Homeઉત્સવબાળસાહિત્ય: બાળકોથી દૂર થતું જતું સાહિત્ય!

બાળસાહિત્ય: બાળકોથી દૂર થતું જતું સાહિત્ય!

કેન્વાસ -અભિમન્યુ મોદી

બાળક કચકચ કરતું હોય ત્યારે એને મોબાઈલ પકડાવી દેનારા મમ્મી-પપ્પાને અત્યારનો સમય હજુ સુધી પણ મમ્મી-પપ્પા રહેવા દે છે એ જ અચરજની વાત છે. તોફાન કરતાં કે રડતાં બાળકને એટેન્ડ કરવાને બદલે મોબાઈલમાં યુટ્યૂબની ચેનલ ખોલીને હાથમાં ફોન પકડાવીને શાંતિનો અહેસાસ કરતા વાલીઓ કયા જોર ઉપર પોતાને માતા પિતા ગણાવે છે એ કોઈ સમજાવશે? બાળકનો પોતાની શોર્ટકટ સગવડતા મુજબ ઉછેર કરનારા આ ચોક્કસ અમુક માતાપિતા માટે જ્યારે કોઈ ડાયરાનો કલાકાર તેમને ભગવાનની ઉપમા આપે ત્યારે કહેવાનું મન થાય કે આજની પેઢીના અમુક બાળકોના ઘરમાં જઈને જુવો તેના મોમ ડેડ તેનો કેવી રીતે ઉછેર કરી રહ્યા છે. જો એ ખ્યાલ ન હોય તો દરેક માતાપિતાને દેવની ઉપાધિ આપવી એ માયકાંગલાપણું કહેવાય, સમજ્યા?
બાળકો માટે તો મા-બાપ બધું કરી છૂટે બોસ. બાળકોને તેના સ્પેશિયલ કપડાંની નવી દુકાને લઇ જાય, સુપર મારિયો જેવું કોઈ એનિમેટેડ પિકચર આવ્યું હોય તો મોંઘી ટિકિટ લઈને એ જોવા લઈ જાય, રમકડાં અને ગેમ્સના મોટા શો-રૂમમાં લઈ જાય, કાર્ટૂન ચેનલો સબસ્ક્રાઇબ કરાવીને આપે, મોબાઈલમાં યુટ્યૂબ ખોલીને મોબાઈલની બેટરી ઉતારવા આપે, બાળકોને ભાવે એ આઈસક્રીમ કે ફાસ્ટફૂડના આઉટ લેટ ઉપર લઇ જાય પણ એ જ મા-બાપ બાળકોને બાળસાહિત્ય પાસે લઈ જાય છે ખરા? બાળકોના સાહિત્યની એક અલગ અને બહુ મોટી દુનિયામાં ભુસ્કો મારવા માટે સાથ આપે છે ખરા? ઇસપથી લઈને પંચતંત્ર સુધી, બત્રીસ પૂતળીથી લઈને અકબર-બીરબલ સુધી, મુલ્લાં નસીરુદ્દીનથી લઈને તભા ભટ્ટ સુધીના પાત્રોને બાળકો ઓળખે છે ખરા?
ચાલો માન્યું કે છોકરાઓને આયર્ન મેન બહુ ગમે છે અને તે સ્પાઈડર મેનના ફેન છે. તો એના ટીશર્ટ, કિચેન કે રમકડાંની સાથે એ જ સુપરહીરોના કોમિક્સ લઈને આપ્યા. હેરી પોટરની ફેન હોય એવી આખી પેઢી ટીનેજમાંથી યુવાન થઈ ગઈ છે. એમાંથી કેટલાં બાળકોએ હેરી પોટરનું સાહિત્ય વાંચ્યું? કોમિક્સ, બાળવાર્તાઓ, બાળકાવ્યો, ટૂંકી કથાઓ, કૌતુક સભર વાતોના કેટલાં બધાં પુસ્તકો બજારમાં ઉપલબ્ધ રહેતા તેમાંથી કેટલાં બાળકોને વાંચવા આપ્યા? બાળકો ખૂબ સ્ક્રીન સામે જોયા કરે છે-ની ફરિયાદ કરનારા વાલીઓએ બાળકોને સ્ક્રીન સિવાય બીજે કશે પોતાનો સમય પસાર કરવાનું મન થાય એના માટે પ્રયત્નો કર્યા? બાળકોની રંગબેરંગી ચોપડીઓ એક માંગતા તેર મળે છે. દર વર્ષે પ્રવાસ કે મેડિકલ ઇન્સ્યોરન્સ માટે એક ચોક્કસ રકમ ફાળવતા પરિવારો બાળકોને બાળસાહિત્ય માટે રસ જાગે તેના માટે કેટલી રકમ ફાળવે છે? બાળકોને ચોપડા વાંચતા કરવા એ શું આખા ભવિષ્યની ગેરેન્ટેડ એસ.