Homeવીકએન્ડલુચ્ચી બુદ્ધિનો ધણી ચુનિયો

લુચ્ચી બુદ્ધિનો ધણી ચુનિયો

મસ્તરામની મસ્તી -મિલન ત્રિવેદી

જન્મતાની સાથે જ જો કોઈ હોંશીયાર, બુદ્ધિશાળી, સ્માર્ટ હોય તો તેને મિલનમસ્ત કહેવાય આવું શબ્દકોશમાં લખ્યું છે. ચૂનિયો આ વાતનો વિરોધ કરે છે. કારણ તેને શબ્દકોશના પોતાનું નામ લખાવવું છે. પોતાનો દાવો રજૂ કરવા માટે નાનપણથી પોતાનું માર્કેટિંગ પોતે સંભાળી લીધું છે. પોતાની આત્મકથા જણાવે છે કે ’બહુ નાનપણમાં આપણો જન્મ થયો હતો. એટલે જગતના લોકો માટે હું સાવ અબુધ, નાસમજ, હતો, પરંતુ આપણે જન્મથી ઈન્ટેલિજન્ટ. એવા ઘણા સિક્રેટ છે જે જન્મતાની સાથે જ મેં જોયા અને માણ્યા, પરંતુ દુનિયાની દૃષ્ટિએ આપણે નાસમજ એટલે કોઈપણ જાતની ચિંતા વગર આપણે તમામ લીલાઓ માણી. આમ જુઓ તો નાસમજ રહેવામાં વધારે મજા છે કારણ સમજ અથવા વધારે પડતી સમજ એ દુ:ખનું કારણ છે. ચાલો શરૂઆતથી વાત કરું.
મારો જન્મ એક વિશાળ હોસ્પિટલમાં થયો હતો આમ તો એ વાતાવરણ મને મારા જન્મ પહેલાથી અનુકૂળ હતું કારણકે મારી મા મને સાચવી અને નિયમિત રીતે હોસ્પિટલમાં લઈ જતી મને હોસ્પિટલની સૌથી વધારે ગમતી વાત એ હતી કે ત્યાં નો સ્ટાફ બહુ સુંદર હતો. લેડી ડોક્ટર અને સ્ટાફ નર્સનો સ્પર્શ મેં અનુભવ્યો છે તમે નહીં માનો પરંતુ અઠવાડિયા દસ દિવસે મને એમ થાય કે ચાલ પેલી લ્યુસી નામની નર્સને જોતો આવું અને તરત થોડું ફરકી જતો મા ખુશ થઈ અને હોસ્પિટલે દોડી જતી. એ બહાને આપણે લ્યુસીને વાયા સોનોગ્રાફી મશીન જોઈ લેતા. મારા જન્મ વખતે મારી માને ઓપરેશન થિયેટરમાં લઈ જતા પહેલાંં મે એક અવાજ સાંભળેલો કે દસેક મિનિટ કશું કરશો નહિ તકલીફ વધે તો સિઝેરિયનનું કહી શકાય અને થોડા વધુ રૂપિયા લઈ શકાય. તમે નહીં માનો આ વાત સાંભળ્યા પછી આપણે તરત જ ધમપછાડા શરૂ કરી દીધેલા અને પાંચમી મીનિટે ડોક્ટર કશું સમજે તે પહેલાં નોર્મલી આપણે લેન્ડ થઈ ચૂક્યા હતા. સસ્તુ ભાડુંને સિદ્ધપુરની જાત્રા. ત્યાર પછી તો તરત રોવા માટે ડોક્ટરે વાંસામાં બે ચાર થપલી મારી મને અંદાજ આવી ગયો કે આ થપલીમાં થોડો ગુસ્સો પણ સામેલ છે. કારણકે ઘણા બધા રૂપિયાનું નુકસાન મેં કરાવેલું. જન્મતાની સાથે જ આપણે ખુશ હતા મમ્મી પપ્પા પણ ખુશ હતા કુટુંબ રાજી હતું, પરંતુ આપણે લ્યુસીની રાહમાં હતા. થોડા કામકાજમાંથી પરવારીને આંખ ઊંચી કરીને જોઉં ત્યાં તો લ્યુસી, હું શરમાઈ ગયો અને લ્યુસીએ સરસ મજાનું ચુંબન ચોટાડી દીધું અને હું પાછો શરમાઈ ગયો પણ મને મારી જાત માટે પણ એમ થયું કે ચાલો આપણે પ્રેમથી પણ જીવી શકીએ છીએ. નાનપણથી આપણી પસંદગી ઊંચી જ રહી છે. ચુનિયો પોતાની આત્મકથામાં ક્યારેક અકળાયેલો ક્યારેક ખુશ તો ક્યારેક પોતે જ પોતાની જાતને ન સમજી શક્યો હોય તેવી રીતે રજૂ થયો છે તેના કિસ્સાઓ સાંભળતા સાંભળતા તેના વિશે તમે જ અભિપ્રાય આપો યોગ્ય છે ચાલો ચુનીયાની વાત માં ડોકિયું કરીએ.
