
૧૯૪૪માં આ પ્રતિભાશાળી વ્યક્તિની કદર કરતાં બ્રિટિશ સરકારે તેમને બ્રિટનના સર્વોચ્ચ કિતાબ નાઈટહૂડથી નવાજેલા.
સરકારી વિભાગોને ને કુશળતાથી ચલાવનાર દેશમુખે સ્વાતંત્ર્ય બાદ રાજકરણમાં પણ ઝંપલાવ્યું હતું. તેમણે ૧૯૫૦થી ૧૯૫૬ સુધી નહેરૂ સરકારમાં નાણાપ્રધાનની કામગીરી સંભાળી હતી. તેમણે તે વખતની ભારતની ખાનગી ઇન્સ્યોરન્સ કંપનીઓનું રાષ્ટ્રીયકરણ કરવામાં
મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો.
છ કેન્દ્રિય બજેટ રજૂ કરનાર દેશમુખ મરાઠી અસ્મિતાના પ્રેમી હતા. તેઓ નાણા પ્રધાન હતા ત્યારે જ ભાષાવાર પ્રાન્ત રચનાની યોજના હેઠળ મુબઈ રાજ્ય હેઠળનો વિસ્તા મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યમા વહેચી દેવાની તૈયારી ચાલતી હતી. તે વખતે મુંબઈ શહેર માટે આ બેઉ રાજ્યમાં ખેંચતાણ ચાલી રહી હતી.
મુંબઈને મહારાષ્ટ્રનો ભાગ ન બનાવાની હિલચાલના વિરોધમાં તેમણે કેન્દ્રીય પ્રધાનપદેથી રાજીનામુ આપી દીધું હતું.
ત્યાર બાદ તેમણે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનનું ચેરમેનપદ સ્વીકારી શિક્ષણ ક્ષેત્રે પણ અનેક મહત્વના કાર્યો કર્યા હતા. ઘણી કોલેજોની લાઇબ્રેરીઓને સુવિકસિત કરવામાં તેમણે અગત્યનો ભાગ ભજવ્યો હતો. તેઓ નેશનલ બુક ટ્રસ્ટના સ્થાપક પ્રમુખ હતા.
૧૯૫૯માં તેમને આંતરરાષ્ટ્રીય રેમન મેગ્સેસાય ઍવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. તો ૧૯૭૫માં તેમને ભારત સરકારના ઉચ્ચ ઇલ્કાબ પદ્મવિભૂષણ પણ પ્રાપ્ત થયો હતો.
તેમના માનમાં અનેક સંસ્થા અને પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવી હતી. રિઝર્વ બૅન્ક
ઑફ ઇન્ડિયા ૧૯૮૪ થી દર વર્ષે ચિંતામણ દેશમુખ મેમોરિયલ લેક્ચર્સનું આયોજન કરે છે. આવી જ પ્રવચનમાળાની શ્રેણીની શરૂઆત નેશનલ કાઉન્સિલ ઑફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ નામની સંસ્થાએ પણ ૨૦૧૩થી કરી છે.
થાણે મ્યુનિસિપલ કોર્પોરેશને ૧૯૮૭માં તેમના નામે ઈન્સ્ટિટયૂટ ઑફ એડમિનિસ્ટ્રેટીવ કેરિયર નામની શૈક્ષણિક સંસ્થાની શરૂઆત કરી છે. દિલ્હીના ઇન્ડિયા ઈન્ટરનેશનલ સેન્ટરમાં તેમના નામનું સભાગૃહ પણ છે. તેમણે ૧૯૭૪માં પોતાની આત્મકથા ધ ર્કોર્સ ઓફ માય લાઈફ નામના પુસ્તક રૂપે પ્રગટ કરી હતી.
—————–
બાળાસાહેબ ઠાકરેએ સી.ડી.દેશમુખ વિશે
શું કહ્યું હતું?
શિવસેનાના સ્થાપક અને હિન્દુ હૃદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરેએ તેમને એક મુલાકાતમા બિરદાવતા કહ્યું હતુ કે તેઓ કેન્દ્ર ખાતેના એકમેવ મરાઠી સ્વાભિમાની વ્યક્તિ હતા. મુંબઇને મહારાષ્ટ્રનો ભાગ ન બનાવવાની કસરત ચાલી રહી હતી તેના વિરોધમાં તેમણે નાણાપ્રધાનપદેથી રાજીનામું આપી દીધું હતું. બીજા અનેક મરાઠી નેતાઓ આવી હિમત દાખવી શક્યા ન હતા.
આ જ બાળાસાહેબના શિષ્ય અને હાલના મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના સત્તાધારી પક્ષે જ હાલમાં ચર્ચગેટનું નામ બદલીને સીડી દેશમુખ સ્ટેશન રાખવા માટે પક્ષની કાર્યકારિણી બેઠકમાં એક ઠરાવ પસાર કર્યો છે. જો આ ઠરાવને કેન્દ્ર અને રેલવે ખાતા તરફ્થી મંજૂરી મળી જાય તો ટૂંક સમયમાં જ તમને મરીન લાઇન્સ સ્ટેશન પર સાંભળવા મળશે ‘અગલા સ્ટેશન સી.ડી. દેશમુખ સ્ટેશન…’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!