આઇ.પી. નથી? બાળકોને બીજી ભાષાના માધ્યમમાં ભણાવી શકાય. પણ એનો મતલબ એ હરગીઝ નથી કે બાળકો એનું બાળપણ પણ બીજી ભાષામાં વિતાવે અને વેકેશનની યાદો પણ પરદેશી ભાષામાં બનાવે. બીજી ભાષાનો પરહેઝ લગીરે નથી પણ આપણી ભાષામાં બાળસાહિત્ય અને બાળકોને ગમતા પાત્રોની વિરાટ સૃષ્ટિ છે જેનાથી આજની પેઢી અળગી કેમ રહે છે? યુનાઈટેડ નેશન્સે ૧૯૭૯ માં આંતરરાષ્ટ્રીય શિશુવર્ષ ઉજવ્યું હતું એના પછી બાળકો માટે સામૂહિક રીતે માનવજાતે ધ્યાન આપ્યું જ નથી. બાળકાવ્યો કે બાળવાર્તાઓના વિશેષાંક ક્યારેક આવે છે બાકી બાળસાહિત્ય ઉપર કામ કરનારા શોધવા જવા પડે છે. આઝાદી પહેલા ૧૯૨૧થી ૧૯૪૦ સુધીનો સમયગાળો ગુજરાતી સાહિત્ય માટે બાળસાહિત્યનો સુવર્ણયુગ કહેવાય છે. સ્વાતંત્ર્યોતર ગુજરાતી બાળસાહિત્યમાં પણ સારું સર્જન થયું છે, પણ એમાં વેપારીવૃત્તિની છાંટ જોવા મળે. બાળકોમાં ક્રીડારસ વિકસે, જિજ્ઞાસારસ વધે, વાંચનવૃત્તિ કેળવાય અને સરવાળે તેનો જીવનરસ ઘૂંટાય એવું બાળસાહિત્ય હવે બાળકોની આંગળીઓના સ્પર્શના વિરહમાં કણસે છે.
ગર્ભસંસ્કારનું વિજ્ઞાન પણ કહે છે કે અવનવા પાત્રો કે હાલરડાં-ગીતોના ઢાળ બાળકોના મગજના વિકાસને વેગવંતો બનાવે. બાળકના જન્મ પહેલાં કે જન્મ પછી પણ બાળકોને લગતું સાહિત્ય બાળકને બુદ્ધિમાન, તેજસ્વી અને તીક્ષ્ણ બનાવે. બાળકોને મજા પણ પડે, તેનામાં સંવેદનાની નવી સરવાણીઓ પણ ફૂટે, બાળકોનું શબ્દભંડોળ સમૃદ્ધ થાય, તેનામાં સારા સંસ્કારોનું સિંચન પણ થાય અને તેનું બાળપણ સવાયું બાળપણ થાય – આટલા તો દેખીતા ફાયદા છે- બાળસાહિત્યના, બાળકોના પુસ્તકોના. સ્ક્રીન સામે સતત જોઈએ રાખવાથી આંખો બગડતી અટકે અને તબિયત સારી રહે તે બીજો ફાયદો. યાદશક્તિ વધે અને બાળક ભારતના ભવ્ય ભવિષ્યના નિર્માણ માટે સજ્જથાય એ ત્રીજો ફાયદો.
બાળસાહિત્ય ગંભીર બાબત છે. તેનું સર્જન કરવું કોઈ પણ લેખકને અઘરું પડે. બાળકની મનોદશા અને બાળમનોવિજ્ઞાન સમજનારા લેખકો જ સારા બાળસાહિત્યનું સર્જન કરી શકે અને તેની કૃતિ અમર થાય. મોટા થયા પછી પણ બાળસાહિત્ય વાંચવાથી મનુષ્ય નામના પ્રાણી વિશે વધુ સમજ કેળવાય. બાળસાહિત્યનું વાંચન અંદર રહેલા બાળકને મરવા ન દે.
એવા કેટલા માબાપ હશે જે પોતાના બાળકોના હાથે જ તેમના બાળપણને ગળોટુંપો અપાવતા હશે? એવા કેટલા લોકો છે જે આ વેકેશનમાં પોતાના પરિવારના બાળકોને તેના બાળપણની વધુ નજીક લઈ જશે અને પોતાની અંદર રહેલા બાળકને પણ દોડતા કરી
મૂકશે?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -