Homeવીકએન્ડહજારો લોકોનો ભોગ લેનારી ચિંચા વોર્સ

હજારો લોકોનો ભોગ લેનારી ચિંચા વોર્સ

ભાત ભાત કે લોગ -જ્વલંત નાયક

ગત સપ્તાહમાં આપણે પક્ષીઓની વિષ્ટા વિષે વાત માંડેલી! પક્ષીની વિષ્ટા બાબતે ઝગડો થાય, અને એમાં દેશો યુદ્ધે ચડે, એટલું જ નહિ પણ આ યુદ્ધોમાં અઢારેક હજાર માણસો મૃત્યુ પામે એ ઘટના સ્વાભાવિકપણે જ સાવ કપોળ કલ્પિત અને હાસ્યાસ્પદ લાગે, પણ સચ્ચાઈ ઘણી વાર કલ્પના કરતાય વધુ આશ્ર્ચર્યજનક સાબિત થતી હોય છે.
યુરોપ અમેરિકાની ઔદ્યોગિક ક્રાંતિને પગલે શહેરો ઉપર વસ્તીનો બોજ વધવા માંડયો, એની સામે ખેતી કરતા લોકોની સંખ્યા ઘટી. પરિણામે વસ્તી સામે ઉપલબ્ધ ખોરાકનું સંતુલન ખોરવાયું. ઓછી જમીનમાં વધુ પાક લણી શકાય, એ માટે ફળદ્રુપ ખાતરની માગ વધતી ચાલી. એમાં વાલીલોકોને ખ્યાલ આવ્યો કે માછલી ખાઈને જીવનારા દરિયાઈ પક્ષીઓની વિષ્ટામાં કુદરતી રીતે જ એવાં તત્ત્વો હાજર હોય છે, જે ખેતી માટે ઉચ્ચ પ્રકારના ખાતરની ગરજ સારે! દરિયાની વચ્ચે આવેલા અનેક નિર્જન ટાપુઓ પર દરિયાઈ પક્ષીઓની આવી ફળદ્રુપ હગારના મોટા ઢગલા હતા. ઓછા વરસાદને કારણે ટાપુઓ પર પડેલી વિષ્ટા દરિયામાં જવાને બદલે વર્ષોવર્ષ ડિપોઝિટ થતી ગઈ. કેટલાય ટાપુઓ પર તો સદીઓના સંગ્રહને કારણે પક્ષીઓની વિષ્ટાના સો-સો ફીટ ઊંચા ઢગલા થઇ ગયેલા! ‘ગુઆનો’ તરીકે ઓળખાતા વિષ્ટાના – એટલે કે ફળદ્રુપ ખાતરના આ ઢગલાઓ પર કબજો જમાવવા માટે અનેક દેશો વચ્ચે હોડ લાગી. અમેરિકા જેવા દેશે તો ઓગસ્ટ, ૧૮૫૬માં ખાસ ‘ગુઆનો આયલેન્ડ એક્ટ’ પસાર કર્યો. આમ જુઓ તો આ કાયદો દરિયાખેડુ સાહસિકોને વિવિધ ટાપુઓ પર ગેરકાયદેસર કબજો જમાવવા ઉશ્કેરે એવો હતો, જે નૈતિક રીતે ખોટું ગણાય! પણ વૈશ્વિક રાજકારણમાં – ખાસ કરીને વેપાર અને પ્રજા માટે જરૂરી ખાધાખોરાકીનો પ્રશ્ર્ન હોય ત્યારે કોઈ દેશ નૈતિકતાના ચક્કરમાં પડતો નથી. માત્ર અમેરિકા જ નહિ, ગુઆનો આયલેન્ડ્સ પર કબજો જમાવવા માટે ઇંગ્લેન્ડ અને સ્પેન જેવા દેશોની દાઢ પણ સળકી!
