ચીને રવિવારે તેનું સંરક્ષણ બજેટ 7.2 ટકા વધારીને 1,550 અબજ યુઆન કર્યું છે, જે ગયા વર્ષ કરતાં વધુ છે. ચીનના સૈન્ય બજેટમાં આ સતત આઠમો વધારો છે. પોતાના સંરક્ષણ બજેટ પર સૌથી વધુ ખર્ચ કરનારા દેશોમાં અમેરિકા પછી ચીનનું નામ આવે છે. અમેરિકાએ 2023 માટે $816 બિલિયનનું સંરક્ષણ બજેટ રજૂ કર્યું છે. ચીનનું સંરક્ષણ બજેટ ભારતના કરતાં ત્રણ ગણું વધુ છે. ભારતે 2023-24 માટે $72.6 બિલિયનનું બજેટ રજૂ કર્યું છે. 20 લાખ સૈનિકો સાથેની પીપલ્સ લિબરેશન આર્મી વિશ્વની સૌથી મોટી સેના છે અને તેની સેના, નૌકાદળ અને હવાઈ દળના આધુનિકીકરણ પર સૌથી વધુ ખર્ચ કરીને ઝડપથી શક્તિશાળી બની રહી છે.
ચીને ગયા વર્ષે 1.45 ટ્રિલિયન યુઆનનું બજેટ રજૂ કર્યું હતું, જેમાં હવે 7.1 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ વર્ષે સંરક્ષણ ખર્ચ વધીને 1.55 અબજ યુઆન થયો છે. જોકે, યુઆન સામે ડૉલરની મજબૂતાઈને જોતાં આ વર્ષે ચીનનો સંરક્ષણ ખર્ચ ઘટીને લગભગ $224 બિલિયન થઈ ગયો છે, જે ગયા વર્ષે $230 બિલિયન હતો.
ચીની સૈન્યનું નેતૃત્વ રાષ્ટ્રપતિ શી જિનપિંગ કરે છે જે શક્તિશાળી સેન્ટ્રલ મિલિટરી કમિશનના અધ્યક્ષ છે. તેમના નેતૃત્વ હેઠળ, ચીનની સૈન્ય આગામી કેટલાક વર્ષોમાં યુએસ સશસ્ત્ર દળોની જેમ આધુનિક બનવાનું લક્ષ્ય રાખે છે. ચીનની મથરાવટી મેલી છે. તેની નીતિ વિસ્તારવાદની છે.
ચીનના સૈન્ય આધુનિકીકરણથી આસપાસના અનેક નાના દેશોને ચિંતા થવી સ્વાભાવિક છે. જોકે, ચીનનું કહેવું છે કે ક્ષેત્રીય સ્થિરતા અને વિશ્વ શાંતિની રક્ષા માટે સંરક્ષણ બજેટમાં વધારો કરવામાં આવ્યો છે.