ચીનની ચંચુપાત, તાઇવાનની તાકાત અને અમેરિકાના અભરખા: કોને ફાયદો, કોને નુકસાન

રોજ બરોજ

રોજ બરોજ -અભિમન્યુ મોદી

આ દુનિયા યુદ્ધના દાવાનળ પર બેઠી છે, ગમે ત્યારે ઉકળતો ચરૂ ફૂટે અને ચારેકોર મોતનો માતમ છવાય તેવા પ્રયાસો કુંઠિત માનસિકતા ધરાવતા લોકો કરી રહ્યા છે. તેનું તાજું ઉદાહરણ ચીન અને તાઇવાન વચ્ચે વર્ષોથી ચાલી રહેલો ગજગ્રાહ છે. તેમાંય અમેરિકાએ ચંચુપાત કરતા તો મામલો વધુ બિચકયો. જેને પગલે હવે ચીન અને અમેરિકા વચ્ચે દક્ષિણ ચીન મહાસાગરમાં જંગના મંડાણ થઈ ગયા છે અને તેનું કેન્દ્રબિંદુ તાઇવાન બન્યું છે. અમેરિકાના હાઉસ સ્પીકર નેન્સી પેલોસીએ તાઇવાનની મુલાકાત લેતા ચીન ધૂંવા પૂવા થઈ ગયું હતું અને તેની ધમકીઓને ગણકાર્યા વિના નેન્સી પેલોસીએ તાઇવાનના શક્તિ પ્રદર્શન માટેના દ્વાર ખોલી દીધા. જેથી ચીનની ધમકીઓ પણ ચાઈનીઝ વસ્તુઓની માફક જ પોલી અને ખોખલી છે એવું પુરવાર થઈ હતું. ભોંઠા પડેલા ચીને ચામડી બચાવવા માટે તાઇવાન નજીક જંગી લાઈવ ફાયર ડ્રિલ શરૂ કરી હતી. હકીકતમાં તો ચીન સાબિત કરવા માગે છે કે એ ધારે તો ૪૮ કલાકમાં જ તાઈવાનને ઘેરી શકે છે. તેના હવાઈ અને જળમાર્ગો રુંધી શકે છે. પરંતુ ૨.૩૯ કરોડની વસ્તી ધરાવતું તાઇવાન પોતાને સ્વતંત્ર રાષ્ટ્ર સમજે છે. આજકાલ કરતા તાઇવાન છેલ્લા ૭૨ વર્ષથી ચીનની સામે લાલ આંખ કરીને પોતાનું અસ્તિત્વ જાળવવા ઝઝૂમી રહ્યો છે.
ચીન હંમેશા ચેતવણી આપતું રહે છે કે જે દેશ તાઇવાનનું સમર્થન કરશે તે ચીનના ૧.૪૪ અબજ લોકોના નજરમાંથી ઉતરી જશે અને પરિણામો ભોગવવા પણ તૈયાર રહેવું પડશે. ચીન તાઇવાનની ચૂંટાયેલી લોકતાંત્રિક સરકારને પણ ધમકાવતું રહે છે કે તમે વન ચાઇનાનો જ હિસ્સો છો. ચીનનું આધિપત્ય સ્વીકારીને સ્વાયત્તતા મેળવી લો નહીંતર સૈન્ય કાર્યવાહી કરવામાં પણ વિચાર કરીશું નહીં.ચીનના યુદ્ધ જહાજો તાઇવાન ફરતા દરિયે આંટા મારી રહ્યા છે અને યુદ્ધ વિમાનો વારંવાર હવાઇ સરહદનો ભંગ કરીને તાઇવાન ઉપરના આકાશમાંથી ઉડે છે. છતાં તાઇવાનના મહિલા રાષ્ટ્રપતિ સાઇ ઇંગ વેન કોઇપણ ભોગે ચીન સામે ઝૂકવા તૈયાર નથી. ૨૦૧૭માં તેઓ પહેલીવાર ચૂંટાયા અને ગત જાન્યુઆરી ૨૦૨૦માં બીજીવાર ૫૭ ટકા મતોથી વિજેતા
બન્યા છે.