‘આમ તો હું નાનો એટલે નામની જફામાં ન પડીએ પરંતુ ઘરના તમામ સભ્યો આપણા નામને લઇ ચર્ચા એ ચડી ગયા છઠ્ઠી સુધીમાં તો અસંખ્ય નામ રાશિ પ્રમાણે તૈયાર થઈ ગયા હોય.’ જેટલા નામ એટલા જ વાંધા-વચકા પણ તૈયાર થઈ ગયા હતા. બટકબોલી ફઈ જાણે પોતાનો જ અધિકાર હોય તેમ કોઈનું કાન પડ્યું સાંભળે નહીં અને જેણે જન્મ આપ્યો છે તેના મનમાં કંઈક બીજું જ નામ રમતું હોય જે નણંદ કે’તા જન્મનારના ફઈ સાથે ક્યારેય મેચ થતું ન હતું. આ બધી વિધિ દરમિયાન આપણે આપણી મસ્તીમાં રમવું હોય આપણી પણ ખોળાની ચોઈસ હોય અમુક તો આપણને ખૂબ ગમતા હોય પરંતુ પાડોશમાંથી વારે ઘડીએ તો કેમ આવી શકે. એટલે ઘરે હોય ત્યારે મોટે ભાગે માના ખોળામાં અથવા ઘોડિયામાં આપણે મસ્ત હોઈએ. અમુકના મોઢા જોવા પણ રાજી ન હોઈએ, બોલ ચાલ શક્ય ન હોય એટલે રુદન આલાપમાં શક્ય તેટલી ગાળો આપીએ વળી આપણે આપણા નામથી આપણ ને બોલાવે તેવું ઇચ્છતા હોઈએ, પરંતુ નીત નવા ટીનીયો, મુનીયો, લાલ્યો જેવા નામે બોલાવે પાછા ઘણા તો એમાં પણ કાળીયો એમ કહી અને બોલાવે અરે ભાઈ જુઓ તો ખરા કે સામેવાળા માણસને ખરાબ લાગે. અને ભગવાનને ત્યાં કાંઈ જુદા જુદા કલરની ફેક્ટરી નથી તે જાતે કલર નક્કી કરી તેમાં ડૂબકી મારી અને નીચે આવો હવે મારા બાપા ભીને વાન એમાં મારો વાંક? જો કે હું તો પગ ઉલાળવાને બહાને છાતીમાં બે ચાર જીકી લઉ બીજું શું કરું?! નામ ખોટું બગડવા થોડું દેવાય?
આમ અમારો ચુનિયો જન્મ પહેલાથી જ ઈન્ટેલિજન્ટ. જોકે નખશિખ ભુકા કાઢી નાખે તેવું મોડેલ તો સ્વાભાવિક છે ઈશ્ર્વર ના જ મોકલે એટલે નાકના હાડકાં વગર ઉતાવળે નીચે આવી ગયો હોય તેવું લાગે. મોટા થઈ ગયા પછી પણ જે કોઇ પ્રથમ વાર ચુુનિયાને મળે તે તરત જ પૂછે “આર યુ ફ્રોમ ચાઇના? એટલે ચુુનિયો તરત જ રીપ્લાય આપે ના ‘અમે અહીના ’ નાનપણમાં પણ આજુબાજુવાળાના છોકરાઓના રમકડા રમી અને મોટો થયો છે. પોતાને સાઇકલ ચલાવવી હોય અને ખરીદવાનો વેંત ન હોય એટલે પાડોશીના છોકરાને જીદ કરતા શીખવે અને પાડોશી ના છોકરા એના માબાપ પાસે સાઇકલ માટે રોઈ રોઈ ને અડધા થઈ જાય એટલે ઠાવકો થઈ અને ચુનિયો છોકરાના મા-બાપને સમજાવે કે ” છોકરાને સાઈકલનું આટલું મહત્વ છે તો લઇ દયો, મારી જવાબદારી હું શીખવી દઇશ ” આમ પાડોશી નવી સાઇકલ ખરીદે અને પાડોશીના છોકરાને ચલાવતા આવડે કે ન આવડે ચુુનિયો સાઇકલ લઈ અને બંબાટ નીકળે. અમારા ઘર પાસેની ભારતની વાડી જે લગ્ન માટે પ્રખ્યાત હતી ત્યાં મહેમાનો સ્કૂટર લઈને આવે અને પાર્કિંગમાં જે સ્કૂટર છેલ્લું પડ્યું હોય તેની પર ચુનિયો પોતાની કારીગીરી અજમાવે માસ્ટર કી નો જુડો લઈ અને સ્કૂટરનું હેન્ડલ લોક ખોલતો. એટલું કહી શકું કે અમારી ગેંગના કોઈપણ વ્યક્તિ સિંગલ કે ડબલ સવારી નથી શીખ્યા પરંતુ સીધા ચાર કે પાંચ સવારીમાં જ શીખ્યા છીએ કારણ સ્કુટર ચાલુ થાય પછી ચુનિયો ચલાવે અને પાછળ જેટલા ટીંગાઈ શકે એટલા ટીંગાઈ જાય આગળ જઈ અને વારાફરતી વારા સ્કૂટર ચલાવીએ. આમ ચુનિયાની આવી સરસ સ્કિલને કારણે અમે સોસાયટીના બધા જ મિત્રો ડ્રાઈવિંગમાં પાવરધા થઈ ગયા હતા. ચુનિયાએ ક્યારેય હોટેલનું બિલ નથી ચૂકવ્યું તે જાતે જ હોટલના માલિકને ફોન કરી અને જણાવે કે ‘આજ સાહેબના સરપ્રાઇઝ ચેકિંગમાં તમારી હોટલનું નામ છે સફારી પહેરીને કોઈ ઓળખાણ આપ્યા વગર ૪-૫ જણ જમવા આવશે હું ઓફિસનો ક્લાર્ક બોલું છું.’ આમ કહી ક્લાર્ક કમ ફૂડ ઇન્સ્પેકટર મિત્રોને લઈ જમી આવે અને પાન સોડાના પણ લેતો આવે.
ચુનિયો જન્મજાત બુદ્ધિશાળી ખરો પણ લુચ્ચી બુધ્ધિનું પ્રમાણ વધુ હોય એવું લાગે. વ્હેલા મોડો ચૂંટણી લડશે એમ લાગે છે. ક્યા પક્ષમાં જોડાશે એમ ન પૂછતા કારણ જેવા ભાવ તેવો ભાવ દર્શાવશે. બધા જ નેતાની જેમ તેને પણ દેશનું ભલું જ કરવું છે પણ શરૂઆત સ્વથી કરવી છે.
વિચાર વાયુ:
દરેક કલરના ડ્રેસને અનુરૂપ મેચિંગ નોટ છાપી આપવા બદલ મહિલા મંડળ આભારી છે અને આવનારા સમયમાં રેડ કલરની નોટ છાપી માંગણી પૂરી કરવાનું વચન આપ્યું તેને કિટી પાર્ટીમાં વધાવવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular