બાળકોના આરોગ્ય સાથે ચેડા: શાળા પ્રવેશોત્સવ વખતે જ મધ્યાહનભોજનમાં પીરસાયેલી દાળ-ઢોકળીમાંથી ગરોળીનું બચ્ચું નીકળ્યું

આપણું ગુજરાત

એક તરફ રાજ્યભરની પ્રાથમિક શાળાઓમાં પ્રવેશત્સવની ઉજવણી ચાલી રહી છે અને સરકાર દ્વારા શિક્ષણ વ્યવસ્થાના ગુણગાન ગવાઈ રહ્યા છે ત્યારે બીજી તરફ બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. પ્રવેશોત્સવ સમયેજ ઊના તાલુકાના શા.ડેસર ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના મધ્યાહન ભોજનમાં ગરોળી મળ્યાનો બનાવ બન્યો છે. જેને લઈને વાલીઓ અને ગામવાસીઓમાં રોષનો માહોલ છે.
મળતી માહિતી મુજબ વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજનમાં દાળ-ઢોકળી પીરસવામાં આવી હતી. ત્યારે ધો-6ની વિદ્યાર્થીને પીરસાયેલા ભોજનમાં ગરોળીનું બચ્ચું મળી આવતા બાળકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. આચાર્યને જાણ કરાતા તેઓ પણ ચોકી ઉઠ્યા હતા. આ વાત ગામના આગેવાનો અને વાલીઓ સુધી પહોચતા સરપંચે મામલતદાર, ટીડીઓને જાણ કરી હતી. ઊના સીએચસી કેન્દ્રના આરોગ્ય અધિકારીને તપાસના આદેશ કરાતા આરોગ્ય વિભાગની ટીમે શાળાએ પહોંચી વિદ્યાર્થીઓના આરોગ્યની તપાસ કરી હતી. તપાસ બાદ તમામ બાળકો ભય મુક્ત હોવાથી વાલીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.
નોંધનીય છે કે પ્રવેશોત્સવ ચાલતો હોવાથી આ ઘટના બન્યાના થોડા સમય પહેલા જ તાલુકા વિકાસ અધિકારી આ શાળામાં હાજર હતા, છતાં આ પ્રકારની બેદરકારી જોવા મળી હતી. આ સમગ્ર મામલે મામલતદારે તપાસના આદેશ આપ્યા છે.
સરકારી શાળાઓ અને આંગણવાડીઓમાં અપાતા મધ્યાહન ભોજનમાં હલકી ગુણવતાના અનાજ તેમજ શાકભાજીનો ઉપયોગ લેવાતો હોય છે. રસોડામાં ભોજન બનાવતી વખતે રખાતી બેદરકારીના કારણે જીવજંતુઓ પડી જતા હોય છે. થોડા દિવસ પહેલાં ગીર ગઢડા પંથકના જરગલી ગામે આંગણવાડી કેન્દ્ર માં બાળકોને પીરસવામાં આવેલ ભોજનમાં ઈયળ જોવા મળી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.