(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: સપ્તાહના અંતિમ સત્ર શુક્રવારે ઇક્વિટી બજારમાં મંદીનો એવો જોરદાર સપાટો જોવા મળ્યો કે નિફ્ટી ૧૮૦૦૦ની નીચે પટકાઇ ગયો હતો, જ્યારે સેન્સેક્સે ૬૦,૦૦૦ની સપાટી ગુમાવી દીધી હતી. વૈશ્ર્વિક ઇક્વિટી બજારોની મંદી સાથે સ્થાનિક બજારમાં પણ વેચવાલીની સુનામી આવી હતી. સત્ર દરમિયાન સેન્સેક્સ ઉપરમાં ૬૦,૫૪૬.૮૮ અને નીચામાં ૫૯,૭૬૫.૫૬ પોઈન્ટ્સની રેન્જમાં અથડાયા થયા બાદ ૯૮૦.૯૩ પોઈન્ટ્સ અથવા ૧.૬૧ ટકા ગગડીને ૫૯,૮૪૫.૨૯ પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે, નિફ્ટી ઉપરમાં ૧૮,૦૫૦.૪૫ અને નીચામાં ૧૭,૭૭૯.૫૦ પોઈન્ટ્સની સપાટી વચ્ચે અથડાયા બાદ ૩૨૦.૫૫ પોઈન્ટ્સ અથવા ૧.૭૭ ટકા તૂટીને ૧૭,૮૦૬.૮૦ પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.
અમેરિકામાં મેક્રો ડેટા સારા આવ્યા હોવાથી વ્યાજદરમાં આક્રમક વધારાની શક્યતા વધી હતી બીજી તરફ ચીનમાં કોવિડની ગંભીર સ્થિતિને કારણે પણ વિશ્ર્વભરના બજારોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત વધુ એક નકારાત્મક પરિબળમાં જાપાનમાં ફુગાવાનો દર નવેમ્બરમા ૩.૭ ટકાની ૪૦ વર્ષની ટોચને આંબી જતાં એશિયાના બજારોમાં પણ રોકાણકારોનું સેન્ટિમેન્ટ ખરડાયું હતું. એ જ સાથે હજી પણ આર્થિક મંદીનો ભય તો ઝળુંબી જ રહ્યો છે.
આ સત્રમાં માર્કેટ કેપ રૂ. ૨૭૨.૧૯ લાખ કરોડ રહ્યું હતું. જે પાછલા સ૬માં રૂ. .૨૮૦.૫૫ લાખ કરોડ હતું. શુક્રવારના એક જ સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૮.૩૬ લાખ કરોડનું અને એક માહિતી અનુસાર સતત સાત સત્રની પીછેહઠમાં લિસ્ટેડ શોરના મૂલ્યમાં રૂ. ૧૬ લાખ કરોડનું ધોવાણ થયું છે. આ સત્રમાં પાવર, એનર્જી, ટેલીકોમ, કેપિટલ ગૂડ્ઝ, મેટલ, રિયલ્ટી, ઓટો, ઓઈલ-ગેસ, બેન્ક, એફએમસીજી અને ફાઈનાન્શિયલ શેરમાં ભારે વેચવાલી જોવા મળી હતી. બજારમાં મંદીવાળાઓની પકડ વચ્ચે તમામ સેક્ટોરલ ઈન્ડાઈસિસ રેડ ઝોનમાં બંધ રહ્યા હતા. મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૩.૪૦ ટકા અને ૪.૧૧ ટકાના કડાકા સાથે બંધ રહ્યા હતા.
સેન્સેક્સના શેરોમાં ટાટા સ્ટીલના શેરોમાં સૌથી વધુ ૪.૯૭ ટકાનો ઘટાડો નોંધાયો હતો. મેગેટીવ ઝોનમાં ધકેલાયેલા અન્ય મુખ્ય શેરોમાં ટાટા મોટર્સ, એસબીઆઈ, બજાજ ફિનસર્વ, રિલાયન્સ, વિપ્રો, ઈન્ડસઈન્ડ બેન્ક, મારુતિ, ટેક મહિન્દ્રા અને બજાજ ફાઈનાન્સનો સમાવેશ હતો. નિફ્ટીમાં મુખ્ય શેરોમાં સૌથી વધુ સિપ્લાના શેરમાં ૦.૨૪ ટકાનો ઉછાળો નોંધાયો હતો. વધનારા અન્ય મુ્ખ્ય શેરોમાં ડિવિસ લેબ અને ટાઈટનનો સમાવેશ હતો. બીજી તરફ નિફ્ટીમાં સૌથી વધુ અદાણી પોર્ટ્સના શેરમાં ૭.૦૬ ટકાનો ઘટાડો નોંધાયો હતો. રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં અદાણી એન્ટરપ્રાઈઝિસ, હિન્દાલ્કો, ટાટા સ્ટીલ અને ટાટા મોટર્સનો સમાવેશ થાય છે.
અમેરિકાના બજારોની મંદી પાછળ એશિયામાં પણ સાર્વત્રિક મંદી રહી હતી. જોકે, યુરોપના બજારોમાં મધ્યસત્ર સુધી સુધારો રહ્યો હોવાના અહેવાલ હતાં. રશિયાએ તેની બે વર્ષની અધ્યક્ષતા હેઠળની આર્કટિક કાઉન્સિલના કાર્યક્રમોનો અમલ ચાલુ રાખ્યો છે, જેની થીમ રિસ્પોન્સિબલ ગવર્નન્સ ફોર સસ્ટેનેબલ આર્કટિક છે. રશિયાએ આર્કટિક પોપ્યુલેશન, પર્યાવરણના રક્ષણ, ક્લાઇમેટ ચેન્જની અસરો, પ્રાદેશિક આર્થસામાજિક વિકાસ સહિતના ૪૩ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. સ્થાનિક ધોરણે રિઅલ એસ્ટેટના અગ્રણી ડેવલપર લોઢા જૂથે ફરી એક વખત પાલના સિટી સંગીત, કળા અને સંસ્કૃતિના સંગમ જેવી પાલવા કાર્નિવલનું આયોજન ૧૭ અને ૧૮ ડિસેમ્બરે કર્યું હતું. તેના ઇન્ફ્રસ્ટ્રકચરમાં આંતરરાષ્ટ્રીય શહેરના તમામ પાસાં હોવાથી તે એક સ્માર્ટ સિટી બન્યું છે. આ કોમ્યુનિટી એક્ટિવિટીની શરૂઆત ૨૦૧૬માં થઇ હતી.
એક સ્ટોક બ્રોકિંગ ફર્મના એનાલિસ્ટે જણાવ્યું હતું કે આ તો ચાલી રહેલા કરેકશનના દોરના એક હિસ્સા સમાન છે.
જોકે, બજારના સાધનો અનુસાર ટેકિનકલ અને ફંડામેન્ટલ પરિબળો જોતા મંદી આગળ વધે એવા અણસાર છે. ટોચના ટેકિનકલ એનાલિસ્ટે કહ્યું હતું કે નિફ્ટીએ ગુરુવારે જ બેરીશ એનગલ્ફીંગ પેટર્નની રચના કરી હતી. નિફ્ટી માટે ૧૮,૦૦૦ની સપાટીએ મજબૂત રેઝિસ્ટન્સ લેવલ હતું જે તેણે શુક્રવારના સત્રમાં તોડી નાંખ્યું છે. એક કારણ એ પણ મળી રહ્યું છે કે વર્ષાંતનું દબાણ હોવાથી રોકાણકારોએ પ્રોફિટ બુક કરીને રોકડ હાથમાં રાખવાનું પસંદ કર્યું હતું.ઉ