બાળકની સ્કૂલબેગ: જીવનનો બોજો ઊંચકવાની પ્રેક્ટિસ

ઉત્સવ

શરદ જોશી સ્પીકિંગ – ભાવાનુવાદ: સંજય છેલ

બીજા વિકસિત સફળ દેશોમાં બાળકો સ્વસ્થ હોય છે, પણ એમનું દફતર પાતળું હોય છે. આપણા દેશમાં બાળક પાતળું હોય છે, પણ એનું દફતર ભારી હોય છે

હું સ્કૂલ જતા બાળકને જોઉં છું… એમની પીઠ પર ભારે વજનની સ્કૂલ બેગ કે દફતર લદાયેલ છે. ખબર નથી કેટલાં પુસ્તકો ઉઠાવીને એ બિચારો સ્કૂલ જઈ રહ્યો છે?
એ દફતરમાં એક પુસ્તક ચોક્કસ ઈતિહાસનું તો હશે જ. શું છે કે બાળકોએ ઈતિહાસ જાણવો ખૂબ જ જરૂરી છે. એને એ ખબર હોવી જોઈએ કેટકેટલા લોકોનાં મૃત્યુ અને બલિદાન પછી આપણને ભારતીયોને આજે આઝાદીનો શ્ર્વાસ લેવાની સગવડ મળી રહી છે. આપણા દેશ પર ઘણા આક્રમણ થયા. આપણને દરેક રીતે લૂંટવામાં આવ્યા. ઘણી બધી મુશ્કેલીઓ પછી આપણને આઝાદી મળી અને આઝાદી મળ્યા પછી પણ મુશ્કેલીઓ તો પાછી ચાલુ જ છે!
જો કે એ ઈતિહાસના પુસ્તકમાં લખ્યું હશે કે ઈતિહાસનો ભૂગોળ સાથે ગાઢ સંબંધ છે. એટલે એક પુસ્તક ભૂગોળનું પણ સાથે હશે! બાળકોએ જાણવું જોઈએ કે એના બધા કાકાઓ, મામાઓ અર્થાત્ આ દેશના રહેવાસીઓ કેટલા પ્રદેશોમાં અને વિસ્તારમાં કેટલીય જીવનશૈલી, વિચારો, ધર્મો અને પરંપરાઓમાં વહેંચાયેલા છે. આપણા દેશમાં યુવાન થતા પહેલાં દરેક બાળકે આ સત્ય સમજી લેવું જોઈએ.
એ સ્કૂલ બેગમાં એક નાગરિકશાસ્ત્રનું પુસ્તક પણ હશે. બાળકને એ ખબર હોવી જોઈએ કે જે ગુણવત્તા શહેરમાં, ગામડામાં, સમાજમાં, રાજ્યમાં, વ્યવસ્થામાં અને વહીવટીતંત્રમાં સંપૂર્ણપણે ગેરહાજર છે, એ નાગરિકશાસ્ત્ર છે? ક્યાંક જો એ બાળક પુસ્તકને જુએ, તો એને જ નાગરિકતા માની ન લે! આ ગુણ તો એણે સારા નાગરિક બનીને હજી મેળવવાના છે. જોકે આ જ સુધી ના તો એના બાપા એ ગુણ મેળવી કરી શક્યા અને ના તો એ કદીયે મેળવી શકશે! પણ એથી નાગરિકશાસ્ત્રના એ પુસ્તકનું મહત્ત્વ ઓછું નથી થતું. જો કે દફતરમાં હોવું જોઈએ, નાગરિક નિયમોના જ્ઞાનનું પુસ્તક. જે સાવ નાનું હોવું જોઈએ જેથી કરીને બાળક આગળ જઇને નિયમને તોડવાના સમયે એ ખિસ્સામાંથી કાઢીને વાંચી શકે અને એને પોતાને ને એ પુસ્તકને પણ જાણ થાય ને બેઉ ખુશ થઇ શકે કે કોણે કેવો નિયમ તોડ્યો છે!
અરે હાં, એ દફતરમાં ગણિતનું પુસ્તક તો હશે જ! આંકડાઓના ગુણાકાર કરશે તો એ એમાંથી શું કરી શકશે? એના હકમાંથી ભાગાકાર તો બીજા લોકો એને કરી આપશે. હાં,એ બચેલા એના ભાગથી આખું જીવન ઓછું- વત્તું કરવાની જરૂર પડશે. એના જીવનમાં જેટલું જોડાશે, એટલું બધું જ બાકાત થતું જશે. અને પછી બિચારા માટે બાકી કંઈ બચશે નહીં! જ એક આમ ભારતીયના જીવનનું ગણિત છે. એ જે પણ હોય, એના જીવતરનો હિસાબ તો થતો રહેશે!
બાળક ભારી દફતર ઊંચકી સ્કૂલ તરફ જઈ રહ્યો છે. એની પાસે એક પુસ્તક વિજ્ઞાનનું પણ હશે! અશુદ્ધ હવા એના ફેફ્સામાં ભરી, અશુદ્ધ પાણી પીને મોટો થયેલો, આ બાળક વિજ્ઞાન ભણે છે કે હવામાં કેટલાં તત્ત્વ હોય છે, પાણીમાં કેટલા તત્વ હોય છે. જે દેશની દરેક નદી, દરેક તળાવ ગંદા છે, ત્યાંના વિદ્યાર્થીઓ માટે ખબર નથી, આ જાણકારી કેટલી ઉપયોગી છે કે પાણી ઓક્સિજન અને હાઈડ્રોજનથી બને છે. એ આખી જિંદગી આ બધા તત્ત્વોને દરેક પાણીના ગ્લાસમાં શોધતો રહેશે અને એના બદલામાં એને જંતુઓ અને કચરો જ જોવા મળશે.
બાળકનું દફતર બહુ મોટું છે! બીજા વિકસિત સફળ દેશોમાં બાળકો સ્વસ્થ હોય છે, પણ એમનું દફતર પાતળું હોય છે. આપણા દેશમાં બાળક પાતળું હોય છે પણ એનું દફતર ભારી હોય છે. આપણો દેશ કુલી, મજૂરોનો દેશ છે.એટલે ભાર ઉપાડવાનો અનુભવ બાળપણથી જ હોવો જોઈએ!
મોટા ભાગનાં પુસ્તકો તો ભાષાનાં જ હશે! ભણેલા માણસને નોકરી ભલે એક પણ નહીં મળે, જિંદગીમાં ભાષાઓ ઘણી મળી જાય છે. તમે જે ભાષામાં ઈચ્છો, એ ભાષામાં અરજી કરો પણ સામે નોકરી આપવાવાળા તમને સાદી હિન્દીમાં પણ ઉત્તર નહીં આપે! બાળક હિન્દી, સંસ્કૃત, ગુજરાતી અને અંગ્રેજીની પુસ્તકો ઊંચકીને જઈ રહ્યું છે. બાળક વિદ્વાન બનશે. એ ટ્રાન્સલેટર (અનુવાદક) પણ થઈ શકે છે. મોટો થઈને એ બાળક એક ભાષામાં વિચારી, બીજી ભાષામાં બોલી શકે છે.
બાળકનું ભવિષ્ય જે કૈં પણ હોય, પણ આ દેશમાં ભાષાઓનું ભવિષ્ય તો ઉજ્જવળ છે. આમ તો બધા જ વિષયોનું ભવિષ્ય ઉજ્જવળ છે. અંગ્રેજી કવિતા, જોમેટ્રી, બાયોલોજી, સ્વચ્છતા, બધાનું જ ભવિષ્ય ઉજ્જવળ છે.
આ દેશનું બાળક મોટું થશે ત્યારે એ શું બનશે, એ તો કૈં નક્કી નથી પરંતુ એ વજન ઊંચકવાની પ્રેક્ટિસ અને યોગ્યતા પ્રાપ્ત કરી આ કમબખ્ત જીવનનો ભાર વેંઢારવાનું કામ તો નક્કી કરી જ શકશે , એ પાકું છે, હોં!

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.