જે રીતે ઇંગ્લેન્ડે ભારત સહિતના અનેક દેશોને પોતાના તાબા હેઠળ રાખેલા, એ જ પ્રમાણે સ્પેન પણ નબળા દેશો પર કબજો જમાવીને પોતાના સંસ્થાનો ઊભાં કરી રહ્યું હતું. એ સમયગાળો સંસ્થાનવાદનો હતો. જેની પાસે વધુ સંસ્થાન (એટલે કે ગુલામ દેશો) હોય, એ દેશ વધુ શક્તિશાળી અને સમૃદ્ધ ગણાય. યુરોપિયન દેશ એવા સ્પેન પાસે એ સમયે વિશ્ર્વનું ચોથા ક્રમનું શક્તિશાળી નૌકાદળ હતું, જેના પ્રતાપે એણે છેક દક્ષિણ અમેરિકી કોસ્ટ લાઈન પર આવેલા ચિલી, પેરુ, ઇક્વાડોર જેવા દેશોને પોતાના ગુલામ બનાવી રાખેલા. એક સમય એવો આવ્યો કે આ તમામ દેશો ભેગા થઈને શક્તિશાળી સ્પેન સામે યુદ્ધે ચડ્યા. આ લડાઈઓ ઇતિહાસમાં ચિંચા ‘આયલેન્ડ વોર’ તરીકે પ્રખ્યાત થઇ. યુદ્ધની શરૂઆત કઈ રીતે થઇ, એનો પણ રસપ્રદ ઇતિહાસ છે.
તાલામ્બો : એક નાની અમથી ઘટનાને, અને…
સ્પેનની રાણી ઇઝાબેલા દ્વિતીયના શાસનકાળ દરમિયાન સ્પેન વધુને વધુ દેશો પર કબજો જમાવવા આતુર થયું. આ માટે એણે સંશોધનને નામે કેટલાક દરિયાઈ ઓપરેશન્સ હાથ ધર્યા. એમાં ગુઆનોથી સમૃદ્ધ હોય એવા ટાપુઓ પર કબજો જમાવવાની મંશા પણ હશે જ. ઉપરાંત ક્યારેક પોતાના તાબા હેઠા રહેલા સ્વતંત્ર દેશો પર ફરીથી કબજો જમાવવાની ઈચ્છા પણ હોઈ શકે. જે હોય તે, પણ ઇસ ૧૮૬૨ના અંત ભાગે સ્પેને દક્ષિણ અમેરિકી જળવિસ્તારોમાં ‘વૈજ્ઞાનિક સંશોધનો’ માટેના મિશનનો આરંભ કર્યો, જેમાં ચાર જેટલા યુદ્ધ જહાજોનો સમાવેશ થતો હતો! આ મિશનના વડા હતા એડમિરલ લુઈસ. આ મિશનનો એક છૂપો હેતુ દક્ષિણ અમેરિકી દેશોમાં વસતા સ્પેનિશ નાગરિકોને આર્થિક અને કાયદેસર રક્ષણ મળે, એવો ય હતો. જો આવું થાય તો પોતાના નાગરિકો થકી સીધો ફાયદો સ્પેનને થાય. આ માટે લશ્કરી તાકાત દર્શાવવી જરૂરી હતી. અને એડમિરલ લુઈસ આવી ‘કળાબાજી’માં પાવરધો હતો. સંશોધનના ઓઠા હેઠળ નીકળેલો આ સ્પેનિશ કાફલો દક્ષિણ અમેરિકાના ચિલી, પેરુ જેવા દેશોને ડારો આપવા માગતો હતો. ગત સપ્તાહે જે નકશો જોયેલો, એ ફરી એકવાર સમજી લઈએ. અહીં નકશામાં સાઉથ અમેરિકાની કોસ્ટલ લાઈન – દરિયાઈ પટ્ટી પર જે કલરફુલ એરિયા દર્શાવ્યા છે, એ જુઓ. એમાં સૌથી ઉપરનો લીલા કલરનો ટચુકડો દેશ છે, એ ઇક્વાડોર છે. એની નીચે પ્રમાણમાં મોટો – કેસરી રંગનો દેશ પેરુ છે. પેરુની નીચે દેખાતો ભૂરા રંગના ચીરા જેવો દેશ ચિલી છે. અને ચિલી તેમજ પેરુની પાછળ-કોસ્ટલાઈનથી દૂર રહેલો જાંબલી રંગનો દેશ બોલિવિયા છે. હવે બીજી વાત, ઇસ ૧૮૪૦માં ચિલી સ્પેનના તાબા હેઠળથી મુક્તિ મેળવવામાં સફળ રહેલું. સ્પેને પણ ચિલીને સ્વતંત્ર દેશ તરીકે માન્યતા આપી દીધેલી. પણ ઠેઠ ૧૮૨૧માં જ પોતાને સ્વતંત્ર દેશ જાહેર કરનાર પેરુને સ્પેને ક્યારેય માન્યતા નહોતી આપી.
આમ છતાં જ્યારે એડમિરલ લુઈસનો સ્પેનિશ નૌકા કાફલો ચિલીથી નીકળીને પેરુના બંદરે પહોંચ્યો, ત્યારે ત્યાંના અધિકારીઓએ એનું ભાવભીનું સ્વાગત કર્યું. શક્તિપ્રદર્શન માટે એડમિરલ લુઈસ પાસે કોઈ કારણ નહોતું, એટલે નિયત કાર્યક્રમ મુજબ પેરુમાં થોડા અઠવાડિયાના રોકાણ બાદ નૌકા કાફલો અમેરિકાના કેલિફોર્નિયા તરફ આગળ વધ્યો.
પણ ખરો ટ્વિસ્ટ અહીં આવ્યો. લુઈસે પેરુનું બંદર છોડ્યું, એ પછી ૪ ઓગસ્ટ, ૧૮૬૩ના રોજ પેરુના તાલામ્બો નામક વિસ્તારમાં રહેતા બે સ્પેનિશ નાગરિકોને કોઈક મુદ્દે સ્થાનિક નાગરિકો સાથે ચણભણ થઇ ગઈ. વાત વધી પડી અને ચાલીસેક જેટલા સ્થાનિક નાગરિકો બે સ્પેનિશ નાગરિકો સાથે બાખડી પડ્યા, જેમાં એક સ્પેનિશનું મૃત્યુ થઇ ગયું! બસ ખલાસ, એડમિરલ લુઈસને કારણ મળી ગયું. આ સમાચાર મળ્યા એ પછી લુઈસે પોતાનો નૌકા કાફલો પાછો પેરુના બંદર ઉપર ખડકી દીધો. સ્પેનિશ નાગરિકની હત્યા બદલ પેરુની ગવર્મેન્ટ માફી માગે એવી માગણી મૂકવામાં આવી. પેરૂવિયન સરકાર પણ ‘ઝુકેગા નહિ સાલા’ મોડમાં આવી ગઈ, અને લુઈસને રોકડું પરખાવી દેવાયું, કે આ આખો મામલો પેરુની આંતરિક બાબત છે, જેમાં માથું મારવાનો તમને કોઈ અધિકાર નથી!
…તો પછી લાવો રોકડા!
પરિસ્થિતિ એ કક્ષાએ પહોંચી ગઈ કે ન તો સ્પેન પાછું હટી શકે કે ના તો પેરુ સરકાર પારોઠનાં પગલા ભરી શકે! આખરે અનેક મહિનાઓ કટોકટીમાં પસાર કર્યા બાદ માર્ચ, ૧૮૬૪માં સ્પેનિશ સરકારે પેરુ પાસે અજબ માંગણી મૂકી! તમે અમારાથી (સ્પેનથી) સ્વતંત્ર થવા માટે જે લડાઈ લડ્યા, એમાં અમને (એટલે કે સ્પેનને) ખાસ્સો એવો લશ્કરી ખર્ચ વેઠવો પડ્યો! તમે (એટલે કે પેરુ સરકાર) હવે આ ખર્ચની રકમ અમને વળતર તરીકે ચૂકવી દો! લો બોલો, આવી માગણી કયો દેશ સ્વીકારે? આટલું ઓછું હોય તેમ આ આખા મુદ્દે વાટાઘાટ કરવા માટે સ્પેનિશ સરકારે પોતાના એક અધિકારી સાલાઝારને પેરુ રવાના કર્યો. હવે આ સાલાઝાર ‘રોયલ કમિશરી’ તરીકે પેરુ આવ્યો. કમિશરી એટલે એવો હોદ્દો, જે સ્પેનના સંસ્થાનો સાથે વાટાઘાટ કરતો હોય! બીજી તરફ પેરુ તો પોતાને સ્વતંત્ર દેશ ઘોષિત કરી ચૂકેલું, તેમ છતાં માત્ર પેરુને નીચું દેખાડવા માટે સ્પેનિશ સરકારે પોતાના વિદેશમંત્રીને બદલે કમિશરી સાલાઝારને પેરુ મોકલ્યો! સ્વાભાવિક રીતે જ પેરુએ આવી અપાનજનક વાટાઘાટ પડતી મૂકી. પણ સ્પેન એમ પોતાનો ખર્ચો વસૂલવાની મમત છોડે?
હકીકતે સ્પેનની નજર પેરુની માલિકીના ચિંચા આઈલેન્ડ ઉપર હતી. આ ચિંચા આઈલેન્ડ ઉપરથી પેરુને મોટા પ્રમાણમાં ગુઆનોનો પુરવઠો મળતો હતો! પોતાનો ખર્ચ વસૂલવાના બહાના હેઠળ સ્પેનિશ નૌકાદળના ચારસો જેટલા સૈનિકોની ટુકડીએ ચિંચા આઈલેન્ડ ઉપર કબજો જમાવી દીધો! ચિંચા ટાપુ પર હાજર પેરૂવિયન ગવર્નરને બંદી બનાવવામાં આવ્યો અને ટાપુ પરથી પેરુનો ઝંડો ઉતારી સ્પેનિશ ફ્લેગ લહેરાવી દેવાયો.
એ પછી અનેક ઘટનાઓ બની, જેમાં પેરુમાં થયેલ સત્તાપલટો પણ સામેલ છે. જો કે એ બધી ઘટનાઓ વિશેનો ઉલ્લેખ ટાળીએ, પણ એની સંયુક્ત અસર એવી થઇ, કે સમગ્ર દક્ષિણ અમેરિકી પ્રદેશમાં સ્પેનિશ સરકાર વિરુદ્ધ એક વાતાવરણ ખડું થઇ ગયું. ચિલી, બોલિવિયા અને ઇક્વાડોર જેવા દેશોને પણ ડર લાગવા માંડયો, કે ક્યાંક સ્પેન ફરી પાછું આપણને ગુલામ ન બનાવી દે! ડરની આ લાગણીને કારણે ઇક્વાડોર, ચિલી, બોલિવિયા અને પેરુ વચ્ચે સ્વાભાવિકપણે જ સ્પેન વિરોધી ગઠબંધન રચાઈ ગયું. આખરે ૧૮૬૫ થી માંડીને ૧૮૭૯ વચ્ચે આ દેશો સ્પેનિશ આક્રમણ સામે યુદ્ધ કરતા રહ્યા. પરિણામ એ આવ્યું કે સ્પેનિશ નૌકાદળે પારોઠનાં પગલાં ભરીને પાછું સ્પેનભેગા થઇ જવું પડ્યું! ગુઆનોથી ભરપૂર ચિંચા આયલેન્ડ ઉપર કબજો જમાવવા માટે થયેલા અ યુદ્ધમાં અઢાર હજાર લોકોએ જીવ ગુમાવ્યા!
જો કે પછીથી ગુઆનોના વિકલ્પ તરીકે માનવજાતને બીજો એક ફળદ્રુપ પદાર્થ હાથ લાગ્યો, પણ એ ગુઆનોથી ય વધારે જીવલેણ નીવડ્યો, જેણે લાખોને મોતના મોઢામાં હોમી દીધા! જેની વાત આવતા સપ્તાહે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular