સ્પનમાં છેલ્લા 36 મહિનાથી વરસાદની તીવ્રતા ઘટી છે, જેના કારણે દેશમાં ભારે દુષ્કાળની સ્થિતિ છે. વરસાદમાં ઘટાડો થવાને કારણે નદીઓ, તળાવો જેવા જળાશયોમાં પાણી તળિયે પહોંચવા લાગ્યું છે. સ્પેનના સેમ રોમન ડી સાઉ ગામમાં આવેલ સાઉ જળાશય ઝડપથી સુકાઈ રહ્યું છે. 1990 બાદ પ્રથમ વખત પાણી તળિયે પહોંચ્યું છે. એટલે જ જળાશયમાં ડૂબી ગયેલું ચર્ચ હવે બહાર આવ્યું છે.

સાઉ ગામ સ્પેનના કેટાલોનિયા પ્રાંતમાં આવેલું છે. છેલ્લા ચાર દાયકામાં સૌથી ભયંકર દુષ્કાળ અહીં પડ્યો છે. વૈજ્ઞાનિકોએ આગાહી કરી છે કે આગામી દિવસોમાં સ્થિતિ વધુ વણસી શકે છે. પાણીની અછત હોવાથી વહીવટીતંત્રે નાગરિકોને પાણીનો સંયમપૂર્વક ઉપયોગ કરવાની અપીલ કરી છે.

બાર્સેલોના અને મેડ્રિડની આસપાસના વિસ્તારો પણ દુષ્કાળનો ભોગ બન્યા છે. જેના કારણે અનેક જગ્યાએ તળાવોના તળિયા દેખાયા છે.

સ્પેનિશ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દુષ્કાળને કારણે જંગલમાં આગની સંખ્યામાં વધારો થઈ શકે છે. હીટ વેવની પણ આગાહી કરવામાં આવી છે. કારણ કે, ઉત્તર-પૂર્વમાં ભૂમધ્ય સમુદ્ર નજીકના વિસ્તારમાં ગરમી વધી રહી છે. જેના કારણે કેટાલોનિયા, બાર્સેલોના અને મેડ્રિડ શહેરો પણ પ્રભાવિત થયા છે.

સાઉ જળાશયમાં માત્ર 10 ટકા પાણી બચ્યું છે. જેના કારણે હવે લોકો હવે જળાશયમાંથી માછલીઓ પકડી રહ્યા છે, કારણ કે ઓક્સિજનના અભાવે માછલીઓ મરી શકે છે. આ સ્થળના નાગરિકોનું કહેવું છે કે માછલીઓને બહાર કાઢી લેવી યોગ્ય છે. માછલીને દૂર કરવાથી જળાશયનું પાણી સ્વચ્છ અને પીવાલાયક બનશે.