આ મહિલા રાષ્ટ્રપતિ ચીન વિરોધી મજબૂત નેતા તરીકે તાઇવાનમાં લોકપ્રિય થયા છે. તેમણે તાઇવાનના અલગ અસ્તિત્વનો દુનિયા સમક્ષ મજબૂત પક્ષ ઊભો કરીને ચીનને પડકાર ઊભો કર્યો છે. ચીન જેનું વર્ષોથી ગાણું ગાય છે તે ‘વન ચાઇના નીતિ’ ફગાવીને સાઇ ઇંગ વેન તાઇવાનને જ અસલ રિપબ્લિક ચાઇના (આરઓસી) તરીકે ઓળખાવે છે. જયારે ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી પીપલ્સ રિપબ્લિક ઑફ ચાઇનાને (પીઆરસી) દુનિયાનું એક માત્ર ચીન સમજે છે જેમાં તાઇવાન પણ આવી જાય છે. તાઇવાનની સ્થિતિ એવી છે કે જો તે ચીનની વન ચાઇના નીતિને સ્વીકારી લે તો તેનું અસ્તિત્વ જ મટી જાય તેમ છે આથી વન ચાઇના વર્સિસ તાઇવાનની પેચિંદો મામલો સમજવો જરૂરી છે.
ઇ.સ. ૧૬૪૨ના કોલોનિયલકાળમાં તાઇવાન પર હોલેન્ડનો કબજો હતો. ત્યાર પછી ચીનમાં મિંગ વંશનું પતન થતા મંચુઓના ચિંગ રાજવંશનું ૧૬૮૩ થી ૧૮૯૫ સુધી તાઇવાન પર શાસન રહ્યું હતું. ૧૮૯૫માં જાપાને ચીનને પરાજય આપતા તાઇવાન જાપાનના હાથમાં આવ્યું હતું. બીજા વિશ્ર્વયુદ્ધમાં જાપાનની હાર થતા અમેરિકા અને બ્રિટને તાઇવાનને ચીનના મોટા રાજનેતા અને મિલિટરી કમાંડર ચિયાંગ કાઇ શેકને સોંપવાનું નકકી કર્યુ હતું.૧૯૪૯માં ચીનમાં ચિયાંગ કાંઇ શેક અને કમ્યુનિસ્ટ સમર્થકો વચ્ચે ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું હતું. માઓત્સે તુંગના નેતૃત્વમાં ક્મ્યુનિસ્ટોએ ચિયાંગ કાઇ શેકના નેતૃત્વવાળી રાષ્ટ્રવાદી કુઓમિંગતાંગ પાર્ટીને પરાજીત કરતા ચિયાંગ કાંઇ શેક ચીનથી ભાગીને તાઇવાન આવ્યા હતા. એ સમયનું રાંકડુ ચીન તાઇવાન સામે મોટી કાર્યવાહી કરી શકે તેવી સ્થિતિમાં ન હતું.
તાઇવાનમાં રિપબ્લિક ઓફ ચાઇના (આરઓસી)ની સ્થાપના થઇ જયારે સામ્યવાદીઓએ પીપલ્સ રિપબ્લિક ઑફ ચાઇના (પીઆરસી)ની સ્થાપના કરી હતી. આ બંને પક્ષો પોતે દુનિયામાં પૂર્ણ ચીનનું પ્રતિનિધિત્વ કરતા હોવાનો દાવો કરતા રહ્યા હતા. શિતયુદ્ધના સમયમાં તાઇવાન અને ચીનના મુદ્દે દુનિયા વહેચાયેલી રહી પરંતુ અમેરિકા સતત તાઇવાનની પડખે રહ્યું હતું.૧૯૭૦થી ૧૯૮૦નો દાયકો તાઇવાન માટે કપરાકાળ સમો બની રહ્યો હતો. ચીન (પીઆરસી)માં ડેંગ શિયાઓપિંગે ચીનનું શાસન સંભાળ્યા પછી ‘એક દેશ બે પ્રણાલી’ અમલમાં મુકી હતી. દુરંદેશી ડેંગની આ યોજનાનો હેતું ચીન અને તાઇવાનનું એકિકરણ કરવાનો હતો. એ સમયે તાઇવાન મૂડીવાદી આર્થિક ઢાંચો લગભગ અપનાવી ચૂકયું હતું. તાઇવાન પોતાનો આર્થિક ઢાંચો જાળવી રાખે, આર્મી પણ રાખે અને વહિવટ પણ ભલે અલગ કરે એવી ખંધી ઉદારતા સાથે કમ્યુનિસ્ટ પાર્ટીએ ચીનમાં ભળી જવાનો પ્રસ્તાવ મુકયો પરંતુ તાઇવાને એક દેશ બે સિસ્ટમની ખોરી નીતિવાળા ચીની પ્રસ્તાવ ફગાવી દીધો હતો.
૧૯૭૧માં અમેરિકાના પ્રેસિડેન્ટ રિચર્ડ નિકસનના સમયમાં ચીન સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનો ભાગ બન્યું અને ૧૯૭૯માં તાઇવાનની યુએનમાંથી માન્યતા સમાપ્ત થઇ ગઇ હતી. અમેરિકા આમ તો તાઇવાનનું હંમેશા સમર્થક રહ્યું છે પરંતુ ૧૯૭૦માં તેની વેપાર લોબી ચીનને પણ બજાર તરીકે જોતી હતી. એ સમયે તાઇવાનની ૧ કરોડની વસ્તી કરતા ૭૦ કરોડની વસ્તી ધરાવતા
ચીન સાથે સારા સંબંધો હોય એવું કૉર્પોરેટ લોબી
ઇચ્છતી હતી.
૧૯૭૯માં તત્કાલિન અમેરિકી પ્રમુખ જીમી કાર્ટરે ચીન સાથે સંબંધો મજબૂત બનાવવા તાઇવાન સાથેના રાજકીય સંબંધો તોડી નાખ્યા હતા. જો કે અમેરિકી કૉંગ્રેસે તાઇવાન રિલેશન એકટ પસાર કરીને તાઇવાનને શસ્ત્રો આપવાનું તથા ચીન કોઇ નુકસાન કરે તો તેને ગંભીરતાથી લેવાનું નકકી કર્યુ હતું. તેમ છતાં સામ્યવાદી ચીનની સરખામણીમાં તાઇવાન નબળું પડયું હતું. જીમી કાર્ટરને બાદ કરતા તમામ પ્રમુખોની નીતિ તાઇવાનને સમર્થન આપવાની રહી છે. ડોનાલ્ડ ટ્રેમ્પ પછી જો બાયડને પણ ચીન વિરોધી તાઇવાન નીતિ ચાલું રાખી છે. દક્ષિણ ચીનસાગર પર ચીન દાવો કરતું હોવાથી તેને પડકારવા માટે તાઇવાન મહત્ત્વનું ભાગીદાર બની શકે છે.
જો કે તાઇવાન આજે પણ યુએનનું સભ્યપદ ધરાવતું નથી. કોરોનાના મહામારીમાં ઉત્તમ કામગીરીનો રેકોર્ડ ધરાવે છે પરંતુ વિશ્ર્વ આરોગ્ય સંસ્થાનું સભ્ય નથી. તાઇવાનની રાજધાની તાઇપેમાં એલાઇઝ, ઇસ્વાતિની, ગ્વાટેમાલ, હોલી સી, હોન્ડુરાસ, નૌરા, નિકારાગુઆ, તુવાલું અને પલાઉ જેવા માંડ ૧૫ દેશોના દુતાવાસ છે આ એવા ટાપુ દેશો છે જે ખાસ કાંઇ વજૂદ ધરાવતા નથી.તાઇવાનના લોકો ખૂબજ મહેનતુ અને ઉદ્યોગ સાહસિક છે. ઇલેકટ્રોનિક અને આઇટીનું નોલેજ ધરાવતા યુવાનો ખૂબજ નાની ઉંમરે ધનના ઢગલામાં આટોળતા થઇ જાય છે. પાટનગર તાઇપે સહિતના નગરોમાં હાઇ સ્પીડ ટ્રેન અને મેટ્રોની સુવિધા છે. અતિથિ દેવો ભવની પરંપરામાં માનતા તાઇવાનીઓ ચીન (પીઆરસી) માટે ખૂબ ધિક્કાર ધરાવે છે.
એવું નથી તાઇવાનમાં પણ ચીન સમર્થકો રહે છે પરંતુ ડેમોક્રેટિકસ પ્રોગેસિવ પાર્ટીના સાઇ ઇંગ વેને નેતૃત્વ સંભાળ્યા પછી પરીસ્થિતિ બદલાઇ ગઇ છે. સાઇ ઇંગ વેન ચીન સામે નહીં ઝુકવાની આક્રમક નીતિમાં માને છે જયારે વેનના મુખ્ય પ્રતિસ્પર્ધી ચીન સાથે તણાવ ઓછો કરીને શાંતિથી આગળ વધવા માંગે છે. સાઇ ઇંગ વેન અમેરિકા જાય કે જર્મની ચીનને આંખના કણાની જેમ ખૂંચે છે. તાઇવાનનું માનવું છે કે હોંગકોંગના અનુભવ પરથી ચીનની વાત માનવાનો સવાલ જ પેદા થતો નથી જયારે ચીન માને છે કે તાઇવાન અને ચીનનું એકિકરણ થઇને જ રહેશે. વન ચાઇના વિરુદ્ધ તાઇવાનની લડાઇમાં કોનું પલ્લું ભારે રહેશે તેનો જવાબ ભાવીના ગર્ભમાં પડયો છે પરંતુ ચીનનો દૃઢતાપૂર્વક સામનો કરીને
અત્યાર સુધી તાઇવાન ટકી રહ્યું છે એ કોઇ પરાક્રમથી ઓછું નથી.
નિષ્ણાતો હવે ગણતરી કરી રહ્યા છે કે જો ચીન અને તાઇવાન વચ્ચેની તંગદિલી વધશે તો તેની દુનિયા પર કેવી અસર પડશે. એક બાબત જે સામે આવી છે તે આ છે કે તાઇવાન ચીન વચ્ચે સંઘર્ષ બાદ જે સૌથી મોટું સંભવિત જોખમ ભારત સહિતના અન્ય દેશો પર પડશે તેમાં એક સેમિક્ધડક્ટર ચિપની ટેક્નિક પણ સામેલ છે. ચીન-તાઇવાન વચ્ચેની તંગદિલીને જોતા ઇન્ડિયન ફેડરેશન ઑફ ઓટોમોબાઇલ ડીલર્સ ઍસોસિયેશનના પ્રમુખ વિન્કેસ ગુલાટીએ કહ્યું હતું કે, દુનિયા રશિયા-યુક્રેન યુદ્ધ બાદ હવે દુનિયા તાઇવાન-ચીન વચ્ચે યુદ્ધની શંકાનો સામનો કરી રહી છે. જો યુદ્ધ થશે તો સેમિક્ધડકટરની કમીનો ખતરો ફરી તોળાશે, કારણ કે તાઇવાનની સેમિક્ધડક્ટર ચિપ નિર્માતા ટીએસએમસીનું માનવું છે કે જો સંઘર્ષ વધશે તો તાઇવાનના ચિપ નિર્માતાઓને નોનઓપરેટ કરી દેવાશે.
તાજેતરમાં જ તાઇવાન સેમિક્ધડક્ટર મેન્યુફેક્ચરિંગ કંપનીના ચેરપર્સન માર્ક લિઉએ કહ્યું હતું કે જો ચીન તાઇવાન પર હુમલો કરશે તો પછી દુનિયાની સૌથી એડવાન્સ્ડ ચિપ ફેક્ટરી કામ નહીં કરી શકે. તેમનું કહેવું હતું કે અમે ગ્લોબલ સપ્લાય ચેન પર નિર્ભર છીએ. તેથી એટેકની સ્થિતિમાં અમારા માટે કામ કરવું મુશ્કેલ રહેશે અને જો સેમિક્ધડક્ટર સપ્લાય નહીં થાય તો કદાચ દુનિયાના ઘણાં વિસ્તારોમાં નવો મોબાઇલ કામ નહીં કરે કે ન તો ગાડીઓ ચાલી શકશે.
તાઇવાનની સાથે ભારતનો વેપાર સતત વધી રહ્યો છે. વર્ષ ૨૦૨૧-૨૦૨૨માં ભારતે તાઇવાનથી ૪૬,૫૧૫ કરોડ રૂપિયાના સામાનની આયાત કરી હતી. તે ૨૦૨૦-૨૦૨૧ની તુલનામાં ૫૬ ટકા, જ્યારે વર્ષ ૨૦૧૯-૨૦૨૦ની સરખામણીમાં ૬૨ ટકા વધારે હતી. તેનાથી માત્ર મોબાઇલ કંપનીઓ જ અસર નહીં પડે પરંતુ કાર કંપનીઓને પણ આંચકો લાગશે. તાઇવાન સેમિક્ધડક્ટર મેન્યુફેક્ચરિંગ કંપની દુનિયાની સૌથી મોટી સેમિક્ધડક્ટર કંપની છે. સેમિક્ધડક્ટરના મામલે આ કંપનીના દબદબાનો અંદાજ આ વાતે લગાવી શકાય છે કે ટીએસએમસી એક સમયે ગ્લોબલ માર્કેટની ૯૨ ટકા ડિમાન્ડ પૂરી કરતી હતી. એપ્પલ અને માઇક્રોસોફ્ટ જેવી નામાંકિત ટેક કંપનીઓ તાઇવાન પર જ સેમિક્ધડક્ટર્સ માટે નિર્ભર છે. હવે જો યુદ્ધ થયું તો ટૅકનિકલ ક્ષેત્રે મોટી તારાજી સર્જાશે ત્યારે આ વિષમ પરિસ્થિતિઓ વચ્ચે આગામી દિવસોમાં ચીન કેવું વલણ અપનાવે છે તેના જોવાનું રહેશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.