કસબા બાદ ચિંચવડ પેટા ચૂંટણીના પરિણામ પણ જાહેર થઈ ગયું છે અને ભાજપે પોતાના ગઢમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખીને રાષ્ટ્રવાદીને જોર કા ઝટકા જોરથી આપવાનો પ્રયાસ કર્યો છે. રાષ્ટ્રવાદીના ઉમેદવાર નાના કાટેએ ચિંચવડમાં કારમા પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ભાજપનાં અશ્વિની જગતાપે 36, 168 મતથી નાના કાટેને પરાજિત કર્યા હતા.
અશ્વિની જગતાપને 1,35,434 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર નાના કાટેને 99,343 મત મળ્યા હતા. મહાવિકાસ આઘાડીના બંડખોર ઉમેદવાર, અપક્ષ ઉમેદવાર રાહુલ કલાટેને 44,082 મત મળ્યા હતા.
આ ચૂંટણી એક તરફી હશે એવું બધાને લાગી રહ્યું હતું. પરંતુ રાષ્ટ્રવાદીએ કાંટે કી ટક્કર આપ્યા બાદ પણ ભાજપને પોતાના ગઢને સુરક્ષિત રાખવામાં સફળતા મળી હતી. આ જગ્યા માટે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પૂરું જોર લગાવ્યું હતું અને આ પરાજયને કારણે અજિત પવારના વર્ચસ્વને જોરદાર ધક્કો લાગ્યો છે.
આ જગ્યા માટે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેથી લઈને રાષ્ટ્રવાદીના અધ્યક્ષ શરદ પવારે પણ પ્રચાર મેદાનમાં ઉતર્યા હતા. દરમિયાન ચિંચવડમાં 50.47 ટકા મતદાન થયું હતું.
પણ મવિઆને રાહુલ કલાટેની બંડખોરીનો મોટો ફટકો પડ્યો હતો અને આ જ કારણે નાના કાટેનો પરાજય થયો એવી પ્રતિક્રિયા અજિત પવારે પણ આપી હતી. જો બંડખોરીને અટકાવવામાં મવિઆ સફળ થઈ હોત તો ચોક્કસ જ મવિઆના ઉમેદવારનો વિજય પાક્કો હતો.