હરિયાણાના ફરીદાબાદમાં હોળી રમતા બાળકોએ કાર પર પાણી ભરેલો બલૂન ફેંક્યો હતો. બલૂન કાર સાથે અથડાતાં જ કાર ચાલક ગુસ્સે થઈ ગયો હતો. અને તે બંદૂક કાઢી બાળકોની પાછળ દોડ્યો હતો. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.
બાળકના પિતાએ કોતવાલી પોલીસ સ્ટેશનમાં આ ઘટના અંગે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવાયું છે કે સોમવારે સાંજે તેમની 2 પુત્રી અને પુત્ર ઘરની બહાર ગલીમાં રમતા હતા. આ દરમિયાન બાળકોએ ત્યાંથી પસાર થઇ રહેલી એક કાર પર પાણીનો બલૂન ફેંક્યો હતો. આના પર કાર ચાલક ગુસ્સે થયો હતો અને કારમાંથી બહાર આવીને બાળકો સાથે દુર્વ્યવહાર કરવા લાગ્યો હતો. કારચાલકના આવા વર્તાવથી બાળકો ડરી ગયા અને ઘરમાં ઘૂસી ગયા હતા. યુવક આટલેથી નહોતો અટક્યો. તેણે કારમાંથી પિસ્તોલ કાઢી અને બાળકોનો પીછો કરીને તેમના ઘર સુધી પહોંચી ગયો હતો. દરવાજે ઉભા રહીને આરોપીએ બાળકો સાથે દુર્વ્યવહાર કર્યો હતો અને પિસ્તોલ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ધમકી આપીને આરોપી કાર લઈને ચાલ્યો ગયો હતો. આ ઘટના ઘરની બહાર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જોકે, CCTVમાં પિસ્તોલ બતાવનાર વ્યક્તિનો કાર નંબર અને ચહેરો સ્પષ્ટપણે દેખાતો નથી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.