હાલમાં ચીનમાં વસ્તીમાં ખૂબ જ ઘટાડો જોવા મળી રહ્યો છે અને આ જ કારણસર સરકાર ચિંતામાં મૂકાઈ ગઈ છે. પરંતુ જિનપિંગ સરકારે આ ચિંતાનો ઉકેલ લાવવા માટે હવે એક મોટી અને મહત્વની જાહેરાત કરી છે. જિનપિંગ સરકાર દેશમાં જન્મ દર વધારવા માટે એક નવી યોજના લાવી રહી છે અને આ નવી યોજના અનુસાર ચીન નવવિવાહિત કપલ્સ માટે એક અદ્ભુત યોજના લાવ્યું છે, જેમાં આ કપલ્સને 30 દિવસની પેઇડ મેરેજ લીવ આપવામાં આવશે જેથી તેઓ એકબીજા સાથે સારો સમય પસાર કરી શકે, તેમ જ વસ્તી વધારવામાં નિમિત્ત બની શકે.
અત્યાર સુધી ચીનમાં લગ્ન માટે માત્ર ત્રણ દિવસની પેઈડ લીવ મળતી હતી. પરંતુ જ્યારથી અહીં વસ્તી ઝડપથી ઘટવા લાગી છે એને પગલે સરકારને પોતાની પોલિસીમાં ફેરફાર કરવાની ફરજ પડી છે. આ પરિવર્તનનો ઉદ્દેશ્ય યુવાન યુગલોને લગ્ન કરવા અને બાળકો પેદા કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. એક ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા સાઉથવેસ્ટર્ન યુનિવર્સિટી ઓફ ફાઇનાન્સ એન્ડ ઇકોનોમિક્સના સોશિયલ ડેવલપમેન્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ડીન યાંગ હૈયાંગે જણાવ્યું હતું કે, લગ્નની રજા વધારવી એ પ્રજનન દર વધારવાનો એક અસરકારક માર્ગ છે. ચીનના કેટલાક પ્રાંતોમાં 30 દિવસની લગ્નની રજા આપવામાં આવી રહી છે, જ્યારે અન્યમાં લગભગ 10 દિવસની રજાની જોગવાઈ કરવામાં આવી છે. ગાંસુ અને શાંક્સી પ્રાંત 30 દિવસ આપે છે, જ્યારે શાંઘાઈ 10 અને સિચુઆનમાં હજી પણ માત્ર ત્રણ દિવસ આપવામાં આવે છે.
જાહેર કરાયેલા વસ્તી અંદાજ મુજબ, ગયા વર્ષે ચીનની વસ્તીમાં 8.5 લાખનો ઘટાડો થયો હતો અને 1960 પછી ચીનની વસ્તીમાં આટલો ઘટાડો પહેલી વખત જ જોવા મળ્યો છે. 1980થી 2015 સુધી એક બાળકની કડક નીતિના અમલીકરણને કારણે ચીનની વસ્તીમાં ઘટાડો થયો હતો. 2022માં, ચીનમાં 1,000 લોકો દીઠ 6.77 જન્મનો તેનો સૌથી ઓછો જન્મ દર નોંધાયો હતો. આ બાબતે નિષ્ણાતોનું એવું માનવું છે કે દેશની અર્થવ્યવસ્થા પર આર્થિક અસર પડી છે. દેશ અભૂતપૂર્વ અને ઝડપથી વધતી વસ્તીના બોજારૂપ પડકારનો પણ સામનો કરી રહ્યો છે.