Homeધર્મતેજચિંતન પ્રભુનું...

ચિંતન પ્રભુનું…

ગીતા મહિમા -સારંગપ્રીત

ગત અંકમાં આપણે ભગવાનની સત્ય વાણીનો મહિમા સમજ્યા. હવે આ અંકમાં ભગવાનના ચિંતનના મહત્ત્વને સમજીએ.
એક વાર શમિક ઋષિના આશ્રમમાં પોતાનું સન્માન ન થવાથી ક્રોધે ભરાયેલા પરીક્ષિત રાજાએ મરેલો સર્પ ઋષિના ગળામાં નાખ્યો. ઋષિપુત્ર શૃંગીને આ વાતની ખબર પડતાં, તેણે પરીક્ષિતને શ્રાપ આપ્યો કે સાત દિવસમાં તક્ષક નાગ કરડવાથી તારું મૃત્યુ થશે. સાત દિવસને અંતે થનારા મૃત્યુના ભયથી પરીક્ષિત ખૂબ દુ:ખી થઈ ગયો. ત્યાર બાદ તેને શુકદેવજીએ શ્રીમદ્ ભાગવતની કથા સંભળાવી ને તેથી ભાગવત શ્રવણને કારણે તે નિર્ભય થયો અને તેનો શોક દૂર થયો. આમ જ્યાં ધન-વૈભવ, સત્તા, શારીરિક બળ કે બુદ્ધિમત્તા દુ:ખ દૂર કરવા અસમર્થ બને છે, ત્યાં ભગવાનનું ભજન, શ્રવણ, મનન, સ્મરણ, ચિંતન સુખકારી નીવડે છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં અર્જુન કહે છે કે:
कथं विद्यामहं योगिस्त्वां सदा परिचिन्तयन्
केषु केषु च भावेषु चिन्त्योऽसि भगवन्मया ॥
હે યોગેશ્ર્વર! સતત આપનું ચિંતન કરનારો હું આપને કઈ રીતે જાણી શકું?
હે ભગવન્! આપ કયા કયા ભાવોમાં મારા વડે ચિંતન કરવા યોગ્ય છો?
ચિંતન એટલે મનન! ભગવાનમાં વૃત્તિ જોડવી, અર્થાત્ ભગવાનનું ભજન કરવું. અહીં ભજન એટલે માત્ર તાળી પાડવી, વાજિંત્રો વગાડી, કીર્તન ગાવાં તેવો સ્થૂળ અર્થ નથી, પરંતુ પ્રભુમય રહેવું તેવો અર્થ છે. ભગવાનની સ્મૃતિ સાથે કોઈ પણ ક્રિયા થાય તે સાચું ભગવાનનું ભજન થયું કહેવાય. અહીં પ્રવૃત્તિ છોડી સતત ભજન કરવાની વાત નથી, પરંતુ દરેક પ્રવૃત્તિમાં ભગવાનનું અનુસંધાન રાખવાની વાત છે. ભક્ત જ્યારે આ રીતે ભગવાન સાથે જોડાય છે ત્યારે ભગવાન તેને વશ થઈ જતા હોય છે ને તેની સતત સંભાળ લેતા હોય છે. શ્રીજીમહારાજનું પણ વરદાન છે કે જ્યાં ભજન થાય ત્યાં તેઓ અખંડ હાજર હોય છે.
ભજન, સ્મરણ, રટણ, મનન વગેરે ભગવાનને અખંડ સ્મૃતિમાં રાખવાનાં સાધનો છે, જે દ્વારા ભગવાન સાથે અનુસંધાન સાધી શકાય છે અને આ રીતે ભગવાનને ભક્તનું જોડાણ થતાં સર્વ કર્તા ને સર્વ હર્તા એવા ભગવાન, ભક્તના યોગક્ષેમની જવાબદારી માથે લે છે ને ભગવાન જેની જવાબદારી સ્વીકારે તેને દુ:ખ ક્યાંથી સ્પર્શી શકે ને સુખ કેવી રીતે અળગું રહી શકે? અને એટલે જ કબીરજીએ પણ કહ્યું છે,
“સુમરન સે સુખ હોત હય, સુમરન સે દુ:ખ જાય, કહે કબીર સુમરન કિયે, સ્વામિ માંહિ સમાય.
સાચા સંત પણ ભગવાન સાથે એવા એક અતૂટ બંધનથી જોડાયેલા હોય છે અને તેથી જ તેઓ, પ્રભુભજનમાં રમમાણ રહેતા હોય છે. બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે દેશવિદેશમાં વિચરણ કર્યું.
અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ બી.એ.પી.એસ. સંસ્થાના પ્રમુખ હોવા છતાં નાનામાં નાનાં કાર્યોમાં પણ પૂરું ધ્યાન આપવાની તેમની કાર્યશૈલી હતી. તેમ છતાં પ્રવૃત્તિઓની ભરમાર વચ્ચે પણ ભજનનો દોર તૂટે નહિ તે રીતે તેઓ વર્તતા. તેમના પાસપોર્ટમાં, વ્યવસાયના ખાનામાં “ભજન ભક્તિ લખેલું છે. તેઓ કહેતા કે દેશવિદેશમાં ફરીએ, પણ મન તો ભગવાનના ચરણારવિંદમાં જ રાખીએ અને આ જ તો કારણ હતું તેઓની આનંદમય બ્રાહ્મીસ્થિતિનું, તેથી જ તેમના સંસર્ગમાં આવનાર પ્રત્યેક જીવને તે સુખની અમૃતવર્ષાનો અનુભવ થતો.
જેવી રીતે, પેઇન કિલર લેવાથી શારીરિક પીડાની અનુભૂતિ થતી નથી, તેવી રીતે ભગવાનનું ભજન કરવાથી મનને દુ:ખની અનુભૂતિ થતી નથી. ભગવાનનું ભજન, સ્મરણ, મનન આદિ વ્યક્તિના મન પર એક કવચનું નિર્માણ કરે છે, જે દ્વારા દુ:ખ મનને પીડી શકતું નથી. આ જગતની વ્યાવહારિક, શારીરિક, સામાજિક મુશ્કેલીઓ વચ્ચે પણ આવી વ્યક્તિ સ્થિર રહી
શકે છે.
ભગવાન સ્વામિનારાયણ મનન અને ચિંતનનો મહિમા વચનામૃતમાં જણાવે છે-
જો ભગવાનનો એવી રીતે શ્રવણ, મનન, નિદિધ્યાસ કર્યો હોય તો ભગવાનનો એવી રીતે સાક્ષાત્કાર થાય છે; પણ મનન ને નિદિધ્યાસ એ બે કર્યા વિના કેવળ શ્રવણે કરીને સાક્ષાત્કાર થતો નથી અને જો ભગવાનના સ્વરૂપનું દર્શન કરીને તેનું મનન અને નિદિધ્યાસ તે ન કર્યો હોય, તો લાખ વર્ષ સુધી દર્શન કરે તો પણ તે સ્વરૂપનો સાક્ષાત્કાર ન થાય અને તે દર્શન તો કેવળ શ્રવણમાત્ર સરખું કહેવાય અને જેણે ભગવાનના અંગ અંગનું દર્શન કરીને પછી તે અંગ અંગનું મનન ને નિદિધ્યાસ તે કર્યો હશે તો તે અંગ આજ સહજે સાંભરી આવતું હશે અને જે અંગનું દર્શનમાત્ર જ થયું હશે તો તે અંગને સંભારતો હશે તો પણ નહીં સાંભરતું હોય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular