કચ્છી ચોવક -કિશોર વ્યાસ
ઘણાંને કાચી કેરી બહુ ભાવતી હોય છે. પણ ચોવક કહે છે કે : કાચી કેરીની જે ખટાસ હોય છે તે બહુ નુકસાનકારક હોય છે. ‘જુકો કરે કેરી સે ન કરે વેરી’. કેરીની ખટાસ કોઇ ‘વેરી’ કે દુશ્મનથી પણ વધારે ખતરનાક હોય છે. ખટસ આમ પણ સમાજમાં બદનામ છે. સમાજમાં જે ‘ખટરસીયા’ માણસો રહે છે, એ સમાજ માટે ‘વેરી’ સમાન હોય છે, આમ એક ચોવક કેટકેટલા વ્યાપક અર્થ સમાવે છે?
ગુજરાતીમાં એક પ્રચલિત ચોવક છે. જેનો ઉપયોગ આપણે વારંવાર કરતા હોઇએ છીએં. ‘ધીરજનાં ફળ મીઠાં’ કહેવત હોય કે ચોવક એ વિવિધલક્ષી હેતુ સાથે જ રચાઇ હોય છે. બીજી પણ એવી કહેવત છે : ઉતાવળે આંબા ન પાકે! કચ્છીમાં પહેલી કહેવત ચોવકના સ્વરૂપે આ રીતે કહેવાતી હોય છે.: ‘જેંણા ની ફળ મીઠા’. ‘જેંણા’ એટલે ધીરજ અને બીજી કહેવતના અર્થમાં આ રહી ચોવક: ‘જેંણા સેં જાડ, તકડ મેં આમાં ન પચેં’ ‘જાડ’ એટલે વૃક્ષ, ‘આમાં’ એટલે કેરી કે આંબા, ‘ન પચેં’નો અર્થ થાય છે ‘ન પાકે’! કોઇ પણ કામ ઉતાવળથી કદાચ પૂરું થતું હશે, પણ તેની ગુણવત્તા ગુમાવવી પડતી હશે. જો ધીરજ રાખીને, યોગ્ય સમય જોઇને કામ પૂરું કર્યું હોય તો એ જરૂર ગુણવત્તાસભર બની રહે. કોઇ પ્રકારની જબરજસ્તીથી કામ ન થાય. વળી આવી ઉતાવળ કે જોરજબરદસ્તી ન કરવા માટે પણ એક ચોવક છે: ‘જોર જો સાટો નાંય’ અથવાં તો આ ચોવક એ અર્થમાં પણ પ્રયોજી શકાય કે, ‘તમે મારું આ કામ કરી આપો. એવો મારો દુરાગ્રહ નથી, તમારાથી થાય તો જરૂર કરજો, મારું કોઇ દબાણ નથી.
અંગ્રેજીમાં એક કહેવત છે કે : ‘અ ાયતિજ્ઞક્ષ સક્ષજ્ઞૂક્ષ બુ રશિયક્ષમત વય સયયાત ફક્ષમ બજ્ઞજ્ઞસત વય યિફમત’ વ્યક્તિત્ત્વનું મૂલ્યાંકન એ કેવાં પુસ્તકો વાંચે છે અને તેના મિત્રો કેવા છે, તેના પરથી થતું હોય છે, કારણ કે વ્યક્તિનાં ચારિત્ર્ય પર ‘જેવી સોબત તેવી અસર’ થતી હોય છે. એજ વાત ચોવક આ રીતે આવરે છે: ‘ધાગ્રી આમૂં સૂંઢો ફિટાય’ એક સૂંડલામાં આંબા મૂક્યા હોય અને તેમાંના એકમાં ‘દાગ’ કે ‘ચાંદી’ પડી હોય તો તે સૂંડલામાં રાખેલા બધા જ આંબાને બગાડે છે! ‘ધાગ્રી’ એટલે ‘દાગવાળો’ કે ‘ચાંદી પડેલો’. ‘સૂઢો’નો અર્થ થાય છે ‘સૂંડલો’ અને ‘ફિટાય’ એટલે બગાડે! બસ, એવું જ સોબતનું છે! ખરાબ સોબત ‘સૂંઢો ફિટાય’ એટલે કે જીવન બગાડી નાખે! મિત્રો ગુણિયલ રાખવોનો સંદેશ ચોવક આપે છે. જો મિત્રો સારા હશે તો, ક્યારેય દિલમાં સ્વાર્થ પેદા નહીં થાય. અર્પણની ભાવના હૃદયમાં રમતી રહે. નિયત શુદ્ધ રહે. જેની નિયત શુદ્ધ રહે તે ક્યારેય દુ:ખી થતા નથી લો. આ ચોવક કઇંક એવું જ કહે છે: ‘નીથ સુધ, તેંલા માંની ગુંધ’ અહીં ‘નીથ’નો અર્થ છે નિયત. ‘સુધ’ એટલે ‘શુદ્ધ’, ‘માંની’ એટલે ‘રોટલો’ અને ‘ગુંધ’ એટલે ‘ઘણું’! જેની નિયત શુદ્ધ હોય તેને ખાવાના સાંસા ન પડે!
એક ચોવક છે: ‘પિંઢ જે અટેમેં આટાર’ મતલબ કે ‘પોતાના લોટમાં જ કાંકરા’ ‘ખાટલે મોટી ખોડ’. ‘પિંઢ જે’ એટલે પોતાના, ‘અટેમેં’ એટલે ‘લોટમાં’, ‘આટાર’નો અર્થ થાય છે રેતી કે કાંકરા. ચોવકનો ભાવાર્થ થાય છે: પોતાનામાંજ ક્ષતિ હોવી!
ઘણા લોકોને આપણે એવું બોલતા સાંભળતા હોઇએ છીએ કે ‘ભૂખ બોરી ભુછડી’ અર્થાત ‘ભૂખ બહુ ખરાબ’! ‘ભૂખ’ એટલે ભૂખ. ‘બોરી’નો અર્થ છે ‘બહુ’ અને ‘ભુછડી’ એટલે ખરાબ. ચોવકનો વિસ્તૃત અર્થ છે: ભૂખ સહન ન થવી. ભૂખ કરાવે ભૂલ, ભૂખ વેઠ કરાવે વગેરે વગેરે… વળી તેને શ્ર્લેષાર્થમાં પણ સમજવા જેવી છે. પેટની ભૂખ અને શરીરની ભૂખ પેટની ભૂખ લાચારી દર્શાવે છે, જ્યારે શરીરની ભૂખ ભાંગવા સમાજમાં સ્ત્રીઓ પર કુદૃષ્ટિ કરવી એ અત્યંત ખરાબ બાબત છે. એ અર્થમાં તેના માટે ‘ભૂછડી’ જેવો શબ્દપ્રયોગ કરવામાં આવ્યો છે.